Get The App

ભારતનો 'સાચો મિત્ર' રશિયા : 1971ના યુદ્ધમાં અમેરિકા,ચીન અને બ્રિટનને એકલા હાથે ડરાવ્યા હતા

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
ભારતનો 'સાચો મિત્ર' રશિયા : 1971ના યુદ્ધમાં અમેરિકા,ચીન અને બ્રિટનને એકલા હાથે ડરાવ્યા હતા 1 - image


India-Russia Relations : રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે 4-5 ડિસેમ્બર 2025 દરમિયાન ભારતની મુલાકાત લેશે. આ મુલાકાત બંને રાષ્ટ્ર વચ્ચેના દાયકાઓ જૂના સહયોગ તરફ ઈશારો કરે છે. ભારત-રશિયા વચ્ચેની મિત્રતાનો એક નિર્ણાયક અધ્યાય 1971નું ભારત-પાકિસ્તાન યુદ્ધ રહ્યું છે, જ્યારે તત્કાલીન સોવિયેત સંઘે ભારતને પડખે ઊભા રહીને એક નહીં બબ્બે નિર્ણાયક મોરચા સંભાળ્યા હતા. પરિણામે ભારતે પાકિસ્તાનના ભાગલા કરીને બાંગ્લાદેશનું સર્જન કરવામાં સફળતા મેળવી હતી. ચાલો જાણીએ કે ફક્ત ભારત-પાકિસ્તાન જ નહીં, ચીન, અમેરિકા, બ્રિટન અને સોવિયેત સંઘને પણ સાંકળતા એ કાળખંડમાં યુદ્ધની ચોપાટ કેવી બિછાવાઈ હતી. 

પૂર્વ પાકિસ્તાનમાં સૈન્યનું દમન બેકાબુ હતું

1971નું યુદ્ધ કોઈ સામાન્ય લશ્કરી ઘર્ષણ નહોતું. તે પૂર્વ પાકિસ્તાન (વર્તમાન બાંગ્લાદેશ)માં ફૂટી નીકળેલી માનવીય ત્રાસદી અને રાજકીય ઉથલપાથલનું પરિણામ હતું. જનરલ યાહ્યા ખાનના નેતૃત્વ હેઠળનું પાકિસ્તાની સૈન્ય બંગાળી સ્વાયત્તતાની માંગને દબાવવા માટે બંગાળી લોકો પર ક્રૂર અત્યાચાર કરતું હતું. તેમાં સામૂહિક હત્યાઓ, બળાત્કારો અને સંપત્તિને આગચંપી સહિતની ઘટનાઓ સામેલ હતી. આ અત્યાચારોને પગલે શરણાર્થીઓ જીવ બચાવવા ભારતમાં ઘૂસવા લાગ્યા હતા, જેને લીધે ભારતનું અર્થતંત્ર, સામાજિક માળખું અને રાષ્ટ્રીય સુરક્ષા જોખમાવા લાગી હતી. 

આ પણ વાંચો : પોતાની ટ્રેન, પ્રાઈવેટ જેટ, 700 કારો, મહેલ જેવું ઘર... જાણો કેટલા અમિર છે રાષ્ટ્રપ્રમુખ પુતિન

એકલા પડી ગયેલા ભારતને સોવિયેત સંઘનો સાથ 

પાકિસ્તાનને તે સમયે અમેરિકા, બ્રિટન અને ચીન જેવી વૈશ્વિક શક્તિઓનો મજબૂત સહારો હતો. તેમની સંભવિત ગઠજોડનો સામનો કરવા ભારતને એક શક્તિશાળી દેશની તાત્કાલિક જરૂરિયાત હતી. આ જરૂરિયાતનું સમાધાન ભારતીય ઇતિહાસના એક અતિ મહત્ત્વપૂર્ણ રાજદ્વારી કદમ સાથે આવ્યું, જ્યારે 9 ઓગસ્ટ 1971ના રોજ સોવિયેત સંઘ સાથે ભારતે 'શાંતિ, મિત્રતા અને સહકારની સંધિ' પર હસ્તાક્ષર કર્યા. આ સંધિએ ભારતને દૃઢ રાજકીય ગેરંટી આપી કે જરૂર પડ્યે સોવિયેત સંઘ ભારતને સીધી લશ્કરી મદદ મોકલશે. 

ચીનને નિયંત્રિત કરવા સોવિયેત સંઘે ઉત્તર મોરચો ખોલ્યો

1971ના યુદ્ધમાં પાકિસ્તાનને આશા હતી કે ચીન હિમાલયન સરહદ પર લશ્કરી કાર્યવાહી શરૂ કરીને ભારતને નબળું પાડશે, જેને લીધે પશ્ચિમી સરહદે પાકિસ્તાનની સ્થિતિ મજબૂત બનશે. જો કે, નિયતિને તે મંજૂર નહોતું એટલે સમરાંગણમાં સોવિયેત સંઘનો પ્રવેશ થયો. 1969માં સોવિયેત અને ચીની સૈન્યો ઉસુરી નદી-પ્રદેશમાં પરસ્પર ટકરાઈ ચૂક્યા હતા. ભારતને સમર્થન આપવા સોવિયેત સંઘે એ ટકરાવનો લાભ ઊઠાવવાનું નક્કી કર્યું. તેણે ચીન-સોવિયેત સરહદ પર 44 મોટરાઇઝ્ડ ડિવિઝનનું વિશાળ સૈન્ય તહેનાત કરી દીધું. હવે જો ચીન ભારત સામે હિમાલય સરહદ પર મોરચો ખોલે તો સોવિયેત સેના ઉત્તર સરહદ પરથી ચીનની અંદર ધસી આવે એમ હતી. ભારત અને સોવિયેત એમ બંને મોરચે લડવાની ચીનની ક્ષમતા નહોતી, એટલે ચીન પાકિસ્તાનની મદદે દોડી જાય એ શક્યતાનો જ છેદ ઊડી ગયો. જેને લીધે ભારતીય સૈન્ય પૂર્વમાં પાકિસ્તાન સામેના યુદ્ધ પર પૂરું ધ્યાન કેન્દ્રિત કરી શક્યું. 

આ પણ વાંચો : પુતિન-મોદી વચ્ચે મુલાકાત પહેલા 3 દેશના રાજદ્વારીએ ઉભો કર્યો વિવાદ, ભારતે કહ્યું, ‘ત્રીજો દેશ ન બોલે’

અમેરિકા-બ્રિટનની નૌસેનાએ નવું સંકટ ઊભું કર્યું

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વધારે તીવ્ર બનતાં અમેરિકા અને બ્રિટન પાકિસ્તાનની મદદ કરવા આગળ આવ્યા. ડિસેમ્બર 1971ની શરૂઆતમાં અમેરિકાની નૌસેના પરમાણુ શસ્ત્રો ધરાવતા વિમાનવાહક જહાજ યુએસએસ એન્ટરપ્રાઇઝ સહિત બંગાળની ખાડીમાં પ્રવેશી. ત્યારે અમેરિકાના તત્કાલીન પ્રમુખ રિચર્ડ નિક્સનના વહીવટી તંત્રનો હેતુ સ્પષ્ટ હતો, પાકિસ્તાનને સમર્થનનો સંદેશ મોકલવો અને ભારત પર દબાણ વધારવું. એ જ સમયે બ્રિટિશ સરકારે પણ એરક્રાફ્ટ કેરિયર એચએમએસ ઇગલને અરબી સમુદ્રમાં મોકલ્યું. બે મહારથી દેશોની નૌસેના અડખેપડખેના બે સમુદ્રમાં આવીને ડોળા કાઢતી ઊભી રહે, એ કોઈ પણ દેશ માટે અમંગળ ગણાય. ભારત માટે પણ ગંભીર પડકાર સર્જાયો. વધુમાં નિક્સન વહીવટી તંત્રે ચીનને પણ ભારત સામે લશ્કરી કાર્યવાહી શરૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યું.

સોવિયેત સંઘે મજબૂત નૌસેનાનું શક્તિપ્રદર્શન કરીને સૌને ચેતવી દીધા

આ નાટકીય સંજોગોમાં ભારતે સોવિયેત સંઘ પાસે તાત્કાલિક મદદ માંગી. સોવિયેત સંઘે ઝડપથી અને નિર્ણાયક પ્રતિક્રિયા આપી. વ્લાદિવોસ્ટોક બંદરેથી સોવિયેત નૌસેનાની મોટી લશ્કરી ટુકડી (જેમાં પરમાણુ શસ્ત્રોથી સજ્જ વિમાનવાહક જહાજો અને સબમરિનોનો સમાવેશ થતો હતો) હિંદ મહાસાગર તરફ ઝડપી ગતિએ આગળ વધી. આ ટુકડીએ પોતાની વ્યૂહરચના હેઠળ સોવિયેત સબમરિનોની હાજરી જાણીજોઈને છતી કરી, જેથી અમેરિકન ઉપગ્રહો તેમને ઓળખી શકે. અને સોવિયેત યુનિયને ધાર્યું હતું એમ જ થયું. અમેરિકન નૌસેના સોવિયેત નૌસેનાના આગમનથી ચોંકી ગઈ. સોવિયેત નૌસેના સામે ભીડવું એટલે ત્રીજા વિશ્વયુદ્ધને આમંત્રણ આપવું. સોવિયેત નૌસેનાના શક્તિ પ્રદર્શનથી પાછી પડીને અમેરિકન અને બ્રિટિશ નૌસેના પાછી વળી ગઈ અને પાકિસ્તાન ફરી એકલું પડી ગયું. 

આ પણ વાંચો : સ્માર્ટફોન, પેટ્રોલ, લેપટોપ... બધુ જ મોંઘું થઈ જશે ! ડૉલર સામે રૂપિયો ગગડતા વધ્યું ટેન્શન

છેવટે ભારતે પાકિસ્તાનનો ઘડોલાડવો કરી નાંખ્યો  

સોવિયેત સંરક્ષણ આવરણ મળ્યા પછી ભારતે રીતસરનો સપાટો બોલાવીને પાકિસ્તાનનો ઘડોલાડવો કરી નાંખ્યો. 16 ડિસેમ્બર 1971ના રોજ, પાકિસ્તાનના પૂર્વી સેના કમાન્ડે 93,000થી વધુ સૈનિકો સાથે શરણાગતિ સ્વીકારવી પડી. બીજા વિશ્વયુદ્ધ પછીનો આ સૌથી મોટી સામૂહિક શરણાગતિ હતી. આ વિજયે એક નવા, સ્વતંત્ર રાષ્ટ્ર ‘બાંગ્લાદેશ’ને જન્મ આપ્યો અને દક્ષિણ એશિયાના ભૂરાજકીય નકશાને કાયમ માટે બદલી નાખ્યો. 

ટકાઉ ભાગીદારીનો આધારસ્તંભ

1971નું યુદ્ધ ભારતની સુરક્ષા માટે સોવિયેત સંઘની પ્રતિબદ્ધતાનું એક જ્વલંત ઉદાહરણ બની ગયું. તેની સહાયથી જ ભારતે અમેરિકા, બ્રિટન, પાકિસ્તાન અને ચીનના બહુમુખી જોખમનો સામનો કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. 1971 પછી ભારત-રશિયા સંબંધોમાં એક અભેદ્ય વિશ્વાસનો પાયો નંખાયો. વડાપ્રધાન જવાહરલાલ નહેરુના સમયથી શરૂ થયેલું આ ઐતિહાસિક ગઠબંધન, કૃષિ અને ઉદ્યોગથી લઈને પ્રતિરક્ષા, અવકાશ અને ઊર્જા જેવા ક્ષેત્રોમાં સહકાર સાથે વિકસ્યું છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન પ્રમુખ પુતિનની વચ્ચેની વર્તમાન વાટાઘાટો એ જ ઐતિહાસિક વિશ્વાસ અને સહયોગના સુસ્થાપિત માર્ગ પર આગળ વધી રહી છે.

Tags :