પોતાની ટ્રેન, પ્રાઈવેટ જેટ, 700 કારો, મહેલ જેવું ઘર... જાણો કેટલા અમિર છે રાષ્ટ્રપ્રમુખ પુતિન

Vladimir Putin Net Worth : રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન આવતીકાલે બે દિવસના પ્રવાસે ભારત આવી રહ્યા છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના છે. પુતિન હૈદરાબાદમાં યોજાનાર ભારત-રશિયા શિખર મંત્રણામાં સામેલ થવાના છે. મંત્રણામાં બંને દેશો વચ્ચે સંરક્ષણ, ઊર્જા ક્ષેત્ર સહિત અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ડીલ થવાની આશા છે. પુતિન ભારત-રશિયા બિઝનેસ ફોરમને સંબોધન પણ કરવાના છે.
પુતિન પાસે કેટલી સંપત્તિ
રાષ્ટ્રપ્રમુખ પુતિનની ગણતરી વિશ્વના સૌથી અમીર નેતાઓમાં થાય છે. જોકે તેમની ચોક્કર સંપત્તિ અંગે વધુ માહિતી ઉપલબ્ધ નથી.પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ પુતિનની કુલ સંપત્તિ લગભગ 200 અબજ ડૉલર (આશરે 16 લાખ 60 હજાર કરોડ રૂપિયા) હોવાનો અંદાજ છે. આ આંકડો વિશ્વના અનેક દિગ્ગજ અમીરોથી વધુ હોવાનું કહેવાય છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં પુતિનની સંપત્તિનો ડેટા નહીં
રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન લગભગ બે દાયકાથી દેશમાં સત્તા ધરાવે છે. તેમની સંપત્તિનો ડેટા ફોર્બ્સ અને બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં પણ ઉપલબ્ધ નથી. જોકે તમામ રિપોર્ટમાં તેમની સંપત્તિનું આંકલન કરવામાં આવે છે. ગત વર્ષે ફૉક્સ બિઝનેસના એક અહેવાલમાં પુતિનની અંદાજિત સંપત્તિ 200 અબજ ડૉલર હોવાનું કહેવાયું હતું.
પુતિનનું ઘર રાજાના મહેલ જેવું
રિપોર્ટ મુજબ રાષ્ટ્રપ્રમુખ પુતિન ઘર લક્ઝરી લાઈફસ્ટાઈલ અને રાજાના મહેલથી કંઈ ઓછું નથી. સત્તાવાર ખુલાસાઓને ટાંકીને વિવિધ રિપોર્ટમાં કહેવાયું છે કે, પુતિન સેન્ટ પિટસબર્ગમાં 800 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા મહેલમાં રહે છે. પુતિન પાસે બ્લેક-સીમાં 1,90,000 સ્કેવર ફુટમાં ફેલાયેલું લગભગ 1.4 અબજ ડૉલરનું આલીશાન પેલેસ પણ છે અને ત્યાં કેસિનોથી લઈને ચર્ચ પણ છે.
પુતિનની સૌથી કિંમતી ચીજવસ્તુઓ
પુતિનની અન્ય કિંમતી ચીજવસ્તુઓની વાત કરીએ તો, તેમની પાસે લગભગ 100 મિલિયન ડૉલર (લગભગ 901 કરોડ રૂપિયાથી વધુ)ની વૈભવી સુવિધા ધરાવતી મેગા-યાટ પણ છે. આ યાટ 270 ફુટની અને તેમાં જિમ, સ્પા, લાઈબ્રેરી, ડાન્સ ફ્લોરથી સજ્જ હોવાનું પણ કહેવાય છે. આ ઉપરાંત પુતિન પાસે અન્ય 19 મકાનો, 700 કારો, 58 એરક્રાફ્ટ પણ છે. તેમની પાસે 716 મિલિયન ડૉલર (લગભગ 58 અબજ, 42 કરોડ, 80 લાખ રૂપિયાનું)નું ‘ધ ફ્લાઈંગ ક્રેમલિન’ નામનું વિમાન પણ હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં તેમની પાસે 74 મિલિયન ડૉલર (લગભગ 61 કરોડ 42 લાખ રૂપિયા)ની ટ્રેન પણ છે. આટલી મોંઘાવમાં મોંઘી વસ્તુઓના માલિક પુતિનની વાર્ષિક આવક 1,40,000 ડૉલર (લગભગ એક કરોડ, 16 લાખ, 20 હજાર રૂપિયા) હોવાનું પણ રિપોર્ટમાં જાણવા મળ્યું છે.

