સ્માર્ટફોન, પેટ્રોલ, લેપટોપ... બધુ જ મોંઘું થઈ જશે? ડૉલર સામે રૂપિયો ગગડતા વધ્યું ટેન્શન

Rupee Plunged Against US Dollar : અમેરિકન ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો થઈ રહ્યો છે. પ્રથમ વખત એવું બન્યું છે કે, ડૉલરના મુકાબલે રૂપિયો 90ને પાર જતો રહ્યો છે. રિપોર્ટ મુજબ વિદેશી ભંડોળ દેશની બહાર જવું, ક્રૂડ ઓઈલની ઊંચી કિંમતો રહેવી અને ભારત-અમેરિકા વેપાર સમજૂતીમાં અનિશ્ચિતતાના કારણે રૂપિયામાં ઘટાડો થયો હોવાનું કહેવાઈ રહ્યું છે. ફૉરેક્સ ટ્રેડર્સનું કહેવું છે કે, ભારતીય રિઝર્વ બેંક (RBI) તેમાં હસ્તક્ષેપ ન કરતી હોવાના કારણે પણ રૂપિયામાં દબાણ વધી રહ્યું છે. ડૉલર સામે રૂપિયો ગગડવાના કારણે ભારત અનેક નુકસાનનો સામનો કરી રહ્યું છે. આ નબળાઈની અસર શેર માર્કેટ, વિદેશી ચલણના વેપારીઓ (Forex Traders) પર પડવાની સાથે સામાન્ય ભારતીય પરિવારો પણ સંકટનો સામનો કરી રહ્યા છે.
રૂપિયો ગગડવાના કારણે સામાન્ય લોકો પર કેવી રીતે અસર પડે?
ભારત પોતાની જરૂરિયાતનું 90 ટકા ક્રૂડ ઓઈલ અને 60 ટકા ખાદ્ય તેલ અન્ય દેશોમાંથી આયાત કરે છે. ભારત ઈલેક્ટ્રોનિક્સ, ખાતર અને ખાદ્ય તેલ જેવી ચીજ-વસ્તુઓ મામલે પણ વિદેશી સપ્લાયરો પર નિર્ભર છે. જ્યારે રૂપિયો નબળો પડે છે, ત્યારે આ આયાત થતી પ્રોડક્ટની કિંમતો વધી જાય છે. એટલે કે આયાતી વસ્તુઓ પર વધુ ડૉલર ચુકવવા પડે છે. આ કારણે આઈફોન, ફ્રિજ અથવા કાર ખરીદવી મોંઘી થઈ શકે છે. રૂપિયો ગગડે ત્યારે આયાત થતા લેપટોપ, ફ્રિજ, સ્માર્ટફોન જેવી અનેક ચીજવસ્તુઓ મોંઘી થઈ જાય છે. આ ઉપરાંત ખાદ્ય તેલ, પેટ્રોલ અને LPGના ભાવ વધવાના કારણે ભારતીય પરિવારને બજેટ પણ ખોરવાય છે.
વિદેશમાં અભ્યાસનો ખર્ચ પણ વધશે
વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ખર્ચ 2023ની તુલનાએ વાર્ષિક પાંચથી 10 લાખ રૂપિયા વધી શકે છે. જે વિદ્યાર્થીઓ ટ્યૂશન ફી અને રહેવાનો ખર્ચ ડૉલરમાં ચૂકવે છે, તે ખર્ચમાં પણ વધારો થઈ શકે છે. જે વિદ્યાર્થીઓ વાર્ષિક ટ્યૂશન ફી 50,000 ડૉલર ચૂકવી રહ્યા છે, એટલે કે તેઓ એક ડૉલરના 80 રૂપિયા મુજબ 40 લાખ રૂપિયા ચૂકવી રહ્યા છે, તો હવે તે 45 લાખ રૂપિયા થઈ ગઈ છે. આમ, ફીમાં પાંચ લાખ રૂપિયાનો વધારો થયો છે.
એજ્યુકેશન લોનને પણ અસર
રૂપિયાનું મૂલ્ય ઘડવાની અસર એજ્યુકેશન લોન પર પણ પડી છે. જે વિદ્યાર્થીએ પ્રતિ ડૉલર રૂ.80ના દરે એજ્યુકેશન લોન લીધી છે, તેઓ કે પછી તેમના પરિવારે હવે રૂપિયાના મૂલ્યમાં થયેલા ઘટાડાને કારણે 12% થી 13% વધારે રકમ ચૂકવવી પડી રહી છે.
રૂપિયાનું મૂલ્ય ઘટવાના ત્રણ કારણ
1... અમેરિકા સાથે વેપાર તણાવ : ભારત-અમેરિકા વચ્ચે વેપાર માટેની ઘણી બેઠકો નિષ્ફળ ગઈ છે. અમેરિકાએ ભારતથી આયાત થતી કેટલીક પ્રોડક્ટ પર 50 ટકા ટેરિફ ઝિંકી દીધો છે, જેના કારણે ભારતીય વેપારીઓનો વિશ્વાસ ડગમગી ગયો છે.
2... રોકાણકારોનું પલાયન : આમ તો ભારતમાં મોંઘવારી અને GDP વૃદ્ધિ સ્થિર છે, છતાં વિદેશી રોકાણકારોએ 2025માં ભારતીય સ્ટોક માર્કેટમાંથી 17 અબજ ડૉલર ખેંચી લીધા છે. આ કારણે રૂપિયા પર દબાણ વધ્યું છે.
3... RBIની નીતિમાં ફેરફાર : આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)એ ભારતના વિનિમય દર વ્યવસ્થાને ‘સ્થિર’ શ્રેણીના બદલે તેની નીચેની શ્રેણીમાં ધકેલી દીધી છે. એનો અર્થ એ થયો કે, ભારતીય રિઝર્વ બેંક રૂપિયાને બચાવવાનો પ્રયાસ કરવાના બદલે તેને નિયંત્રણમાં કરી રહી છે.

