Get The App

ઈરાનના પડકાર વચ્ચે ભારતનાં 'દેશ ગરિમા' જહાજે હોર્મુઝ પાર કર્યું, બેએ રસ્તા બદલ્યા, પર્સિયન ગલ્ફમાં હજુ 14 જહાજો

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાનના પડકાર વચ્ચે ભારતનાં 'દેશ ગરિમા' જહાજે હોર્મુઝ પાર કર્યું, બેએ રસ્તા બદલ્યા, પર્સિયન ગલ્ફમાં હજુ 14 જહાજો 1 - image
Image Source - marinetraffic.com

Indian Oil Tanker In Hormuz : ઈરાનના હોર્મુઝ જળમાર્ગ પર ચાલી રહેલા સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ ક્રૂડ ઓઈલ ભરીને ભારત તરફ આવી રહેલા ભારતીય જહાજ ‘દેશ ગરિમા’એ સુરક્ષિત રીતે હોર્મુઝ પાર કરી લીધું છે. જહાજે 18 એપ્રિલે હોર્મુઝ પાર કરી લીધું છે અને તે 22 એપ્રિલના રોજ મુંબઈ પહોંચવાની આશા છે. આ જહાજ પર કુલ 31 ભારતીય નાવિકો સવાર છે. આ પહેલા હોર્મુઝમાં ભારે ગોળીબાર થતાં બે ભારતીય જહાજો પરત ફર્યા હતા.

ભારતના બે જહાજો પર ગોળીબાર

માર્ચની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં શિપિંગ કંપની ‘ભારતીય નૌવહન નિગમ’ના કુલ 10 જહાજોએ હોર્મુઝ સફળતાપૂર્વક પાર કરી લીધું છે. આ પહેલા છેલ્લા 24 કલાકમાં હોર્મુઝમાંથી પસાર ખતી વખતે ક્રૂડ ઓઈલ ભરેલા ‘સમનાર હેરાડ’ અને ‘બલ્ક કેરિયર’ જહાજ પર ગોળીબાર થયો હોવાની માહિતી સામે આવી હતી, જેના કારણે બંને જહાજો પર્સિયન ગલ્ફમાં પરત ફર્યા છે. જોકે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે.

પર્સિયન ગલ્ફમાં 14 ભારતીય જહાજો ફસાયા

દરિયામાં પસાર થતા જહાજો પર નજર રાખતા પોર્ટલના રિપોર્ટ મુજબ, ઓઈલ ટેન્કર ‘દેશ વૈભવ’ અને ‘દેશ વિભોર’એ પણ માર્ગ બદલી નાખ્યો હતો. ત્યારપછી પર્સિયન ગલ્ફમાં ભારતીય ધ્વજવાળા જહાજોની સંખ્યા 14 પર પહોંચી ગઈ છે. ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા ભારતીય જહાજ 'ભાગ્ય લક્ષ્મી' ને અટકાવ્યું હતું. એક ઓડિયો રેકોર્ડિંગમાં ખુલાસો થયો છે કે, ઈરાની અધિકારીએ જહાજના કેપ્ટનને તાત્કાલિક પરત ફરવા આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો : ‘હોર્મુઝ બંધ છે, પાછા જાઓ’ ઈરાને ભારતના ‘ભાગ્ય લક્ષ્મી’ જહાજને અધવચ્ચેથી પરત મોકલ્યું, Audio મેસેજ વાયરલ

ઈરાની સેનાની કાર્યવાહી વિરુદ્ધ ભારતનો કડક વિરોધ

આ ગંભીર ઘટનાઓને પગલે ભારત સરકારે નવી દિલ્હીમાં ઈરાની રાજદૂતને બોલાવ્યા છે. વિદેશ સચિવે ઈરાની રાજદૂત સાથેની મુલાકાતમાં ભારતીય જહાજો પર થયેલા ફાયરિંગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે, તે પોતાના નાગરિકો અને જહાજોની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં કરે. અગાઉ ઈરાને ભારતીય જહાજોને સુરક્ષિત રસ્તો આપવાની ખાતરી આપી હતી, તેથી ભારત હવે ઈરાન પાસે સહયોગની અપેક્ષા રાખી રહ્યું છે.

શા માટે ઈરાને રસ્તો બંધ કર્યો?

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ અગાઉ લેબનાન-ઈઝરાયેલ યુદ્ધવિરામ બાદ આ હોર્મુઝ ખુલ્લો હોવાનું જણાવ્યું હતું. પરંતુ, અમેરિકાએ ઈરાની પોર્ટ પર નાકાબંધી કરતા ઈરાને તેના વિરોધમાં ફરીથી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો છે. હવે ઈરાનનું કહેવું છે કે, કોઈ પણ દેશના જહાજને 'બ્લેન્કેટ એપ્રૂવલ' આપવામાં આવશે નહીં અને દરેક જહાજે પસાર થવા માટે અલગથી મંજૂરી લેવી પડશે.

આ પણ વાંચો : દેવામાં ડૂબ્યું માલદીવ્સ તો મુઈજ્જુને આવી ભારતની યાદ! 'કરન્સી સ્વેપ'નો મુશ્કેલ નિર્ણય લેશે સરકાર?

ચીની જહાજને પણ પાછું વાળ્યું

માત્ર ભારત જ નહીં, પરંતુ ઈરાને ચીનના 'સન પ્રોફિટ' નામના જહાજને પણ મંજૂરી વગર પસાર થવા દીધું ન હતું અને તેને પરત ફરવા મજબૂર કર્યું હતું. મુંબઈ સ્થિત ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી છે કે, પૂર્વ મંજૂરી વગર કોઈ પણ જહાજને આ જળમાર્ગમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.