Get The App

PM મોદીની ફોન પર કોઈ વાતચીત નથી થઈ, ઓઈલ મુદ્દે ભારતે ફગાવ્યાં ટ્રમ્પના દાવા

Updated: Oct 16th, 2025

GS TEAM

Google News
Google News
PM મોદીની ફોન પર કોઈ વાતચીત નથી થઈ, ઓઈલ મુદ્દે ભારતે ફગાવ્યાં ટ્રમ્પના દાવા 1 - image


India Slams USA On Russian Crude: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ભારતે રશિયામાંથી ક્રૂડની ખરીદી અટકાવી દીધી છે. આ દાવા પર કેન્દ્ર સરકારે સ્પષ્ટતા આપી છે કે, અમારી પ્રાથમિકતા દેશવાસીઓનું હિત છે. વિદેશ મંત્રાલયે આજે ફરી એકવાર અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે, ભારત મોટાપાયે ક્રૂડ અને ગેસની આયાત કરે છે. અમારી પ્રાથમિકતા આ ભારે અસ્થિરતા ધરાવતા માર્કેટમાં ભારતીય ગ્રાહકોનું હિત ધ્યાનમાં રાખવાની છે. અમારી આયાત પોલિસી સંપૂર્ણપણે આ ઉદ્દેશ પર આધારિત છે. અમે અન્ય કોઈ પરિબળોથી પ્રભાવિત થઈ નિર્ણય લેતા નથી. 

કેન્દ્ર સરકારનો આ જવાબ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના વધુ એક દાવાને ખોટો ઠેરવી રહ્યો છે. અગાઉ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન સીઝફાયર દરમિયાન દાવો કર્યો હતો કે, તેમની મધ્યસ્થીથી બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયું છે. ત્યારે પણ ભારતે અને બાદમાં પાકિસ્તાને સ્પષ્ટતા આપી હતી કે, આ સીઝફાયરમાં કોઈની મધ્યસ્થી સ્વીકારવામાં આવી નથી. 

PM મોદી અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત નથી થઈ: જયસ્વાલ

ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પત્રકારોને જણાવ્યું હતું કે ટ્રમ્પના દાવાઓમાં ઉલ્લેખિત કોઈપણ ફોન કોલથી તેઓ અજાણ છે. જયસ્વાલે કહ્યું કે, 'ભારતે ઊર્જા અંગે અમેરિકાની ટિપ્પણીઓ પર એક પ્રેસ રિલીઝ જારી કરી છે. જ્યાં સુધી ટેલિફોન કોલનો સવાલ છે, હું કહી શકું છું કે મારી શ્રેષ્ઠ જાણકારી મુજબ, ગઈકાલે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી.'

આ પણ વાંચો- ભારત અમને રૂપિયો નહીં ચાઈનીઝ કરન્સીમાં ઓઈલના પૈસા ચૂકવે છે...' રશિયાના ડેપ્યુટી PMનો દાવો

માર્કેટની સ્થિતિના આધારે ડીલ કરીએ છીએઃ જયસ્વાલ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, અમે માર્કેટની સ્થિતિના આધારે જુદા-જુદા દેશો સાથે ડીલ કરીએ છીએ. અમેરિકાની વાત કરીએ તો અમે તેની પાસેથી પણ છેલ્લા થોડા વર્ષથી ક્રૂડની ખરીદી કરી છે. આ ખરીદી છેલ્લા એક દાયકામાં ઝડપથી વધી છે. વર્તમાન વહીવટીતંત્રે પણ ભારતની સાથે ઊર્જા સંબંધોને પ્રોત્સાહન આપવા પ્રાથમિકતા આપી છે. ઉલ્લેખનીય છે કે, પહેલાં પણ જ્યારે અમેરિકા તથા યુરોપિયન દેશો તરફથી રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાના સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, ત્યારે ભારતે જવાબ આપ્યો હતો કે, આવા કોઈ પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવશે નહીં.

આ પણ વાંચો- 'ભારત હવે રશિયા પાસેથી ઓઈલ નહીં ખરીદે...' ટ્રમ્પનો દાવો, કહ્યું PM મોદીએ આપ્યું આશ્વાસન

ભારતે અનેક વખત કહ્યું છે કે, યુરોપ પણ રશિયા પાસેથી સૌથી વધુ ગેસની ખરીદી કરે છે. તેણે પહેલાં તો પોતાની રશિયા સાથેની ડીલ બંધ કરવી જોઈએ. જો તે એવું નથી કરી શકતું તો તેને ભારત પર સવાલ ઉઠાવવાનો કોઈ અધિકાર નથી.

PM મોદીની ફોન પર કોઈ વાતચીત નથી થઈ, ઓઈલ મુદ્દે ભારતે ફગાવ્યાં ટ્રમ્પના દાવા 2 - image

Tags :