Get The App

'ભારત હવે રશિયા પાસેથી ઓઈલ નહીં ખરીદે...' ટ્રમ્પનો દાવો, કહ્યું PM મોદીએ આપ્યું આશ્વાસન

Updated: Oct 16th, 2025

GS TEAM

Google News
Google News
'ભારત હવે રશિયા પાસેથી ઓઈલ નહીં ખરીદે...' ટ્રમ્પનો દાવો, કહ્યું PM મોદીએ આપ્યું આશ્વાસન 1 - image


Donald Trump News : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારત અંગે ફરી એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને ખાતરી આપી છે કે ભારત હવે રશિયા પાસેથી ઓઈલની ખરીદી નહીં કરે. ટ્રમ્પે આ પગલાને 'મોટું પગલું' ગણાવ્યું હતું અને કહ્યું હતું કે યુક્રેન યુદ્ધને કારણે રશિયાને અલગ-થલગ કરવાના તેમના પ્રયાસના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.

ટ્રમ્પના દાવા સામે ભારતે શું કહ્યું? 

જોકે, ટ્રમ્પના આ દાવા અંગે ભારતીય પક્ષ તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન કે પ્રતિક્રિયા સામે આવી નથી. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે મેં વડાપ્રધાન મોદી સમક્ષ રશિયાના ક્રૂડ ઓઈલની સતત આયાત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વૉશિંગ્ટન માને છે કે આ આયાત વ્લાદિમીર પુતિન દ્વારા યુક્રેન સામે છંછેડવામાં આવેલા યુદ્ધને ભંડોળ પૂરું પાડવામાં મદદ કરે છે. એટલા માટે જ ભારત દ્વારા રશિયાથી ઓઈલ ખરીદી પર હું ખુશ નહોતો. 

ટ્રમ્પે કર્યો મોટો દાવો 

ટ્રમ્પે આગળ દાવો કરતાં કહ્યું, “અને તેમણે (વડાપ્રધાન મોદીએ) આજે મને ખાતરી આપી છે કે તેઓ રશિયા પાસેથી તેલ નહીં ખરીદે. આ એક મોટું પગલું છે. હવે આપણે ચીનને પણ આવું જ કરવા માટે કહેવું પડશે.” અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ઊર્જા નીતિ પર મતભેદો હોવા છતાં વડાપ્રધાન મોદી મારા એક નજીકના સહયોગી છે. જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું ચીન સાથેના તણાવ વચ્ચે તેઓ ભારતને ભરોસાપાત્ર ભાગીદાર માને છે, ત્યારે તેમણે કહ્યું, "તે ( વડાપ્રધાન નરેન્દ્ર મોદી) મારા મિત્ર છે. અમારા વચ્ચે ખૂબ સારા સંબંધો છે." 


Tags :