India

Explainer: Gen Z એટલે રૂપિયા 2 લાખ કરોડનું બજાર, સમજો ડિજિટલ ક્રાંતિથી શૉપિંગ સુધી તેમની મહાશક્તિ

By GS Team
16 Aug 20265 mins read
TukuTouch Logo
ભારતમાં 1997-2012 વચ્ચે જન્મેલી 'જેન ઝી' પેઢી 37.7 કરોડની વસ્તી સાથે બજારની દિશા નક્કી કરી રહી છે. 2025 સુધીમાં તેમનો સીધો ખર્ચ $250 બિલિયન થશે, જ્યારે કુલ વપરાશમાં 43% હિસ્સો છે. ડિજિટલ સ્માર્ટ શોપિંગ, ઇન્ફ્લુએન્સર પ્રભાવ અને ટ્રેન્ડને પ્રાધાન્ય તેમની મુખ્ય ખરીદી શૈલી છે. 2035 સુધીમાં તેમની ખર્ચ ક્ષમતા $2 ટ્રિલિયન સુધી પહોંચવાની ધારણા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: Gen Z એટલે રૂપિયા 2 લાખ કરોડનું બજાર, સમજો ડિજિટલ ક્રાંતિથી શૉપિંગ સુધી તેમની મહાશક્તિ
AI તસવીર

Indian Gen Z Spending Power: આજના ઝડપથી બદલાતા ભારતીય અર્થતંત્રમાં એક એવી પેઢી ઉભરી આવી છે જે બજારના નિયમો જાતે નક્કી કરી રહી છે. આ પેઢી છે 'જેન ઝી'. એ યુવા પેઢી જેનો જન્મ 1997 થી 2012 વચ્ચે થયો છે. વિશ્વભરના દર 5 યુવાનોમાંથી 1 યુવાન ભારતમાં રહે છે. જેન ઝી પેઢી કોઈ પણ જૂની પરંપરાગત બ્રાન્ડની પાછળ અંધ બનીને દોડતી નથી, કે નથી બીજાની મંજૂરીની રાહ જોતી. તેઓ પોતાની શરતો પર ખરીદી કરે છે, પોતાની મરજીથી ખર્ચ કરે છે અને પોતાના નિર્ણયોથી સમગ્ર માર્કેટની દિશા નક્કી કરે છે. જે બ્રાન્ડ્સ જેન ઝીની પસંદ-નાપસંદ ઓળખી લેશે, તે આગામી દાયકાના બજાર પર રાજ કરશે.

ભારતની Gen Z, વિશાળ વસ્તીનો સૌથી મહત્ત્વનો હિસ્સો

Snap Inc. અને Boston Consulting Group (BCG)ના રિપોર્ટ મુજબ, ભારતમાં જેન ઝીની વસ્તી 37.7 કરોડ છે, જે દેશની કુલ વસ્તીના 27% જેટલી થાય છે. એટલે કે ભારતમાં દર 4 માંથી 1 કરતાં વધુ વ્યક્તિ જેન ઝી છે.

ખર્ચ કરવાની ક્ષમતા (Spending Power): અબજો ડોલરનું બજાર

જેન ઝી માત્ર સંખ્યામાં મોટી નથી, પરંતુ તેમની ખર્ચ કરવાની ક્ષમતા પણ જબરદસ્ત છે.

  • સીધો (Direct) ખર્ચ: Deloitte-FICCI ના રિપોર્ટ મુજબ, 2025 માં જેન ઝીનો સીધો ખર્ચ (પોતાની કમાણીમાંથી થયેલો ખર્ચ) $250 બિલિયન (આશરે ₹23.85 લાખ કરોડ) રહ્યો હતો.
  • કુલ વપરાશ અને પ્રભાવ: BCG અને Snap Inc. ના રિપોર્ટ અનુસાર, ભારતીયોના કુલ વાર્ષિક ખર્ચમાં જેન ઝીનો હિસ્સો 43% છે. જેન ઝીનો કુલ ખર્ચ $860 બિલિયન (આશરે ₹82.07 લાખ કરોડ) છે. આમાંથી $660 બિલિયન (આશરે ₹62.98 લાખ કરોડ) જેટલો ખર્ચ જેન ઝીના પ્રભાવ હેઠળ થાય છે. જેમ કે, માતા-પિતા પોતાના બાળકોની પસંદગી મુજબ (પોતાના કે પોતાના ઘર માટે) વસ્તુઓ ખરીદતા હોય છે.

કયા ક્ષેત્રમાં કેટલો હિસ્સો?

જેન ઝીનો ખર્ચ દરેક ક્ષેત્રમાં ફેલાયેલો છે, પરંતુ કેટલાક ક્ષેત્રોમાં તેનો દબદબો સ્પષ્ટ નજરે આવે છે.

  • ફૂટવેર- 50%
  • રેસ્ટોરન્ટ ફૂડ- 48%
  • મનોરંજન- 48%
  • ફેશન અને લાઇફસ્ટાઇલ- 44%
  • બ્યુટી અને પર્સનલ કેર- 44%

ભવિષ્યની તેજી અને જીવનશૈલી

આવનારા સમયમાં જેન ઝીની આર્થિક શક્તિ અભૂતપૂર્વ ઝડપે વધવાની છે.

  • 2030 થી 2035 સુધીનો અંદાજ: નિષ્ણાતોના મતે 2030 સુધીમાં જેન ઝી પાસે ₹120 લાખ કરોડનું બજેટ હશે, અને 2035 સુધીમાં તેમની ખર્ચ ક્ષમતા $2 ટ્રિલિયન (આશરે ₹190 લાખ કરોડ) સુધી પહોંચી જશે.
  • આત્મનિર્ભર પેઢી: 2025 સુધીમાં દર 2 માંથી 1 જેન ઝી યુવાન કમાતો થઈ ગયો છે.
  • ટ્રાવેલ અને લક્ઝરી: Cleartrip ના ડેટા મુજબ, જેન ઝીની ટ્રાવેલ બુકિંગમાં 650% નો વધારો નોંધાયો છે, અને 89% યુવાનો પોતાનું ટ્રાવેલ બજેટ વધારવા માંગે છે.
  • EMI અને લક્ઝરી બ્રાન્ડ્સ: 70% જેન ઝી આંતરરાષ્ટ્રીય લક્ઝરી બ્રાન્ડ્સ ખરીદવાની ઈચ્છા ધરાવે છે અને તેઓ EMI તથા નો-કોસ્ટ ક્રેડિટનો સ્માર્ટ ઉપયોગ કરી રહ્યા છે.

જેન ઝીની ખરીદી કરવાની અનોખી રીતો

જેન ઝીની ખરીદીની શૈલી અગાઉની પેઢીઓ કરતાં સાવ અલગ છે.

  1. ડિજિટલ સ્માર્ટ શોપિંગ: તેઓ ફિઝિકલ સ્ટોરમાં ઊભા રહીને પણ પોતાના ફોન પર રિવ્યૂ અને ક્રિએટર્સના પેજ ચેક કરે છે. તેમનામાં આ આદત મિલેનિઅલ્સ કરતાં 1.5 ગણી વધુ જોવા મળે છે.
  2. ઇન્ફ્લુએન્સર પ્રભાવ: 72% જેન ઝી ખરીદીની પ્રેરણા માટે ઓનલાઇન ક્રિએટર્સ પર આધાર રાખે છે. એટલે કે તેઓ ઇન્ફ્લુએન્સર્સના સૂચનોના આધારે ખરીદી કરતા હોય છે.
  3. શોપિંગ એપ્સનો દબદબો: દર 10 માંથી 8 યુવાનો Amazon, Flipkart અને Meesho જેવી એપ્સથી ખરીદી કરે છે.
  4. નિયમિત ખરીદદારો: 69% જેન ઝી દર મહિને ઓછામાં ઓછી એક વાર ઓનલાઇન ખરીદી ચોક્કસ કરે છે.
  5. ટ્રેન્ડને પ્રાથમિકતા: તેઓ જૂની બ્રાન્ડ પ્રત્યે વફાદારી રાખવા કરતાં નવા ટ્રેન્ડ્સને વધુ પસંદ કરે છે. આ બાબતે તેઓ મિલેનિઅલ્સ કરતાં 1.7 ગણા વધુ ટ્રેન્ડ-કેન્દ્રિત છે.

આવક અને લોનની સુવિધા

Fortune India અનુસાર, જેન ઝીનો સરેરાશ માસિક પગાર ₹27,000 છે. શરૂઆત સરેરાશ ₹20,000થી થાય છે. નવી લોન કે ક્રેડિટ શોધનારામાં 41% હિસ્સો જેન ઝીનો છે. ₹30,000 ની માસિક આવક પર તેઓ ₹40 લાખ સુધીની લોન લેવાની ક્ષમતા ધરાવે છે. નોંધનીય છે કે, 2025 ના પ્રથમ છ મહિનામાં લેવાયેલી પર્સનલ લોનમાંથી 27% લોન માત્ર ટ્રાવેલ માટે લેવાઈ હતી.

બ્રાન્ડ્સ માટે સૌથી મોટી તક અને પડકાર

હાલના આંકડા દર્શાવે છે કે 45% બ્રાન્ડ્સ જેન ઝીની ક્ષમતા જાણે છે, પરંતુ માત્ર 15% બ્રાન્ડ્સે તેમને ટાર્ગેટ કરવા માટે સક્રિય પગલાં લીધાં છે. એટલે કે 85% બ્રાન્ડ્સ હજુ પણ આ સુવર્ણ તક ચૂકી રહી છે.

  • નાના શહેરોમાં ડિજિટલ ક્રાંતિ: Financial Express મુજબ, 60% થી વધુ ઇ-કોમર્સ વ્યવહારો Tier 2 અને Tier 3 શહેરોમાંથી આવે છે. જેન ઝી માત્ર મેટ્રો શહેરો પૂરતી મર્યાદિત નથી.
  • ઓનલાઇન રિટેલ વૃદ્ધિ: Deloitte અનુસાર, ભારતનું ઓનલાઇન રિટેલ માર્કેટ 2024 ના $75 બિલિયનથી વધીને 2030 સુધીમાં $260 બિલિયન થવાની ધારણા છે, જેનું નેતૃત્વ જેન ઝી કરશે.

જેન ઝી બ્રાન્ડ્સ પાસેથી શું અપેક્ષા રાખે છે?

  • પ્રમાણિકતા (Authenticity): માત્ર ભપકાદાર જાહેરાતો કે સેલ્સ ઝુંબેશ આ પેઢીને આકર્ષી શકતી નથી. બ્રાન્ડ્સે ‘આ ખરીદો’ કહેવાને બદલે ‘અમે તમારા જીવનમાં શું મૂલ્ય ઉમેરી શકીએ?’ એ રીતે પોતાની પ્રોડક્ટ રજૂ કરવી પડશે.
  • કમ્યુનિટી (Community): Nike જેવી બ્રાન્ડ્સ માત્ર ઉત્પાદનો વેચતી નથી, પરંતુ એક સ્પોર્ટ્સ કમ્યુનિટીનો હિસ્સો બનાવે છે. જેન ઝી એવી બ્રાન્ડ્સને પસંદ કરે છે જ્યાં તેમને જોડાણનો અહેસાસ થાય.
  • ઉત્પાદનનું મૂલ્ય: તેઓ પોકળ પ્રતિષ્ઠા કરતાં ઉત્પાદનના વાસ્તવિક મૂલ્યને વધુ મહત્ત્વ આપે છે. એટલે કે નાણાંના હિસાબે પ્રોડક્ટ કેટલી વાજબી છે તે જેન ઝી જુએ છે.

જેન ઝી દેશના આર્થિક ભવિષ્યનો પણ આધાર છે

ભારતીય બજાર માટે જેન ઝી માત્ર સામાન્ય ગ્રાહક નથી, પરંતુ તે દેશનું આર્થિક ભવિષ્ય છે. આ એક એવી પેઢી છે જે ઇન્ટરનેટ અને સ્માર્ટફોન સાથે જ મોટી થઈ છે. જો બ્રાન્ડ્સ તેમની સાથે પ્રમાણિક, પારદર્શક અને અર્થપૂર્ણ જોડાણ બનાવશે, તો જેન ઝી માત્ર ખરીદદાર બનીને નહીં રહે, પરંતુ તે બ્રાન્ડની સૌથી મોટી બ્રાન્ડ એમ્બેસેડર પણ બની જશે.