Indian Reply to USA : અમેરિકાએ તાજેતરમાં જ ભારત અને એશિયાના દેશોને ઝટકો આપતાં રશિયા અને ઈરાન પાસેથી ઓઇલ ખરીદવા સામે આપેલી 30 દિવસની રાહતને ખતમ કરી દીધી છે. હવે કોઈ પણ દેશ અમેરિકાના નિર્ણય વિરુદ્ધ ઓઇલ ખરીદી ચાલુ રાખશે તો તેની સામે પ્રતિબંધ મૂકવાની ધમકીઓ આપવામાં આવી છે.
આ સૌની વચ્ચે ભારત સરકાર સાથે સંબંધિત સૂત્રોનો દાવો છે કે અમેરિકાના પ્રતિબંધોનો ડર છતાં ભારત રશિયા પાસેથી ઓઇલ અને એલપીજીની ખરીદી ચાલુ રાખશે. સૂત્રોએ કહ્યું કે ભારતની ઊર્જા નીતિ સંપૂર્ણપણે ભારતનો આંતરિક મામલો છે અને અમેરિકાના પ્રતિબંધોથી તેને કોઈ લેવા દેવા નથી.
એક રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે ભલે અમેરિકાએ 30 દિવસની છૂટ આગળ નથી વધારી પરંતુ ભારતની રિફાઇનરીઓ પહેલાની જેમ જ એ કંપનીઓ અને જહાજોથી ઓઇલની ખરીદી ચાલુ રાખશે જે પ્રતિબંધના દાયરામાં નથી. એક અધિકારીએ કહ્યું કે આ છૂટ આપવી કે ન આપવી એ અમેરિકાનો અધિકાર હશે પણ તેનાથી ભારતની નીતિ ન નક્કી થાય. બિન પ્રતિબંધિત સ્ત્રોતના માધ્યમથી ઓઇલ અને એલપીજીની ખરીદી સદંતર ચાલુ રહેશે.


