Get The App

અમેરિકાએ ઝટકો આપતા ભારતનો પ્લાન-B એક્ટિવ! ચીને મન મૂકીને કરી ખરીદી, તમામ રેકોર્ડ તૂટ્યા

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
India Seafood Export At High


India Seafood Export At High: વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવ અને પડકારો વચ્ચે પણ ભારતનો સી-ફૂડ એક્સપોર્ટ(દરિયાઈ ખાદ્ય નિકાસ) આવી ઊંચાઈ સર કરી રહ્યો છે. નાણાકીય વર્ષ 2025-26માં ભારતની દરિયાઈ ખાદ્ય નિકાસ રેકોર્ડબ્રેક 72,325.82 કરોડ રૂપિયા(8.28 અબજ ડોલર) પર પહોંચી ગઈ છે. અત્યાર સુધી ભારતીય સી-ફૂડ માટે અમેરિકા સૌથી મોટું માર્કેટ રહ્યું છે, પરંતુ આ વખતે ત્યાં ટેરિફ સંબંધિત સમસ્યાઓને કારણે નિકાસમાં ઘટાડો નોંધાયો છે. જોકે, રાહતની વાત એ છે કે અમેરિકાના આ ઘટાડાની ભરપાઈ ચીન અને અન્ય દેશોએ કરી દીધી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સી-ફૂડ નિકાસનો કુલ જથ્થો 19.32 લાખ મેટ્રિક ટન સુધી પહોંચી ગયો છે.

ટેરિફના ફટકા છતાં ભારતની મજબૂત પકડ

ભારતની આ ઐતિહાસિક સફળતામાં 'ફ્રોઝન ઝીંગા'(Frozen Shrimp) મુખ્ય ગ્રોથ એન્જિન સાબિત થયા છે. કુલ નિકાસ આવકમાં ઝીંગાનો હિસ્સો 47,973.13 કરોડ રૂપિયા રહ્યો છે, જે કુલ કમાણીના બે-તૃતીયાંશ કરતા પણ વધુ છે. અમેરિકામાં નિકાસના મૂલ્યમાં 14.5% અને જથ્થામાં આશરે 20%નો ઘટાડો થયો હોવા છતાં તે ભારત માટે ટોપ નિકાસ ડેસ્ટિનેશન બની રહ્યું છે. અમેરિકામાં રેસિપ્રોકલ ટેરિફની અસરને કારણે નિકાસ પર થોડો ફટકો પડ્યો છે, પરંતુ ભારતના 'પ્લાન-બી' એ વિદેશી બજારમાં ભારતની પકડ નબળી પડવા દીધી નથી.

આ પણ વાંચો: પેટ્રોલ ભૂલી જાઓ! 85 ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ, E85 ફ્યુઅલનો નિયમ લાવવાની તૈયારીમાં સરકાર

ચીનના બજારમાં નિકાસનો જંગી ઉછાળો

અમેરિકાના માર્કેટમાં આવેલા ઘટાડા સામે ચીને ભારતીય સી-ફૂડની નિકાસમાં 22.7%નો જંગી ઉછાળો નોંધાવ્યો છે. ચીન સિવાય યુરોપિયન યુનિયનમાં 37.9% અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં 36.1%થી વધુનો નિકાસ વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત જાપાનમાં પણ સી-ફૂડ નિકાસ 6.55% વધી છે. ફ્રોઝન ફિશ, સ્ક્વિડ, કટલફિશ અને ફિશ ઓઇલ જેવા પ્રોડક્ટ્સે પણ આ રેકોર્ડબ્રેક સફળતામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. નિષ્ણાતોના મતે, પરંપરાગત બજારોમાં ટેરિફ અને પડકારો વચ્ચે નવા બજારો શોધવાની ભારતની વ્યૂહનીતિ સફળ રહી છે, જેના કારણે ભારતની સી-ફૂડ નિકાસ આજે ઓલ-ટાઇમ હાઈ લેવલ પર છે.

અમેરિકાએ ઝટકો આપતા ભારતનો પ્લાન-B એક્ટિવ! ચીને મન મૂકીને કરી ખરીદી, તમામ રેકોર્ડ તૂટ્યા 2 - image