Get The App

ઓઈલ ક્યાંથી લેવું તે અમે નક્કી કરીશું... ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર જયશંકરનું મોટું નિવેદન

Updated: Feb 15th, 2026

GS TEAM

Google News
Google News
ઓઈલ ક્યાંથી લેવું તે અમે નક્કી કરીશું... ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર જયશંકરનું મોટું નિવેદન 1 - image

India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે થયેલા તાજેતરના વેપાર કરાર બાદ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરવાના સતત થઈ રહેલા દાવાઓ પર ભારતે મ્યુનિક સુરક્ષા પરિષદ (MSC) 2026માં પૂર્ણવિરામ મૂક્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની 'વ્યૂહાત્મક સ્વાયત્તતા'નો પુનરોચ્ચાર કરતા સ્પષ્ટ કર્યું છે કે 'ભારતની ઊર્જા સુરક્ષાના નિર્ણયો કોઈ બાહ્ય દબાણ હેઠળ નહીં, પરંતુ માત્ર રાષ્ટ્રીય હિતના આધારે લેવામાં આવશે.'

એસ. જયશંકરનું મોટું નિવેદન

અહેવાલો અનુસાર, મ્યુનિક સુરક્ષા પરિષદમાં જર્મન નેતા જોહાન વાડેફુલ સાથેની ચર્ચા દરમિયાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે, 'અમે વ્યૂહાત્મક સ્વાયત્તતા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. તે અમારા ઇતિહાસ અને વિકાસનો અભિન્ન ભાગ છે. રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનો નિર્ણય કોઈ રાજકીય વલણ નથી, પરંતુ બજારની જરૂરિયાત છે. ભારતની ઓઈલ કંપનીઓ ઉપલબ્ધતા, ખર્ચ અને જોખમોને ધ્યાનમાં રાખીને વ્યાપારી નિર્ણયો લે છે.'

વિદેશ મંત્રી એસ. જયશંકરે યુરોપિયન દેશોને આડેહાથ લેતા કહ્યું કે 'જે રીતે યુરોપની કંપનીઓ પોતાના હિતો જુએ છે, તેવી જ રીતે ભારતીય કંપનીઓ પણ કાર્ય કરે છે. ભારત હાલમાં રશિયા પાસેથી તેની કુલ જરૂરિયાતનું લગભગ 35 ટકા ઓઈલ ખરીદે છે, જ્યારે અમેરિકા પાસેથી ખરીદીમાં પણ વધારો કરીને તેને 10 ટકા સુધી લઈ જવામાં આવી છે. આ દર્શાવે છે કે ભારત પોતાના ઉર્જા સ્ત્રોતોનું વૈવિધ્યકરણ કરી રહ્યું છે.'

આ પણ વાંચો: ...તો PM મોદી ઢાકા નહીં જાય? 17 ફેબ્રુઆરીનો પ્લાન ફિક્સ, બાંગ્લાદેશના આમંત્રણ પર સસ્પેન્સ ઘેરાયું

અમેરિકાના દાવા અને ભારતનો જવાબ

તાજેતરમાં અમેરિકાએ ભારતીય સામાન પરના ટેરિફને 50 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યાં છે. આ દરમિયાન યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ દાવો કર્યો હતો કે ભારતે રશિયા પાસેથી વધારાનું ક્રૂડ ઓઈલ ન ખરીદવાની 'પ્રતિબદ્ધતા' આપી છે. જો કે, એસ. જયશંકરે મ્યુનિકમાં સ્પષ્ટ કર્યું કે, 'ભારત કોઈ એક સ્ત્રોત પર નિર્ભર નથી અને વિવિધ દેશોમાંથી ઓઈલની ખરીદી કરે છે. જો પશ્ચિમી દેશોના વિચારો સાથે ભારતના નિર્ણયો મેળ ન ખાતા હોય, તો પણ ભારત પોતાના હિતમાં સ્વતંત્ર નિર્ણયો લેવાનું ચાલુ રાખશે. ગયા વર્ષે ટ્રમ્પ વહીવટીતંત્રે રશિયન ઓઈલના મુદ્દે ભારત પર લાદેલા 25 ટકા વધારાના ટેરિફને હટાવવો એ બંને દેશોના વેપારી સંબંધોનો ભાગ છે, કોઈ શરત નહીં.'