E Cigarette Ban : ભારત સરકારે ઈ-સિગારેટ પરના પ્રતિબંધને હળવો કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જેના પરિણામે 'હીટ-નોટ-બર્ન' (Heat-not-burn) તમાકુ ઉત્પાદનો પરનો પ્રતિબંધ યથાવત રહેશે. ભારત સરકારના આ કડક વલણથી વિશ્વની દિગ્ગજ તમાકુ કંપની ફિલિપ મોરિસ ઇન્ટરનેશનલ (Philip Morris International) ના તે પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે, જે અંતર્ગત તેઓ ભારતમાં આવા ઉપકરણોને મંજૂરી અપાવવા માટે ખાનગી રીતે લોબિંગ કરી રહ્યા હતા. ભારત સરકારે 2019 માં ઈ-સિગારેટ અને હીટેડ તમાકુ ઉત્પાદનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. નોંધનીય છે કે, ભારત વિશ્વનું સાતમું સૌથી મોટું સિગારેટ બજાર છે, જ્યાં વાર્ષિક 100 અબજથી વધુ સિગારેટનું વેચાણ થાય છે.
આરોગ્ય મંત્રાલયનો સ્પષ્ટ જવાબ
દુનિયાની સૌથી કિંમતી તમાકુ કંપની ફિલિપ મોરિસને આશા હતી કે ભારત તેના હીટેડ તમાકુ ઉપકરણ 'IQOS' માટે એક મોટું બજાર બની શકે છે. કંપનીનો દાવો છે કે આ ઉપકરણ સામાન્ય સિગારેટ કરતા ઓછું નુકસાનકારક છે. જોકે, રોઇટર્સના પ્રશ્નોના જવાબમાં આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે: "ભારત સરકાર આ પ્રતિબંધને રદ કરવા, સુધારવા કે હળવો કરવા પર કોઈ વિચારણા કરી રહી નથી." મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, ઈ-સિગારેટ સંબંધિત કાયદો હીટ-નોટ-બર્ન ઉપકરણો પર પ્રતિબંધ મૂકે છે અને ભવિષ્યમાં પણ આ સ્થિતિ યથાવત રહેશે.
કંપનીનું લાંબા સમયથી લોબિંગ
રિપોર્ટ અનુસાર, માર્લબોરો (Marlboro) બનાવતી કંપની ફિલિપ મોરિસે ખાનગી રીતે ભારતના ટોચના અધિકારીઓ અને સંસદીય સમિતિ સમક્ષ 'IQOS' પાછળના વિજ્ઞાન અને સંશોધનને ધ્યાનમાં લેવા રજૂઆત કરી હતી. કંપનીનો હેતુ આ હીટ-નોટ-બર્ન ઉત્પાદનોને પ્રતિબંધમાંથી મુક્તિ અપાવવાનો હતો.
જાન્યુઆરીમાં બેઠકો: કંપનીના અધિકારીઓએ આ વર્ષે જાન્યુઆરીમાં દાવોસ (Davos) ખાતે યોજાયેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન પણ રાજ્ય સરકારના અનેક અધિકારીઓ સાથે મુલાકાત કરીને આવા ઉત્પાદનોને ભારતમાં મંજૂરી આપવા માટે પેરવી કરી હતી.
સરકારનું સ્ટેન્ડ: તમામ લોબિંગ અને વૈશ્વિક દબાણ છતાં, ભારત સરકાર જાહેર આરોગ્યને પ્રાથમિકતા આપીને તમાકુ નિયંત્રણના તેના કડક પગલાં પર અડગ રહી છે.


