પાકિસ્તાનને ભારતનો વધુ એક ઝટકો, 40 વર્ષ જૂના ડ્રીમ પ્રોજેક્ટને સરકારનું ગ્રીન સિગ્નલ
Sawalkot Hydroelectric Project : ભારતે પડોશી દેશ પાકિસ્તાનને મોટો ઝટકો આપવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. કેન્દ્ર સરકારે ચાર દાયકાના વિલંબ બાદ આખરે સાવલકોટ પાવર પ્રોજેક્ટનું નિર્માણ વહેલીતકે શરુ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે ઇન્ટરનેશનલ ટેન્ડર પ્રક્રિયા શરુ કરી દીધી છે. જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં આવેલો આ પ્રોજેક્ટ 1856 મેગાવોટ પાવરનો છે. સરકારે ઓનલાઇન બિડ જમા કરવાની અંતિમ તારીખ 10 સપ્ટેમ્બર નક્કી કરી છે.
ચિનાબ નદી પરથી પ્રોજેક્ટ શરુ કરાશે
સાવલકોટ પાવર પ્રોજેક્ટ વહીવટી અચડચણો, પર્યાવરણ કારણો અને પાકિસ્તાનના વાંધાના કારણે દાયકાઓથી વિલંબમાં પડેલો છે. યોજના મુજબ રામબન જિલ્લાના ચિનાબ નદી પરથી પ્રોજેક્ટ શરુ કરવામાં આવશે. ભારત સરકારે સિંધુ નદી સમજૂતી કરાર સસ્પેન્ડ કર્યા બાદ અટકેલો પ્રોજેક્ટ ફરી શરુ કરવાનો નિર્ણય કરતાં પાકિસ્તાનને બેવડો ફટકો પડશે. નિષ્ણાતોનું માનવું છે કે, આપણે પાકિસ્તાન તરફ વહેતા પાણીને અટકાવવા માટે પાણી સંગ્રહ ક્ષમતા વધારવાની જરૂર છે. ભારત સાવલકોટ પ્રોજેક્ટ બની ગયા બાદ પાણીનો સારી રીતે ઉપયોગ કરી શકશે.
પહલગામ હુમલા બાદ ભારતની પાકિસ્તાન વિરુદ્ધ સતત કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે પાંચ આતંકવાદીઓએ હુમલો (Pahalgam Terror Attack) કરી 26 નિર્દોષોને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ કહ્યું હતું કે, વેપાર અને આતંક, પાણી અને લોહી, ગોળીઓ અને બોલી એક સાથે ન થઈ શકે. પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે તુરંત કાર્યવાહી કરી પાકિસ્તાન સાથે સિંધુ જળ સમજૂતી સસ્પેન્ડ કરી દીધી હતી. ત્યારબાદ પાકિસ્તાન લાલચોળ થઈ ગયું હતું.
આ પણ વાંચો : 'આ ચુકાદો છે, ન્યાય નથી...', માલેગાંવ બ્લાસ્ટના કેસના આરોપીઓ અંગે દિગ્ગજોની પ્રતિક્રિયા
પ્રોજેક્ટ ઊર્જાની અછત પૂરી કરશે
પ્રોજેક્ટનું નામ સાવલકોટ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે, જેમાં 1856 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. આનાથી દેશના ઉત્તરીય ગ્રીડમાં ઊર્જાની અછતને પૂરી કરવામાં મદદ થશે. આ પ્રોજેક્ટની કલ્પના સૌપ્રથમ 1984માં કરવામાં આવી હતી. જોકે દાયકાઓ સુધી તે પડતર રહ્યો હતો.
પાકિસ્તાને અવારનવાર વાંધો ઉઠાવ્યો
આ પ્રોજેક્ટ સિંધુ જળ સંધિ (Indus Water Treaty) હેઠળ આવતો હોવાથી પાકિસ્તાને તેના નિર્માણ સામે વાંધો ઉઠાવ્યો હતો. આ સંધિ હેઠળ ભારતને પશ્ચિમી નદીઓ(સિંધુ, ઝેલમ અને ચિનાબ)ના પાણીનો મર્યાદિત ઉપયોગ કરવાની છૂટ છે, અને પાકિસ્તાન આવા પ્રોજેક્ટ્સની ડિઝાઇન પર વાંધા ઉઠાવતું રહ્યું હતું. હવે ભારતે ચિનાબ નદી પરના લાંબા સમયથી પડતર આવા છ પ્રોજેક્ટ્સને ઝડપથી આગળ વધારવાનો નિર્ણય લીધો છે. સાવલકોટ પ્રોજેક્ટનું નિર્માણ ભારતના આર્થિક વિકાસ અને ઊર્જા સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ છે, અને તે પાકિસ્તાન સાથેના જળ સંધિ સંબંધોમાં પણ એક વ્યૂહાત્મક પગલું માનવામાં આવે છે.
આ પણ વાંચો : આધાર અને ચૂંટણી કાર્ડ હોય તો પણ તમે ભારતના નાગરિક નથી, તો જાણો માન્ય દસ્તાવેજો કયા