'આ ચુકાદો છે, ન્યાય નથી...', માલેગાંવ બ્લાસ્ટના કેસના આરોપીઓ અંગે દિગ્ગજોની પ્રતિક્રિયા
Image: Instagram @imranpratapgarhi |
Political Leaders Reaction on Malegaon Blast Case Verdict: માલેગાંવ બ્લાસ્ટને લઈને આવેલા ચુકાદા પર વિપક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યું છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ કહ્યું કે, 'આ ચુકાદો છે, ન્યાય નથી. અમે તો પહેલા દિવસથી કહીએ છીએ કે, આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો.' ગુરૂવારે (31 જુલાઈ) NIA કોર્ટે 2008 બ્લાસ્ટ કેસમાં ભાજપના પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત તમામ આરોપીને મુક્ત કરી દીધા છે. આ બ્લાસ્ટમાં 6 લોકોના મોત નિપજ્યા હતા.
રાહુલ ગાંધીએ મુદ્દો ભટકાવવાનો લગાવ્યો આરોપ
આ ચુકાદાને લઈને લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને ઉત્તર પ્રદેશના રાયબરેલીથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર મુદ્દાને ભટકાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, 'સરકારે નીતિઓને તબાહ કરી દીધી અને હવે મુદ્દો ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે.'
આતંકવાદને હિન્દુ-મુસ્લિમમાં વહેંચી ન શકાયઃ ઇમરાન મસૂદ
કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે કહ્યું કે, 'પોલીસે બધી લિંક જોડી હતી, તો આ બધું કોણે કર્યું... તેમાં કોઈ શંકા નથી કે માલેગાંવમાં બ્લાસ્ટ થયો હતો... આતંકવાદને હિન્દુઓ અને મુસ્લિમોમાં વહેંચી ન શકાય...'
શિવસેના (UBT)એ ચુકાદાનું સ્વાગત કર્યું
શિવસેના (UBT) નેતા આનંદ દુબેએ કહ્યું કે, 'કોર્ટેનો જે નિર્ણય છે, તેનું સ્વાગત છે. 17 વર્શ વર્ષ બાદ સત્ય તો મળ્યું... વિચારો કે, 7 આરોપીના જીવનના 17 વર્ષ કેવા વીત્યા હશે? આ સાથે જ એક પ્રશ્ન પણ ઊભો થાય છે કે, 17 વર્ષ લાગી ગયા ન્યાય માંગવામાં? અમે કોર્ટનો આભાર માની છીએ. કોર્ટે પણ કહ્યું કે, આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો. અમુક નેતાઓએ 'ભગવા આતંકવાદ'નું સૂત્ર આપ્યું હતું પરંતુ, ભગવો ક્યારેય આતંકવાદ સાથે જોડાઈ ન શકે. દુર્ભાગ્ય છે કે, અમુક લોકો ભગવાને આતંકવાદ કહે છે. ન્યાય માંગવામાં સમય લાગે છે, પરંતુ ન્યાય જરૂર મળે છે.'
સાધ્વી પ્રજ્ઞાએ શું કહ્યું?
NIA કોર્ટમાં ન્યાયાધીશને સંબોધિત કરતા પ્રજ્ઞા સિંહે કહ્યું કે, 'મેં શરૂઆતથી જ કહ્યું હતું કે, જેને પણ તપાસ માટે બોલાવવામાં આવે છે, તેમની પાછળ કોઈને કોઈ આધાર જરૂર હોવો જોઈએ. મને તપાસ માટે બોલાવવામાં આવી અને મારી ધરપકડ કરી મને પ્રતાડિત કરવામાં આવી. જેનાથી મારૂ આખું જીવન ખરાબ થઈ ગયું. હું એક સાધુનું જીવન જીવી રહી હતી પરંતુ, મારા પર આરોપ લગાવવામાં આવ્યો અને કોઈપણ અમારી સાથે ઊભું ન રહ્યું. હું જીવિત છું કારણ કે હું સંન્યાસી છું. તેમણે કાવતરૂં કરીને ભગવાને બદનામ કર્યું. આજે ભગવાની જીત થઈ છે, હિન્દુત્વની જીત થઈ છે અને ઈશ્વર ગુનેગારોને સજા આપશે. જોકે, ભારત અને ભગવાને બદનામ કરનારાઓને તમે ખોટા સાબિત નથી કર્યા!'