અડધી કિંમતે મોંઘી કાર, વ્હિસ્કી પણ સસ્તી... 15 જુલાઈથી લાગુ થશે ભારત-બ્રિટન FTA ડીલ, જાણો શું બદલાશે?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India-UK Free Trade Agreement Deal : ભારત અને બ્રિટન વચ્ચે વેપારને સરળ બનાવવા માટે 'ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ' (FTA) નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. વિદેશ વ્યાપાર મહાનિદેશાલયના જણાવ્યા અનુસાર, આ ઐતિહાસિક કરાર 15 જુલાઈથી સત્તાવાર રીતે લાગુ થઈ જશે. આ ડીલ અંતર્ગત બ્રિટનથી ભારત આવતી મોંઘી ગાડીઓ અને સ્કોચ વ્હિસ્કી પર લાગતો ટેક્સ ઘણો ઓછો થઈ જશે, જેના કારણે આ તમામ વસ્તુઓ ખૂબ જ સસ્તી કિંમતે મળશે.
બ્રિટિશ લક્ઝરી કારના ભાવ 80 ટકા સુધી ઘટશે
આ કરાર અંતર્ગત પહેલા વર્ષે બ્રિટનથી 20,000 લક્ઝરી કાર ઓછી ડ્યુટી સાથે ભારત લાવી શકાશે. 3000ccથી વધુ ક્ષમતા ધરાવતી પેટ્રોલ અને 2500ccથી વધુ ક્ષમતા ધરાવતી 10,000 ડીઝલ કાર પર કસ્ટમ ડ્યુટી 110 ટકાથી ઘટાડીને સીધી 30 ટકા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત 1500cc થી 3000cc સુધીની 5,000 કાર પર ઈમ્પોર્ટ ડ્યુટી 66 ટકાથી ઘટાડીને 50 ટકા કરાશે. આ ટેક્સ આગામી વર્ષોમાં ધીમે-ધીમે ઓછો કરીને 15 વર્ષ પછી માત્ર 10 ટકા પર લાવી દેવાશે.
કઈ કઈ બ્રાન્ડની ગાડીઓ સસ્તી થશે?
કસ્ટમ ડ્યુટીમાં 80 ટકા સુધીનો જંગી ઘટાડો થવાને કારણે નીચેની સુપર લક્ઝરી કારોના ભાવ ભારતમાં ખૂબ જ ઘટી જશે
• લેન્ડ રોવર રેન્જ રોવર (Land Rover Range Rover)
• રેન્જ રોવર સ્પોર્ટ (Range Rover Sport)
• લેન્ડ રોવર ડિફેન્ડર (Land Rover Defender)
• કોન્ટિનેન્ટલ GT (Continental GT)
• બેન્ટાયગા (Bentayga)
• વેન્ટેજ (Vantage) અને DB12
• રોલ્સ-રોયસ ફેન્ટમ (Rolls-Royce Phantom)
• રોલ્સ-રોયસ ઘોસ્ટ (Ghost) અને કલિનન
સ્કોચ વ્હિસ્કીના ભાવ પણ આકાશથી જમીન પર આવશે
ભારતમાં અત્યારે બ્રિટનની સ્કોચ વ્હિસ્કી પર 150 ટકા જેટલો મોટો ટેરિફ (ટેક્સ) વસૂલવામાં આવે છે. પરંતુ આ નવી ડીલ લાગુ થયા બાદ આ ડ્યુટીને અલગ-અલગ હપ્તામાં ઘટાડીને છેક 40 ટકા સુધી લઈ જવામાં આવશે. આ ફેરફારના કારણે સ્કોચ વ્હિસ્કીના ભાવમાં 110 ટકા સુધીનો મોટો ઘટાડો જોવા મળશે.
ભારતના વેપારીઓ માટે બ્રિટનનો દરવાજો ખૂલ્યો
આ ડીલથી માત્ર ભારતને જ નહીં પણ બ્રિટનને પણ ફાયદો થશે. કરાર મુજબ પહેલા વર્ષે બ્રિટનથી 2,500 કોમર્શિયલ વાહનો પણ ભારતમાં આવશે. જ્યારે ઇલેક્ટ્રિક (EV), હાઇબ્રિડ અને હાઇડ્રોજન કાર માટેનો ક્વોટા છઠ્ઠા વર્ષથી લાગુ પડશે. આ તરફ, ભારતના 99 ટકા સામાનને બ્રિટન સરકારે બિલકુલ ડ્યુટી ફ્રી એટલે કે ટેક્સ ફ્રી કરી દીધો છે.
ભારતીય કાપડ અને કેમિકલ ઉદ્યોગને બૂસ્ટર ડોઝ
અત્યાર સુધી બ્રિટનમાં ભારતના ટેક્સટાઈલ ગારમેન્ટ્સ (તૈયાર કપડાં) પર 12 ટકા, કેમિકલ્સ પર 8 ટકા અને બેઝ મેટલ્સ પર 10 ટકા ડ્યુટી લાગતી હતી. હવે આ નવી ફ્રી ટ્રેડ ડીલના કારણે ભારતના આ તમામ સામાન પર '0%' ટેક્સ લાગશે, જેનાથી બ્રિટનના બજારમાં ભારતનો સામાન વધુ વેચાશે અને ભારતીય ઉદ્યોગોને મોટો ફાયદો થશે.









