બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાયું, ગુજરાત સહિત આ રાજ્યોમાં મૂશળધાર વરસાદની આગાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IMD Weather Alert July 2026: દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આજે એટલે કે 6 જુલાઈના રોજ દેશના 16થી વધુ રાજ્યોમાં વાવાઝોડા અને ભારે પવન સાથે અતિભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ ભાગમાં સર્જાયેલું લો-પ્રેશર (ઓછા દબાણનું ક્ષેત્ર) હવે વધુ મજબૂત બની રહ્યું છે. જેના કારણે આગામી સમયમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું જોર નોંધપાત્ર રીતે વધશે. હવામાન વિભાગના મતે, આગામી 3 દિવસમાં ચોમાસું દેશના બાકી બચેલા તમામ ભાગોને પણ કવર કરી લેશે.
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં ‘ઝંઝાવાતી’ વરસાદની આગાહી
આજે 6 જુલાઈ અને આવતીકાલે 7 જુલાઈ દરમિયાન દેશના અનેક રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદનો અનુમાન છે. ગુજરાત (સૌરાષ્ટ્ર-કચ્છ), મહારાષ્ટ્ર (કોંકણ-ગોવા) અહીં આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં અગાઉથી જ સ્કૂલ-કોલેજો બંધ કરી દેવાઈ છે અને મુંબઈમાં જનજીવન પ્રભાવિત થયું છે. આ ઉપરાંત ઓડિશા, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર-પૂર્વના રાજ્યોનો સમાવેશ થાય છે.
માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ ખૂબ જ તેજ રહેવાની હોવાથી માછીમારોને ઊંડા દરિયામાં ન જવાની કડક સલાહ આપવામાં આવી છે.
દિલ્હી-યુપીમાં વાવાઝોડા સાથે વરસાદ, ગરમીથી મળશે રાહત
દિલ્હી-NCR: રાજધાની દિલ્હીમાં આજે 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. મહત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી રહેતા લોકોને બફારા અને અસહ્ય ગરમીથી મોટી રાહત મળશે.
ઉત્તર પ્રદેશ: યુપીના નોઈડા, ગાઝિયાબાદ, મેરઠ, આગ્રા, કાનપુર, ગોરખપુર અને બરેલી સહિતના વિસ્તારોમાં 6થી 8 જુલાઈ સુધી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ દરમિયાન 50થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
પહાડી રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ
હિમાચલ પ્રદેશ: હિમાચલમાં 6થી 10 જુલાઈ સુધી વરસાદી માહોલ રહેશે, જેમાં ચંબાદ, કાંગડા, મંડી અને શિમલા સહિતના વિસ્તારોમાં 7 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે.
ઉત્તરાખંડ અને જમ્મુ: દેહરાદૂન, નૈનીતાલ અને હરિદ્વાર સહિતના વિસ્તારોમાં તેજ વરસાદની આશંકા છે, જ્યારે જમ્મુ-કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારોમાં મધ્યમ વરસાદ થઈ શકે છે.
બિહાર, ઝારખંડ અને રાજસ્થાનમાં ગરમીનો અંત
બિહાર અને ઝારખંડ: પટના, મુઝફ્ફરપુર અને ગયા સહિતના વિસ્તારોમાં 8 જુલાઈ સુધી વરસાદી એલર્ટ છે. ઝારખંડમાં 60થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે.
રાજસ્થાન: જયપુર, ઉદયપુર, કોટા, અજમેર અને જોધપુર સહિતના પશ્ચિમ રાજસ્થાનના જિલ્લાઓમાં 10 જુલાઈ સુધી વરસાદ પડવાથી તાપમાનમાં મોટો ઘટાડો નોંધાશે.









