India

આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે; ગુજરાત-સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ

By GS Team
14 Sep 20263 mins read
TukuTouch Logo
IMDએ 15 સપ્ટેમ્બર, 2026ના રોજ દેશના 22થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં લો-પ્રેશર સિસ્ટમથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને પહાડી રાજ્યોમાં પણ એલર્ટ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે; ગુજરાત-સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ

IMD Rain Alert In India: દેશના અનેક વિસ્તારોમાં ચોમાસું ફરી સક્રિય થતાં હવામાનમાં મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગ(IMD) દ્વારા 15 સપ્ટેમ્બર, 2026 માટે દેશના 22થી વધુ રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ, વીજળી પડવા અને તેજ પવનની ચેતવણી આપવામાં આવી છે.

દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની આસપાસ સક્રિય લો-પ્રેશર સિસ્ટમના કારણે પશ્ચિમ ભારતમાં વરસાદની સ્થિતિ વધુ ગંભીર બની છે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ, બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ભારતથી લઈને પૂર્વોત્તર ભારત સુધી વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી છે.

ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં લો-પ્રેશર સિસ્ટમની અસર સૌથી વધુ જોવા મળી શકે છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ કેટલાક સ્થળોએ પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે.

તોફાની પવન અને ગાજવીજ સાથે વીજળી પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને લોકોને ખુલ્લા વિસ્તારમાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.

દિલ્હી, હરિયાણા અને પંજાબમાં પણ વરસાદનું જોર

દિલ્હી-NCR સહિત હરિયાણા અને પંજાબમાં 15થી 17 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનના ઝાપટા આવવાની શક્યતા છે.

ભારે વરસાદને કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી શકે છે અને સવાર-સાંજના સમયે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે. 16 અને 17 સપ્ટેમ્બરે વરસાદનું પ્રમાણ વધુ વ્યાપક રહેવાની આગાહી છે.

ઉત્તર પ્રદેશ અને બિહારમાં વીજળી પડવાની ચેતવણી

ઉત્તર પ્રદેશમાં 14 અને 15 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે. ખાસ કરીને પશ્ચિમ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
બિહારમાં 16 અને 17 સપ્ટેમ્બરે વ્યાપક વરસાદ સાથે ભારે વરસાદનું જોર વધવાની શક્યતા છે. 15 સપ્ટેમ્બરે કેટલાક વિસ્તારોમાં 30થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ અને ગાજવીજ થઈ શકે છે.

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ એલર્ટ

પૂર્વી રાજસ્થાનમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ નોંધાયા બાદ 14 અને 15 સપ્ટેમ્બરે પણ વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી છે. પૂર્વી રાજસ્થાનમાં 17 સપ્ટેમ્બર સુધી અને પશ્ચિમ રાજસ્થાનમાં 16 સપ્ટેમ્બર સુધી ગાજવીજ અને વીજળી સાથે વરસાદની શક્યતા છે.

મધ્યપ્રદેશમાં પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ બાદ 15 સપ્ટેમ્બરથી વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થઈ શકે છે. જોકે, છત્તીસગઢ, પૂર્વી મધ્યપ્રદેશ અને વિદર્ભમાં 18 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદની સ્થિતિ રહેવાની શક્યતા છે.

પહાડી રાજ્યોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનનું જોખમ

જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં 15થી 17 સપ્ટેમ્બર દરમિયાન વ્યાપક વરસાદની શક્યતા છે. આ દરમિયાન 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ઉત્તરાખંડમાં 15 અને 16 સપ્ટેમ્બરે ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને પથ્થરો ધસી પડવાનું જોખમ હોવાથી મુસાફરોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

પૂર્વોત્તર અને દક્ષિણ ભારતમાં પણ વરસાદ

અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં 15થી 18 સપ્ટેમ્બર દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ તોફાન અને ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.

દક્ષિણ ભારતમાં કેરળ, માહે, લક્ષદ્વીપ અને તેલંગાણામાં ચોમાસું સક્રિય રહેશે. તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 14થી 20 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ આંતરિક કર્ણાટકમાં 15 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી છે.

19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાય શરૂ થવાની શક્યતા

ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે ચોમાસાની વિદાય અંગે પણ મહત્ત્વની માહિતી આપી છે. 19 સપ્ટેમ્બર, 2026ની આસપાસ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. આ પછી ચોમાસાની વિદાય ધીમે ધીમે ઉત્તર-પશ્ચિમ ભારતના અન્ય વિસ્તારો તરફ આગળ વધી શકે છે.

માછીમારોને દરિયામાં ન જવાની સલાહ

ગુજરાતના દરિયાકાંઠા અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને 16 સપ્ટેમ્બર સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં પણ 15થી 19 સપ્ટેમ્બર દરમિયાન ઊંચા મોજાં અને 60 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્રને સતર્ક રહેવા અને જરૂર પડે ત્યારે બચાવ કામગીરી માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.