India

ટ્રેનમાં મુસાફરી કરવી હોય તો અનારક્ષિત ટિકિટ વોટ્સએપ પર નહીં ચાલે! જાણો રેલવેનો નિયમ

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
ભારતીય રેલવેએ ટિકિટના નવા નિયમો જાહેર કર્યા છે. હવે ટ્રેનમાં 'Rail One' એપ પરની ઓરિજિનલ ડિજિટલ ટિકિટ જ માન્ય ગણાશે. સ્ક્રીનશોટ, ફોટો કે PDF કોપી અમાન્ય રહેશે. જે મોબાઈલથી ટિકિટ બુક કરાઈ હોય, તે જ ફોન અને અસલી ID સાથે રાખવું ફરજિયાત છે. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેએ પણ આ સ્પષ્ટતા કરી છે. આ નિયમથી પ્રવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રેનમાં મુસાફરી કરવી હોય તો અનારક્ષિત ટિકિટ વોટ્સએપ પર નહીં ચાલે! જાણો રેલવેનો નિયમ

Indian Railways digital ticket rule: રેલવે પ્રવાસીઓ માટે એક અત્યંત મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રેલવે પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, હવેથી ટ્રેનમાં ચેકિંગ દરમિયાન માત્ર 'રેલ વન' (Rail One) એપ પર બતાવવામાં આવેલી ઓરિજિનલ ડિજિટલ ટિકિટ જ માન્ય ગણવામાં આવશે. પ્રવાસીઓ દ્વારા બતાવવામાં આવતા સ્ક્રીનશોટ, ફોટો, PDF કોપી અથવા વૉટ્સએપ કે અન્ય મેસેજિંગ એપ્સ દ્વારા મોકલવામાં આવેલી ટિકિટોને મુસાફરીનો માન્ય પુરાવો ગણવામાં આવશે નહીં. તાજેતરમાં એક મુસાફરે ઓરિજિનલ ડિજિટલ ટિકિટના બદલે વૉટ્સએપ સ્ક્રીનશોટ બતાવ્યો હતો, જેના કારણે તેને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ રેલવે દ્વારા આ નવી સ્પષ્ટતા જાહેર કરવામાં આવી છે.

જે મોબાઈલથી બુકિંગ કર્યું હોય, તે જ હેન્ડસેટ સાથે રાખવો ફરજિયાત

નવા નિયમ પ્રમાણે, તમે જે મોબાઈલ ફોનમાંથી ટિકિટ બુક કરાવી હોય, મુસાફરી દરમિયાન એ જ ફોનમાં ટિકિટ હોવી જરૂરી છે. આ સાથે જ, પ્રવાસીઓએ ટ્રેન ઉપડે તે પહેલાં જ ડિજિટલ અનારક્ષિત (જનરલ) ટિકિટ ખરીદી લેવી પડશે, કારણ કે ટ્રેન સ્ટેશન છોડી દે તે પછી કરેલું કોઈ પણ બુકિંગ માન્ય ગણવામાં નહીં આવે.

સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવેએ પણ X પર સ્પષ્ટતા કરી છે કે, 'રેલ વન' એપથી બુક કરેલી જનરલ ટિકિટ માત્ર એ જ રજિસ્ટર્ડ મોબાઈલ પર સાચી ગણાશે જેમાંથી તે બુક થઈ હોય. આથી મુસાફરી કરતી વખતે એ જ મોબાઈલ ફોન અને તેની સાથે તમારું એક અસલી ફોટો આઈડી કાર્ડ (ઓળખપત્ર) સાથે રાખવું ફરજિયાત છે.

રેલવેના આ આકરા નિયમથી સામાન્ય જનતામાં ભારે નારાજગી

રેલવેના આ નવા નિયમના કારણે સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે ચિંતા અને ગુસ્સો જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, આ નિયમથી ખાસ કરીને વૃદ્ધો અને એવા પ્રવાસીઓને મોટી તકલીફ પડશે જેઓ પોતે સ્માર્ટફોન કે એપ વાપરતા નથી અને પરિવારના અન્ય સભ્યો પાસે ટિકિટ બુક કરાવે છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, જો ટિકિટ બુક કરાવનાર વ્યક્તિ પોતે મુસાફરી ન કરી રહી હોય, તો વાસ્તવિક પરિસ્થિતિમાં આ નિયમનું પાલન કેવી રીતે શક્ય બનશે.