India

પ્રદૂષણ ઘટાડી ના શક્યા તો ડેટામાં ગોલમાલ? દિલ્હીમાં AQI મુદ્દે કેન્દ્ર અને રેખા ગુપ્તા સરકાર ઘેરાઈ

By GS Team
9 Nov 20264 mins read
TukuTouch Logo
દિવાળી બાદ દિલ્હીમાં પ્રદૂષણ ગંભીર બનતા રાજકીય ગરમાવો આવ્યો છે. ભાજપના કપિલ મિશ્રાએ AAP પર પંજાબમાં જાણીજોઈને પરાલી સળગાવી પ્રદૂષણ વધારવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે આની નિષ્પક્ષ તપાસ થાય તો અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે. કોંગ્રેસે સરકાર પર ડેટા છુપાવવાનો આરોપ લગાવ્યો, જ્યારે AAPએ AQI 3,000ને પાર પહોંચ્યાનો દાવો કર્યો. દિલ્હીનો સરેરાશ AQI 373 નોંધાયો, ઘણા વિસ્તારોમાં 400ને પાર થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રદૂષણ ઘટાડી ના શક્યા તો ડેટામાં ગોલમાલ? દિલ્હીમાં AQI મુદ્દે કેન્દ્ર અને રેખા ગુપ્તા સરકાર ઘેરાઈ

દિવાળીની ઉજવણી બાદ દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચતાં હવે રાજકીય વિવાદ શરૂ થયો છે. દિલ્હી-NCRમાં ધુમાડાના ગાઢ પડને કારણે અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટી ગઈ છે. આ દરમિયાન ભાજપના નેતા અને દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રાએ આમ આદમી પાર્ટી(AAP) પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે દિલ્હીમાં પ્રદૂષણ વધારવા માટે પંજાબમાં જાણીજોઈને ખેડૂતોનાં ખેતરોમાં પરાલી સળગાવવામાં આવી રહી છે. આ મામલે નિષ્પક્ષ તપાસ થાય તો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પણ થઈ શકે છે. બીજી તરફ કોંગ્રેસ અને AAPએ ભાજપ સરકાર પર પ્રદૂષણ નિયંત્રણમાં નિષ્ફળ રહેવાનો અને હવાની ગુણવત્તાના આંકડા છુપાવવાનો આરોપ લગાવ્યો છે. આમ, દિવાળી બાદ વધેલા પ્રદૂષણને લઈને દિલ્હીનું રાજકારણ ગરમાયું છે.

દિલ્હીમાં AQI 373, અનેક વિસ્તારોમાં 400ને પાર
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(CPCB)ના સમીર એપ પર જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, રવિવારે રાત્રે 11:05 વાગ્યે દિલ્હીની સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 373 નોંધાયો હતો. જોકે, અનેક વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર 400ને પાર પહોંચી ગયું હતું. અલીપુર, બવાના, બુરાડી, ચાંદની ચોક, મુંડકા, પંજાબી બાગ, રોહિણી અને વિવેક વિહારમાં AQI 400થી વધુ નોંધાયો હતો. આ દરમિયાન દિલ્હી-NCRમાં ધુમાડાના ગાઢ પડને કારણે દૃશ્યતા પણ ઘટી હતી. અહેવાલો અનુસાર, પ્રદૂષણનું સ્તર વધી રહ્યું હતું ત્યારે અનેક મોનિટરિંગ સ્ટેશનો પર રિયલ ટાઇમ ડેટા દેખાવાનું બંધ થઈ ગયું હતું. અહેવાલ મુજબ, આરકે પુરમ, નેહરુ નગર, મુંડકા, સોનિયા વિહાર અને દ્વારકામાં પણ ડેટા મળતો બંધ થયો હતો.

કપિલ મિશ્રાનો AAP પર ગંભીર આરોપ

દિલ્હીના મંત્રી કપિલ મિશ્રાએ પંજાબમાં પરાલી સળગાવવાની ઘટનાઓ પાછળ AAPના નેતાઓનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે પંજાબના અલગ-અલગ વિસ્તારોના AQIના આંકડા રજૂ કરતાં કહ્યું કે મલોટમાં પ્રદૂષણનું સ્તર ઊંચું છે, જ્યારે અબોહરમાં AQI 1,307 અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના મતવિસ્તાર સંગરુરમાં AQI 1,651 સુધી પહોંચી ગયો છે. કપિલ મિશ્રાએ આરોપ લગાવ્યો કે AAPના ધારાસભ્યો, નેતાઓ અને દિલ્હીની ટીમના ફોન રૅકોર્ડની તપાસ થવી જોઈએ. તેમના મતે, આ લોકો પંજાબમાં ખેડૂતોનાં ખેતરોમાં આગ લગાવવાની ઘટનાઓ પાછળ હોઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, જો પંજાબના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભગવંત માન નિષ્પક્ષ તપાસ કરાવે અને પરાલી સળગાવવાની ઘટનાઓનું સત્ય બહાર આવે તો શક્ય છે કે અરવિંદ કેજરીવાલને જેલમાં જવું પડે.

કોંગ્રેસે સરકારને પૂછ્યા સવાલ, ડેટા છુપાવવાનો આરોપ

Delhi Air Pollution After Diwali : કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ દિલ્હી સરકાર પર પ્રદૂષણના આંકડા છુપાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે રાત્રે 2થી 3 વાગ્યાની વચ્ચે દિલ્હીના 39માંથી 25 મોનિટરિંગ સ્ટેશનો પર PM2.5ના આંકડા ઉપલબ્ધ નહોતા. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું સરકાર જાણીજોઈને ડેટા છુપાવી રહી છે? શું મોનિટરિંગ મશીનો બંધ કરી દેવામાં આવ્યાં હતાં કે પછી પ્રદૂષણનું સ્તર એટલું વધી ગયું હતું કે મશીનો તેની નોંધ લઈ શકતાં નહોતાં? પવન ખેડાએ કહ્યું કે ડેટા ગાયબ થવાનો અર્થ એ નથી કે પ્રદૂષણ પણ ગાયબ થઈ ગયું છે. સરકારે દિલ્હીના લોકોને આ અંગે જવાબ આપવો જોઈએ. તેમણે 2019નો સુપ્રીમ કોર્ટનો એક અહેવાલ પણ શેર કર્યો હતો. તે સમયે સુપ્રીમ કોર્ટે દિલ્હીના પ્રદૂષણને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારોને ફટકાર લગાવી હતી અને લોકોને ગેસ ચેમ્બરમાં રહેવા માટે કેમ મજબૂર કરવામાં આવે છે તેવો સવાલ કર્યો હતો.

AAPએ AQI 3,000ને પાર થયાનો દાવો કર્યો

AAP નેતા સૌરભ ભારદ્વાજે પણ સરકાર પર પ્રદૂષણના આંકડામાં ગેરરીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એક વીડિયો શેર કરીને દાવો કર્યો કે AQI 3,000ને પાર પહોંચી ગયો હતો. જોકે, આ આંકડો દિલ્હીનો સત્તાવાર સરેરાશ AQI નહોતો. સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો કે સરકાર વાસ્તવિક પ્રદૂષણ કરતાં ઓછા આંકડા બતાવી રહી છે. તેમણે ચેતવણી આપી કે આ પ્રકારની સ્થિતિથી લોકોને હાર્ટ એટેક, અસ્થમાના હુમલા અને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થઈ શકે છે. તેમણે રેખા ગુપ્તા સરકારની કૃત્રિમ વરસાદની યોજનાની પણ ટીકા કરી હતી. સરકાર દ્વારા દિવાળી અને છઠ પૂજા બાદ પ્રદૂષણ વધે તો ક્લાઉડ સીડિંગ કરવાની યોજના બનાવવામાં આવી હતી. અગાઉના 15 દિવસમાં બે ટ્રાયલ પણ કરવામાં આવ્યા હતા, જેમાં એક ટ્રાયલ દિલ્હી એરપોર્ટ નજીક થયો હતો. જોકે, નિષ્ણાતોના મતે કૃત્રિમ વરસાદથી ગંભીર પ્રદૂષણની સ્થિતિમાં થોડા સમય માટે રાહત મળી શકે છે, પરંતુ પ્રદૂષણ ફેલાવતા મૂળ સ્ત્રોતો પર તેની અસર થતી નથી.

ભાજપે કોંગ્રેસ-AAP પર કર્યા પ્રહાર

ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે કોંગ્રેસ અને AAP પર હિન્દુ તહેવારો દરમિયાન જ પ્રદૂષણનો મુદ્દો ઉઠાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે સનાતન ધર્મના તહેવારો આવે છે ત્યારે વિપક્ષી પાર્ટીઓ પ્રદૂષણને લઈને સવાલો ઉઠાવવાનું શરૂ કરી દે છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં કોંગ્રેસે 15 વર્ષ અને AAPએ 10 વર્ષ સુધી શાસન કર્યું હતું, પરંતુ પ્રદૂષણની સમસ્યાના ઉકેલ માટે લાંબા ગાળાનાં પગલાં લેવામાં આવ્યાં નહોતાં. હવે દિલ્હીના લોકોને તેનું પરિણામ ભોગવવું પડી રહ્યું છે. દરમિયાન, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટે દિવાળી પહેલાં જ સાવચેતીના ભાગરૂપે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)નો ત્રીજો તબક્કો લાગુ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે 7 અને 8 નવેમ્બરે નિર્ધારિત સમય દરમિયાન પ્રમાણિત ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપી હતી. 9 નવેમ્બરથી ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરી લાગુ થયો છે.