India

વધુ એક પરીક્ષા સિસ્ટમ ખોરવાતા અભિજિત દિપકે ભડક્યા : સરકાર અને પરીક્ષા સિસ્ટમ પર ઠાલવ્યો રોષ

By GS Team
16 Aug 20262 mins read
TukuTouch Logo
બોમ્બે હાઈકોર્ટની ક્લાર્ક ભરતી પરીક્ષામાં છત્રપતિ સંભાજીનગર અને કલ્યાણ સહિતના કેન્દ્રો પર ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ટાઈપિંગ સમયે કમ્પ્યુટર અને સર્વર ઠપ થતાં ઉમેદવારો રોષે ભરાયા હતા. CJPના અભિજીત દિપકે સરકારી વ્યવસ્થા પર પ્રહારો કર્યા. કલ્યાણમાં વિદ્યાર્થીઓએ જજની ગાડી રોકી, ફરીથી પરીક્ષા લેવાની લેખિત ખાતરીની માંગ કરી. આ સિસ્ટમની નિષ્ફળતા યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વધુ એક પરીક્ષા સિસ્ટમ ખોરવાતા અભિજિત દિપકે ભડક્યા : સરકાર અને પરીક્ષા સિસ્ટમ પર ઠાલવ્યો રોષ

Abhijeet Dipke On Bombay High Court Clerk Exam : મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં બોમ્બે હાઈકોર્ટની ક્લાર્ક ભરતી પરીક્ષા દરમિયાન ભારે ટેકનિકલ ખામી સામે આવતાં વિવાદ સર્જાયો છે. ટાઈપિંગ પરીક્ષા વખતે જ કમ્પ્યુટર સિસ્ટમ ફેલ થઈ જતાં ઉમેદવારોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સંસ્થાપકે સરકાર અને પરીક્ષા વ્યવસ્થા પર આકરા પ્રહારો કર્યા છે અને સિસ્ટમની આ નિષ્ફળતાને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે મોટો ખિલવાડ ગણાવી છે.

પરીક્ષા શરૂ થતાં જ કમ્પ્યુટર અને સર્વર ઠપ

અભિજિત દિપકે (Abhijeet Dipke)એ જણાવ્યું કે, સવારે વિદ્યાર્થીઓએ તેમને ફોન કરીને પરીક્ષામાં થયેલી ગેરવ્યવસ્થા અંગે માહિતી આપી હતી. ઉમેદવારો પોતાની બેઠકો પર બેસીને પરીક્ષા આપવા લાગ્યા કે તરત જ મોટી ટેકનિકલ ખામીઓ સામે આવી હતી. ઘણા વિદ્યાર્થીઓના કમ્પ્યુટરના માઉસ કામ નહોતા કરતા, તો કેટલાકના કીબોર્ડ પણ સંપૂર્ણપણે ખરાબ હતા. માત્ર 10 મિનિટની અંદર જ મોટાભાગના વિદ્યાર્થીઓને સિસ્ટમમાંથી આપોઆપ બહાર કરી દેવાયા અને ત્યારબાદ તેમને નાપાસ જાહેર કરી દેવાયા હતા. તેમણે આ ઘટનાને સરકાર અને પરીક્ષા તંત્રની મોટી નિષ્ફળતા ગણાવી હતી.

જિલ્લા જજ પાસે લેખિત ખાતરીની માંગ

પરીક્ષા કેન્દ્ર પર અધિકારીઓએ વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરી હોવાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ જ્યારે ફરિયાદ કરવા ગયા ત્યારે અધિકારીઓએ તેમને પરીક્ષા આપવાની સમજ ન હોવાનું કહી અપમાનિત કર્યા હતા. જેના જવાબમાં માંગ કરવામાં આવી હતી કે, પરીક્ષા કેન્દ્રમાં હાજર જિલ્લા કોર્ટના જજ બહાર આવે અને આ પરીક્ષા ફરીથી લેવામાં આવશે તેવી લેખિત ખાતરી આપે. વધુમાં સ્પષ્ટ કર્યું કે ફરીથી યોજાનારી પરીક્ષામાં આવા જૂના અને ખરાબ કમ્પ્યુટર્સનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં.

ઓનલાઇન પરીક્ષા વ્યવસ્થા સામે ઉઠાવ્યા ગંભીર સવાલો

જો જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ ન હોય અને ઓનલાઇન પરીક્ષા સંભાળવાની ક્ષમતા ન હોય, તો આવી પરીક્ષાઓ યોજવાનો હેતુ શું છે તેવા આકરા સવાલો સરકાર સામે ઉઠાવવામાં આવ્યા હતા. સમગ્ર દેશ અને મહારાષ્ટ્રમાં વારંવાર ઓનલાઇન પરીક્ષાઓના સર્વર ક્રેશ થાય છે અને સાધનો બગડે છે. કોઈ એવી ઓનલાઇન પરીક્ષા બતાવો જેમાં ગરબડ ન થઈ હોય તેવો પડકાર ફેંકીને સિસ્ટમ જાણીજોઈને યુવાનોના ભવિષ્યને જોખમમાં મૂકતી હોવાનો આક્ષેપ કરાયો હતો.

વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કરી જજની ગાડી રોકી

બીજી તરફ મહારાષ્ટ્રના કલ્યાણમાં આવેલ APMC માર્કેટ પરીક્ષા કેન્દ્ર પર પણ સર્વર અને કમ્પ્યુટર ખરાબ થતાં વિદ્યાર્થીઓએ ઉગ્ર દેખાવો કર્યા હતા. રોષે ભરાયેલા ઉમેદવારોએ ધરણાં પ્રદર્શન કરીને કલ્યાણ સત્ર અદાલતના જજ પરવિન સૈયદની ગાડીને અંદાજે 1.5 કલાક સુધી રોકી રાખી હતી. વિદ્યાર્થીઓએ આ ટેકનિકલ ગરબડની તટસ્થ તપાસ કરવાની અને ક્લાર્ક ભરતી પરીક્ષા તાત્કાલિક ફરીથી આયોજિત કરવાની માંગ કરી છે.