India

યોગીના ગઢમાં આનંદી બહેને સરકારની પોલ ખોલી, કહ્યું- અહીં અનેક ખામીઓ છે, તે મારે બતાવવી પડશે...

By GS Team
7 Aug 20264 mins read
TukuTouch Logo
દીનદયાળ ઉપાધ્યાય ગોરખપુર યુનિવર્સિટીના 45મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે મુખ્યમંત્રીના જ શહેરમાં સુવિધાઓના અભાવ અંગે તંત્ર સામે લાલ આંખ કરી. તેમણે વીજળી, પાણી, ગંદકી અને યુવા પેઢીમાં વધી રહેલા ડ્રગ્સ-દારૂના દૂષણ પર ચિંતા વ્યક્ત કરી. બોય્ઝ હોસ્ટેલમાં બહારના ટિફિન બંધ કરાવવા આદેશ આપ્યો અને રસોડાની ઓચિંતી તપાસ કરી તેલના 2 સેમ્પલ લીધા.

Summarized by AI; it may make mistakes. Check important info

યોગીના ગઢમાં આનંદી બહેને સરકારની પોલ ખોલી, કહ્યું- અહીં અનેક ખામીઓ છે, તે મારે બતાવવી પડશે...

Gorakhpur University Convocation Governor Speech 2026 : દીનદયાળ ઉપાધ્યાય ગોરખપુર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આનંદીબહેન પટેલે મુખ્યમંત્રીના જ ગૃહનગર ગોરખપુરની વ્યવસ્થાઓ પર સવાલો ઉઠાવતા તંત્ર સામે લાલ આંખ કરી છે. તેમણે ખુલ્લેઆમ જણાવ્યું કે જો સીએમ સિટીમાં જ આવી કમી રહેશે, તો અન્ય જગ્યાઓની શું સ્થિતિ હશે. રાજ્યપાલે પોતાના સંબોધનમાં વીજળી, પાણી, પંખાની અછત, ગંદકી તેમજ યુવા પેઢીમાં વધી રહેલા ડ્રગ્સ અને દારૂના દૂષણ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હોસ્ટેલ અને શૈક્ષણિક પરિસરમાં રહેલી આ મૂળભૂત સમસ્યાઓ તંત્રની બેદરકારી દર્શાવે છે.

ગોરખપુર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી

અત્રે ઉલ્લેખનીય છે કે, દીનદયાળ ઉપાધ્યાય ગોરખપુર યુનિવર્સિટીના 45મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ અને કુલાધિપતિ આનંદીબહેન પટેલે માત્ર ઔપચારિક સંબોધન કરવાને બદલે એક માતા તરીકે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે વિદ્યાર્થીઓના ઉત્તમ ભવિષ્ય માટે ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે શુદ્ધ અને પૌષ્ટિક આહાર પણ એટલો જ મહત્ત્વનો છે. તેમણે ખાસ કરીને બોય્ઝ હોસ્ટેલમાં બહારથી ટિફિન મંગાવવાની પ્રથા સામે સખત સવાલો ઉઠાવ્યા હતા અને આ ટિફિન વ્યવસ્થા તાત્કાલિક ધોરણે બંધ કરાવવા કડક આદેશ આપ્યો હતો, કારણ કે અશુદ્ધ ભોજનથી વિદ્યાર્થીઓનો માનસિક વિકાસ પ્રભાવિત થાય છે.

રસોડાની ઓચિંતી તપાસ અને તેલના સેમ્પલ

કુલાધિપતિએ દીક્ષા સમારોહ પહેલાં હોસ્ટેલના રસોડાની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ભોજન બનવાની સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ખાદ્ય સામગ્રીના ડબ્બા ખુલાવીને ચકાસણી કરી હતી તથા વપરાતા ખાદ્ય તેલ વિશે માહિતી મેળવી હતી. સેમ્પલ બદલવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તેમણે તેલના બે નમૂના લીધા હતા. જેમાંથી એકની સ્થાનિક સ્તરે અને બીજાની લખનઉમાં સ્વતંત્ર તપાસ કરાવવાનો આદેશ આપ્યો છે. જેથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય.

ડિગ્રી ઓળખ આપે છે, ચરિત્ર સન્માન અપાવે છે

વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા રાજ્યપાલે જણાવ્યું હતું કે ડિગ્રી માત્ર વ્યક્તિને ઓળખ અપાવે છે, પરંતુ તેનું અસલી ચરિત્ર જ સમાજમાં સન્માન અપાવે છે. તેમણે આહ્વાન કર્યું કે યુવાનોએ પોતાની શિક્ષા અને કૌશલ્યનો ઉપયોગ સમાજ, રાષ્ટ્ર તથા માનવતાની સેવા માટે કરવો જોઈએ. ગોરખપુરની પવિત્ર ધરતીની પ્રેરણાઓ યાદ અપાવતાં તેમણે અંત્યોદયની ભાવના સાથે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, આગામી 3 મહિનામાં હોસ્ટેલની તમામ મરામતની કામગીરી પૂરી કરવા કડક સૂચના આપવામાં આવી છે.

દીકરીઓની પ્રતિભા અને હોસ્ટેલ સુધારણાના આદેશ

આ વર્ષે યુનિવર્સિટી દ્વારા કુલ 74,481 વિદ્યાર્થીઓને ડિગ્રીઓ એનાયત કરવામાં આવી છે, જેમાં બે-તૃતિયાંશ કરતા વધુ દીકરીઓ સામેલ છે. દીકરીઓની સિદ્ધિઓની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે ‘પૂર્વાંચલની દીકરીઓ શારીરિક રીતે ભલે નાજુક દેખાતી હોય, પરંતુ માનસિક રીતે અત્યંત મજબૂત અને દ્રઢ ઇચ્છાશક્તિ ધરાવતી હોય છે.’

આનંદીબહેન પટેલે સંબોધનમાં જણાવ્યું કે, ‘કેટલાક લોકોને કદાચ ખરાબ પણ લાગે. જો કે, જે આપણી ખામીઓ છે તે તો મારે કહેવી જ પડશે. આ ખામીઓ આગામી 3 મહિનામાં પૂરી થાય, બધાને મેં કહ્યું છે કે, ત્રણ મહિનામાં પૂર્ણ કરો. આ તો ગોરખપુર છે જ્યાં મુખ્યમંત્રી જ બિરાજમાન છે ત્યાં જ આવી ભૂલો થશે તો શું થશે? યુનિવર્સિટીમાં 9 હોસ્ટેલ છે, જેમાંથી 3 વિદ્યાર્થીનીઓ માટેની ગર્લ્સ હોસ્ટેલ છે. જેમાંથી 1માં રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. સારી વાત છે, જર્જરિત હાલતમાં હતું તો રિપેરિંગ ચાલી રહ્યું છે. 6 બોય્સ હોસ્ટેલ છે, જેમાંથી 2માં રિપેરિંગ ચાલે છે. બોય્સ હોસ્ટેલમાં મેસ નથી ચાલતી, ત્યાં બહારથી ટિફિન મંગાવવામાં આવે છે. કેમ ભાઈ? ટિફિનવાળો સારો લાગે છે? આજે ગોરખપુર યુનિવર્સિટીમાં જ રોકાયેલી છું. કાલે જે ભોજન બની રહ્યું હતું તે જોવા માટે હું ગઈ હતી. મેં ડબ્બા ખોલ્યા અને બધું ખોલ્યું અને કહ્યું દેખાડો તેમાં શું છે. હું તો ગૃહિણી છું, કિચનમાં વર્ષોથી જઈને રસોઈ કરતી-જોતી આવી છું. મેં કહ્યું આ ઓઇલ છે? ભંગાર ઓઇલ હતું. બધી જ વસ્તુઓ આવી જ હતી. મેં તુરંત જ ફૂડ વિભાગના અધિકારી બોલાવ્યા અને સેમ્પલ લેવડાવ્યું. બીજું સેમ્પલ મેં પોતે લઈ લીધું છે.

હું પણ ગુજરાતમાં હતી ત્યારે આવું થતું હતું. સેમ્પલ વચ્ચે જ બદલી દેવામાં આવે. વચેટિયા હોય છે, સેમ્પલ કોણ લઈને નીકળ્યું તેને પકડો અને નવું સારું સેમ્પલ આપો અને ખરાબ સેમ્પલ લઈ લો. આવું થતું જ રહે છે. અમે લોકોએ સેમ્પલ લઈ લીધું છે. અમે અધિકારીઓને કહ્યું છે કે ભાઈ અમે ત્યાં જઈને કરાવીશું, તમે પણ કરાવો. હું રાજ્યપાલ તરીકે નહીં પરંતુ માતા તરીકે કહી રહી છું. આપણા બાળકોનો ખોરાક શુદ્ધ હોવો જોઈએ, જો આવું જ ખાતા રહેશે તો મગજ જ નહીં ચાલે મિત્રો. મેં કહ્યું છે કે જે પણ રિપોર્ટ આવે તે VC ને આપવામાં આવે. ભવિષ્યમાં પણ આવું ન થાય તેવો પ્રયાસ કરવામાં આવે. ટિફિનનું ભોજન બંધ કરાવો. તમે પોતે એરેન્જ કરો, તમારી એટલી તાકાત નથી? બજારમાંથી ઓર્ડર કરીને કરિયાણું લાવો, સારું ભોજન બનાવતો હોય તેની પાસે બનાવડાવો. પહેલીવાર મેં જોયું કે ટિફિન બહારથી આવે છે. તો ટિફિનમાંથી ડ્રગ્સ આવી શકે, ટિફિનમાં બીજું પણ આવી શકે. કાલે હું એક બીજી જગ્યાએ હતી, ત્યાંથી પણ ડ્રગ્સ અને દારૂ પકડાયો છે...’