હું કોઈ ગાંધી કે હીરો નથી, ભૂખ હડતાળના 14મા દિવસે સોનમ વાંગચુકની ભાવુક અપીલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sonam Wangchuk Hunger Strike : કોકરોચ જનતા પાર્ટીની માંગણીઓના સમર્થનમાં સોનમ વાંગચુકની અચોક્કસ મુદતની ભૂખ હડતાલ 14મા દિવસમાં પ્રવેશી ગઈ છે. તેમણે સોશિયલ મીડિયા પર આંદોલનને સમર્થન આપવા બદલ લોકોનો આભાર માન્યો હતો. સાથે જ કહ્યું કે, તેઓ માત્ર એક સામાન્ય નાગરિક છે, આધુનિક ગાંધી કે કોઈ હીરો નથી. શિક્ષણવિદ્ અને પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકનું કહેવું છે કે, તેઓ માત્ર એક સામાન્ય નાગરિક છે, કોઈ આધુનિક ગાંધી કે હીરો નથી. તેમણે લોકોને અપીલ કરી છે કે, તેઓ કોઈ અન્યને પોતાના લીડર માનવાને બદલે પોતાની જિંદગીના હીરો પોતે બને. પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓને લઈને દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી(CJP)ના સમર્થનમાં સોનમ વાંગચુકની અચોક્કસ મુદતની ભૂખ હડતાલ શનિવારના રોજ 14મા દિવસમાં પ્રવેશી ગઈ છે. જ્યારે, CJPનું વિરોધ પ્રદર્શન 22મા દિવસમાં પહોંચી ગયું છે.
7.5 કિલો વજન ઘટી ગયું
પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્થ અપડેટ અનુસાર, ઉપવાસ શરૂ કર્યા પછી વાંગચુકનું વજન 7.5 કિલોગ્રામ ઘટી ગયું છે, અને તેમનું બ્લડ પ્રેશર 106/74 નોંધાયું છે. શુક્રવારે રાત્રે એક્સ(X) પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં વાંગચુકએ કહ્યું કે, તેઓ અગાઉના દિવસની સરખામણીમાં ઓછી ઊર્જા અનુભવી રહ્યા છે, પરંતુ તેઓ આંદોલન પ્રત્યે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું, 'આજે મારા ઉપવાસનો 13મો દિવસ છે. મને ગઈકાલ જેવી ઊર્જા નથી લાગી રહી. હું થોડો થાક અનુભવી રહ્યો છું. એવું બને છે કે, કેટલાક દિવસો સારા હોય છે અને કેટલાક નથી હોતા.'
હું માત્ર એક સામાન્ય નાગરિક છું
સોશિયલ મીડિયા પર આંદોલનને સમર્થન આપવા બદલ લોકોનો આભાર માનતા વાંગચુકએ જણાવ્યું કે, બે પ્રકારની ટિપ્પણીઓએ તેમને નિરાશ કર્યા છે. તેમણે કહ્યું, 'ઘણા લોકો મને 21મી સદીના ગાંધી કે, આધુનિક ગાંધી કહે છે. કેટલાક લોકો મને હીરો પણ કહે છે. આવી વાતો સાંભળીને મને અસ્વસ્થતા થાય છે. હું નથી ગાંધી કે, નથી કોઈ હીરો. હું બસ એક સામાન્ય નાગરિક છું, જેણે પોતાની જવાબદારીઓ નિભાવવાનો પ્રયાસ કર્યો છે.' તેમણે લોકોને અપીલ કરી કે, તેઓ કોઈ હીરોની શોધ કરવાને બદલે એક નાગરિક તરીકે પોતાની જવાબદારી નિભાવે.
ઓછામાં ઓછું એક દિવસ જંતર-મંતર પર આવો
પરીક્ષામાં કથિત ગેરરીતિઓના કારણે વિદ્યાર્થીઓની આત્મહત્યાનો ઉલ્લેખ કરતાં વાંગચુકે લોકોને અપીલ કરી કે, તેઓ ચૂપ બેસી રહેવાને બદલે આ આંદોલનમાં જોડાય. તેમણે કહ્યું, 'જો તે વિદ્યાર્થીઓમાંથી કોઈ તમારી બહેન કે દીકરી હોત, તો તમે અમારી સાથે ચોક્કસ જોડાત. એવું થવાની રાહ ન જુઓ. જો તમે રોજ અહીં ન આવી શકો, તો ઓછામાં ઓછું એક દિવસ જંતર-મંતર પર અમારી સાથે જોડાઓ. જો તમે દિલ્હી ન આવી શકો, તો તમે જ્યાં પણ હોવ ત્યાં જ ઉપવાસ રાખો, અને પોતાનો સંદેશ શેર કરો.' તેમણે લોકોને 20 જુલાઈના રોજ સંસદ સુધી યોજાનારી પ્રસ્તાવિત માર્ચમાં જોડાવાની અપીલ પણ દોહરાવી હતી.
… તો તે અમારા અધિકારોનું ઉલ્લંઘન હશે
વાંગચુકે જણાવ્યું કે, 'તેઓ પોતાની મરજીથી અહીં બેઠા છે, અને તેમના જીવને કોઈ ખતરો નથી. જો પ્રદર્શન સ્થળેથી તેમને હટાવવાનો કોઈ પ્રયાસ કરવામાં આવશે, તો તે શાંતિપૂર્ણ વિરોધ કરવાના તેમના બંધારણીય અધિકારનું ઉલ્લંઘન ગણાશે. તેઓ તે વિદ્યાર્થીઓના સમર્થનમાં પોતાના અનશન ચાલુ રાખી રહ્યા છે, જેઓ પરીક્ષામાં કથિત ગેરરીતિઓ માટે જવાબદારી અને લદ્દાખ સંબંધિત મુદ્દાઓના વહેલા ઉકેલની માંગ કરી રહ્યા છે.'
28 જૂનથી ભૂખ હડતાલ
સીજેપી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની અને કથિત પરીક્ષા ગેરરીતિઓના કારણે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારો માટે 1 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી રહી છે. પાર્ટીએ ચોમાસુ સત્રના પહેલા દિવસે એટલે કે, 20 જુલાઈના રોજ સંસદ સુધી શાંતિપૂર્ણ માર્ચ કાઢવાની જાહેરાત કરી છે. સીજેપીનું વિરોધ પ્રદર્શન 20 જૂનના રોજ શરૂ થયું હતું, જ્યારે સોનમ વાંગચુક 28 જૂનના રોજ આ આંદોલનમાં જોડાયા હતા, અને ત્યારથી તેઓ અચોક્કસ મુદતની ભૂખ હડતાલ પર છે.









