E20 પેટ્રોલથી કેટલું સસ્તું હશે E85 પેટ્રોલ? જાણો કેન્દ્રીય મંત્રીની જાહેરાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

E85 fuel price India 2026: દેશમાં E20 ફ્યુઅલ (20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ) ને લઈને વાહન ચાલકોમાં ચાલી રહેલા વિવાદ અને હોબાળા વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ એક મોટું એલાન કર્યું છે. તેમણે આગામી સમયમાં આવી રહેલા E85 ફ્યુઅલ (85% ઇથેનોલ મિશ્રિત ઇંધણ)ના ભાવ અંગે મોટો સંકેત આપ્યો છે. કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ જણાવ્યું છે કે, E85 ફ્યુઅલની કિંમત E20 પેટ્રોલ કરતાં ₹20 ઓછી હશે. એટલે કે આ નવું બળતણ બજારમાં અંદાજે ₹80થી ₹85 પ્રતિ લીટરના ભાવે મળી શકે છે.
લાંબા ગાળાનો ટાર્ગેટ અને ફ્લેક્સ ફ્યુઅલ એન્જિનની જરૂરિયાત
સરકારનો લાંબા ગાળાનો લક્ષ્યાંક પેટ્રોલમાં ઇથેનોલનું બ્લેન્ડિંગ (મિશ્રણ) 85% સુધી લઈ જવાનો છે. મંત્રીએ જણાવ્યું કે E85 ફ્યુઅલ પર અત્યારે ઝડપથી કામ ચાલી રહ્યું છે અને તેને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. હાલમાં આ ઇંધણ ખૂબ જ સીમિત લોકેશન પર ઉપલબ્ધ છે. જોકે, એક મહત્ત્વની બાબત એ છે કે E85 ફ્યુઅલનો ઉપયોગ માત્ર એવા જ વાહનોમાં થઈ શકશે જેનું એન્જિન 'ફ્લેક્સ ફ્યુઅલ' (Flex-Fuel Compatible) ને સપોર્ટ કરતું હોય. આ માટે ઓટોમોબાઈલ કંપનીઓએ નવા વાહનોનું નિર્માણ કરવું પડશે, જેમાં હજુ થોડો સમય લાગશે. પરંતુ તે પહેલા જ સરકારે આ ઇંધણ સસ્તું વેચવાની જાહેરાત કરીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.
ઇથેનોલ બ્લેન્ડિંગથી દેશના કરોડો રૂપિયા અને પર્યાવરણ
પેટ્રોલમાં ઇથેનોલ મેળવવાના કારણે દેશને થયેલા આર્થિક ફાયદા અંગે માહિતી આપતા હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, 'આ વ્યૂહનીતિના લીધે ભારતને અત્યાર સુધીમાં 309.98 લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ બહારથી ઓછું મંગાવવું પડ્યું છે. આનાથી દેશના વિદેશી મુદ્રા ભંડાર (ફોરેક્સ રિઝર્વ)ની મોટી બચત થઈ છે. આ ઉપરાંત, પર્યાવરણના મોરચે પણ મોટી સફળતા મળી છે. E20 ફ્યુઅલના કારણે વાતાવરણમાં 931.502 લાખ મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ (CO_2)નું ઉત્સર્જન ઓછું થયું છે, જેનાથી પ્રદૂષણ ઘટાડવામાં ભારે મદદ મળી છે.
મારુતિ સુઝુકી તરફથી કોઈ ફરિયાદ નથી: અફવાઓ પર વિરામ
વાહનોના એન્જિન ખરાબ થવાની વાતોને કેન્દ્રીય મંત્રીએ માત્ર એક અફવા ગણાવી છે. તેમણે સત્તાવાર આંકડા આપતા કહ્યું કે, સુઝુકી (મારુતિ-સુઝુકી) કંપનીએ અત્યાર સુધીમાં 1.5 કરોડ વાહનોનું સર્વિસિંગ કર્યું છે, પરંતુ તેમાંથી એક પણ ગાડીમાં ઇથેનોલના કારણે એન્જિન ડેમેજ થયું હોવાનો રિપોર્ટ નથી.
અગાઉ કેટલીક વીમા કંપનીઓએ ઇથેનોલના કારણે એન્જિન બગડે તો ઇન્શ્યોરન્સ કવર ન આપવાની વાત કરી હતી, પરંતુ સરકારે હવે તે વિવાદનો પણ ઉકેલ લાવી દીધો છે. ઇથેનોલથી ગાડીઓમાં બહેતર એક્સેલરેશન અને સારું ઓક્ટેન કાઉન્ટ મળે છે, જેથી એન્જિન સુરક્ષિત રહે છે.
વાહન ચાલકો સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી રહ્યા છે નારાજગી
સરકાર ભલે ઇથેનોલ ફ્યુઅલના ફાયદા ગણાવી રહી હોય, પરંતુ જ્યારથી દેશમાં E20 ફ્યુઅલ સંપૂર્ણપણે લાગુ કરવામાં આવ્યું છે ત્યારથી વાહન ચાલકો સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ ઠાલવી રહ્યા છે. ઘણા વાહન ચાલકોની ફરિયાદ છે કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કારણે તેમની ગાડીઓની માઇલેજ ખૂબ જ ઘટી ગઈ છે. કેટલાક લોકોએ એવા પણ આક્ષેપ કર્યા છે કે તેમની તદ્દન નવી ગાડીઓનું એન્જિન પણ પૂરેપૂરું બેસી ગયું છે અને તેમને હજારો રૂપિયાનો ફટકો પડ્યો છે. જોકે, સરકારે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આ તમામ મુશ્કેલીઓને સત્તાવાર રીતે નકારી કાઢી છે.









