India

આપ અને સપા બાદ હવે સોનમ વાંગચુકને મળ્યો કોંગ્રેસનો સાથ, કહ્યું- તબિયત બગાડવાથી કોઈ ફાયદો નહીં થાય...

By GS Team
17 Jul 20262 mins read
TukuTouch Logo
દિલ્હીના જંતર-મંતર ખાતે ભૂખ હડતાળ પર બેઠેલા પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકની કોંગ્રેસ નેતા પવન ખેડાએ શુક્રવારે, 17 જુલાઈએ મુલાકાત લીધી હતી. શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે 20 દિવસથી આંદોલન ચલાવી રહેલા વાંગચુકના સ્વાસ્થ્યને લઈને કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી. અન્ય વિપક્ષી નેતાઓ પણ સમર્થનમાં જોડાયા છે. દિલ્હી હાઈકોર્ટે વાંગચુકના સ્વાસ્થ્યની દેખરેખ રાખવા આદેશ આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આપ અને સપા બાદ હવે સોનમ વાંગચુકને મળ્યો કોંગ્રેસનો સાથ, કહ્યું- તબિયત બગાડવાથી કોઈ ફાયદો નહીં થાય...

Pawan Khera meets Sonam Wangchuk: જાણીતા પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક છેલ્લા 20 દિવસથી દિલ્હીના જંતર-મંતર ખાતે ભૂખ હડતાળ પર બેઠા છે, જેના કારણે તેમનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું છે. પેપર લીક મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે તેઓ આ આંદોલન ચલાવી રહ્યા છે. શુક્રવારે, 17 જુલાઈના રોજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડા સોનમ વાંગચુકને મળવા જંતર-મંતર પહોંચ્યા હતા. તેમની મુલાકાત પહેલાં જ કોંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલે પણ સોશિયલ મીડિયા પર આ મુદ્દે પોસ્ટ કરીને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા.

'સરકાર અત્યંત સંવેદનહીન છે': પવન ખેડાનો પ્રહાર

સોનમ વાંગચુક સાથે મુલાકાત કર્યા બાદ કોંગ્રેસ નેતા પવન ખેડાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, 'આપણે બધા સોનમ વાંગચુકના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતિત છીએ. આપણો સામનો એક એવી સંવેદનહીન સરકાર સાથે છે, જે લોકશાહીમાં વિરોધ પ્રદર્શનની ભાષા જ નથી સમજતી. જ્યારે આવી સરકાર સામે લડવાનું હોય, ત્યારે વિરોધ કરવાની પદ્ધતિઓ બદલવી પડશે. આવી સરકાર સામે પોતાનો જીવ જોખમમાં મૂકવાથી કોઈ પરિણામ નહીં આવે.' આ સાથે જ કોંગ્રેસે દેશની સમગ્ર પરીક્ષા પદ્ધતિ પડી ભાંગી હોવાનો આક્ષેપ કરીને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગને ટેકો આપ્યો હતો.

વિપક્ષી નેતાઓનો જંતર-મંતર પર મેળાવડો, કેજરીવાલે કરી મોટી માંગ

કોંગ્રેસ પહેલાં આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને શિવસેનાના નેતાઓ પણ સોનમ વાંગચુકને સમર્થન આપવા જંતર-મંતર પહોંચી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે ખુદ વાંગચુક સાથે મુલાકાત કરી હતી અને તેમને દેશના શિક્ષણ મંત્રી બનાવવાની માંગ પણ કરી દીધી હતી. આ ઉપરાંત, સપા સાંસદ ડિમ્પલ યાદવ, રુચિ વીરા અને શિવસેનાના પ્રવક્તા સુષ્મા અંધારેએ પણ મુલાકાત લઈને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.

રાજ ઠાકરેએ પણ આપ્યું સમર્થન, નીટ પરીક્ષા મુદ્દે ઉઠાવ્યા સવાલ

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ પણ સોનમ વાંગચુકની માંગણીઓને યોગ્ય ઠેરવી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, એવું લાગી રહ્યું છે કે કેન્દ્ર સરકારે દેશમાંથી વિરોધ કરવાના અધિકારને જ ખતમ કરવાનો નિર્ણય કરી લીધો છે. માત્ર નીટ પરીક્ષામાં જ નહીં, પરંતુ દેશની તમામ પરીક્ષાઓમાં પારદર્શિતા હોવી અત્યંત જરૂરી છે. તેમણે આ ગંભીર મુદ્દા પર પીએમ મોદીને ધ્યાન આપવા અપીલ કરી છે.

વાંગચુકના સ્વાસ્થ્ય અંગે દિલ્હી હાઈકોર્ટ કડક, સતત મોનિટરિંગ કરવા આદેશ

લાંબી ભૂખ હડતાળના કારણે સોનમ વાંગચુકની તબિયત લથડતા દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ મામલે સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટે સરકારને કડક નિર્દેશ આપ્યા છે કે સોનમ વાંગચુકના સ્વાસ્થ્યની સતત દેખરેખ રાખવામાં આવે અને તેમના સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ ન થાય તેની તકેદારી રાખવામાં આવે.