India

'હાઈકોર્ટ, ED કે CBI કોઈ કાર્યવાહી ના કરે...' રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની વધુ એક મોટી રાહત

By GS Team
17 Aug 20262 mins read
TukuTouch Logo
રાહુલ ગાંધીને આવક કરતાં વધુ મિલકતના કેસમાં સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સર્વોચ્ચ અદાલતે અલ્લાહાબાદ હાઈકોર્ટને કાર્યવાહી આગળ ન વધારવા અને CBI-EDને કોઈ રિપોર્ટ દાખલ ન કરવાનો આદેશ આપ્યો છે. CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને વી. મોહનાની પીઠે કર્ણાટકના અરજદાર એસ. વિગ્નેશ શિશિરને નોટિસ પાઠવી છે. આ નિર્ણય રાહુલ ગાંધી માટે કાનૂની વિજય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'હાઈકોર્ટ, ED કે CBI કોઈ કાર્યવાહી ના કરે...' રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની વધુ એક મોટી રાહત

Rahul Gandhi and Supreme Court News : આવક કરતાં વધુ મિલકત (Disproportionate Assets) ધરાવવાના કેસમાં સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સર્વોચ્ચ અદાલતે અલ્લાહાબાદ હાઈકોર્ટને નિર્દેશ આપ્યા છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે ચાલી રહેલી કાર્યવાહીને આગળ ન વધારવામાં આવે. આ સાથે જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સીબીઆઈ (CBI) જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓને પણ રાહુલ ગાંધી સામે હાઈકોર્ટમાં કોઈ રિપોર્ટ દાખલ ન કરવા આદેશ આપ્યો છે.

અરજદારને સુપ્રીમ કોર્ટની પીઠે જારી કરી નોટિસ

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની પીઠે રાહુલ ગાંધી તરફથી રજૂ થયેલા વરિષ્ઠ તજજ્ઞ વકીલ કપિલ સિબ્બલની દલીલો સાંભળી હતી. દલીલો ધ્યાને લીધા બાદ સુપ્રીમ કોર્ટે CBI, ED અને અલ્લાહાબાદ હાઈકોર્ટમાં અરજી કરનાર કર્ણાટકના નિવાસી એસ. વિગ્નેશ શિશિરને નોટિસ જારી કરી છે.

હાઈકોર્ટના આદેશને સુપ્રીમમાં પડકારાયો હતો

આ અગાઉ અલ્લાહાબાદ હાઈકોર્ટે ED અને CBI ને કર્ણાટકના ભાજપ કાર્યકર એસ. વિગ્નેશ શિશિર દ્વારા રાહુલ ગાંધી પર લગાવાયેલા આવક કરતાં વધુ મિલકતના આક્ષેપોની તપાસ કરવા અને જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. હાઈકોર્ટની જસ્ટિસ આર.એસ. ચૌહાણ અને જસ્ટિસ બી.આર. સિંહની બેંચે કેન્દ્રીય એજન્સીઓ ઉપરાંત નાણાં મંત્રાલય અને ગંભીર કપટ અન્વેષણ કાર્યાલય (SFIO) ને પણ જવાબ દાખલ કરવા આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના આ નિર્દેશ સામે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.

કેન્દ્રીય એજન્સીઓની તપાસ પર મનાઈ

અલ્લાહાબાદ હાઈકોર્ટના આદેશ બાદ તપાસ એજન્સીઓએ પોતાની કાર્યવાહી શરૂ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટના તાજેતરના સ્ટે આદેશ બાદ હવે ED કે CBI રાહુલ ગાંધી વિરુદ્ધ હાઈકોર્ટમાં તપાસ પ્રગતિનો કોઈ રિપોર્ટ સબમિટ કરી શકશે નહીં. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો કાનૂની મોરચે મોટો વિજય થયો છે.