India

VIDEO : નેપાળમાં જળપ્રલય બાદ ભારતમાં એલર્ટ: ગંડક-કોસી-ગંગા કિનારે ભયનો માહોલ, 6 જિલ્લામાં તંત્રમાં દોડધામ

By GS Team
26 Aug 20263 mins read
TukuTouch Logo
નેપાળમાં અચાનક પૂર આવતા બિહારમાં હાઈ એલર્ટ જાહેર થયું છે. નેપાળ-ચીન સરહદ નજીક નદીઓમાં પાણીનો પ્રવાહ વધતા બિહાર અને ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારોમાં વહીવટીતંત્રને સાવધાન કરાયું છે. ગંડક અને કોસી નદીઓના જળસ્તરમાં વધારાથી 6 જિલ્લામાં પૂરનું જોખમ છે. SSBની 11 બચાવ ટીમો તૈનાત કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : નેપાળમાં જળપ્રલય બાદ ભારતમાં એલર્ટ: ગંડક-કોસી-ગંગા કિનારે ભયનો માહોલ, 6 જિલ્લામાં તંત્રમાં દોડધામ

Bihar Flood Alert : નેપાળમાં અચાનક આવેલા પૂરના કારણે બિહારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નેપાળ-ચીન સરહદ નજીક નદીઓમાં પાણીનો પ્રવાહ ઝડપથી વધતા બિહાર અને ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારોમાં વહીવટીતંત્રને સાવધાન રહેવાની સૂચના અપાઈ છે. ખાસ કરીને ગંડક અને કોસી નદીઓના જળસ્તરમાં વધારો થવાની શક્યતાને પગલે 6 જિલ્લાઓમાં પૂરનું જોખમ વધી ગયું છે અને તંત્રને તમામ સાવચેતીના પગલાં લેવાના આદેશ આપવામાં આવ્યા છે.

ત્રિશૂલી નદીનું જળસ્તર એકાએક વધ્યું

ભારત-નેપાળ સરહદથી લગભગ 160 કિલોમીટર દૂર આવેલા નેપાળના ફુર્કે ખોલા વિસ્તારમાં ત્રિશૂલી નદીનું જળસ્તર એકાએક વધી ગયું છે. નેપાળ-ચીન બોર્ડર પર ગ્લેશિયર તૂટવાની શક્યતાને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું માનવામાં આવે છે. આ પાણી ધીમે-ધીમે ગંડક નદી તરફ આગળ વધી રહ્યું છે, જેને પગલે બિહારના નીચાણવાળા વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

ગંડક બેરેજ અંગે ખાસ સૂચનાઓ

સંભવિત પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગંડક બેરેજના દરવાજા યોગ્ય રીતે ઓપરેટ કરવા જણાવાયું છે, જેથી વધારાનું પાણી કોઈપણ અવરોધ વગર સુરક્ષિત રીતે આગળ નીકળી જાય અને આસપાસના વિસ્તારોમાં પાણીનો ભરાવો ન થાય. ગંડક અને કોસી જેવી મોટી નદીઓનો સ્ત્રોત નેપાળમાં હોવાથી ત્યાંના વરસાદની સીધી અસર બિહારના વિસ્તારો પર પડે છે.

ગંડક અને કોસી બેસિનના જિલ્લાઓ પર નજર

પૂરના જોખમને પગલે ગંડક બેસિન હેઠળ આવતા પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સારણ અને વૈશાલી તેમજ કોસી બેસિનના સુપૌલ, સહરસા, મધેપુરા અને અરરિયા જિલ્લામાં સતત નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓને નદીના કિનારા અને પૂર સંરક્ષણ પાળાઓની સતત ચકાસણી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

બિહારમાં અગાઉથી જ નદીઓનું જળસ્તર ઊંચું

બિહારમાં ગંગા, કોસી અને ગંડક સહિતની નદીઓમાં 23 ઓગસ્ટના ડેટા મુજબ પાણીનું સ્તર પહેલેથી જ ભયજનક સપાટીની નજીક હતું. બિહારમાં ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો થતાં સુલતાનગંજ સ્થિત નમામિ ગંગે ઘાટ વિસ્તારમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. આવા સમયે નેપાળ તરફથી વધુ પાણી આવવાના કારણે સ્થિતિ વધુ ગંભીર બની શકે છે, જેના કારણે સ્થાનિક વહીવટીતંત્રને કોઈપણ કટોકટી માટે સતર્ક રહેવા જણાવાયું છે.

SSB ની 11 બચાવ ટીમો તૈનાત

સરહદ પર તૈનાત સશસ્ત્ર સીમા બળ (SSB) એ રાહત અને બચાવ કામગીરી માટે 11 રેસ્ક્યુ ટીમોને એલર્ટ પર મૂકી છે, જ્યારે અન્ય 7 ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ ટીમો સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને જરૂર પડ્યે તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરશે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના સરહદી વિસ્તારોમાં પણ ઘાઘરા અને મહાકાલી નદીઓની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

નેપાળના રસુવામાં ભારે તબાહી

નેપાળના રસુવા જિલ્લામાં સવારે 9:15 વાગ્યે તિબેટ તરફથી ભોટેકોશી નદીમાં પુષ્કળ પાણી આવતા ભારે નુકસાન થયું છે. ટીમૂરે બજાર અને આસપાસના વિસ્તારોમાં ઘરો, વાહનો, રસ્તા અને પુલને મોટો ફટકો પડ્યો છે. બેત્રાવતીથી રસુવાગઢી બોર્ડર સુધીનો આશરે 42 કિલોમીટરનો માર્ગ ક્ષતિગ્રસ્ત થયો છે. હાલ ત્યાં નેપાળ સેના અને સુરક્ષા દળો હેલિકોપ્ટરની મદદથી બચાવ કામગીરી ચલાવી રહ્યા છે.