ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલન... 22 જુલાઈએ કયા રાજ્યમાં રેડ એલર્ટ? જાણો હવામાન વિભાગની આગાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Monsoon Alert India : દેશભરમાં ચોમાસાની સિસ્ટમ પૂરજોશમાં સક્રિય થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 22 જુલાઈએ દેશના અનેક ભાગોમાં વરસાદી માહોલ રહેશે. પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન અને પૂરનું જોખમ છે, જ્યારે મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હિમાચલ પ્રદેશ: ભારે વરસાદનું રેડ એલર્ટ અને શાળાઓ બંધ
હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદને કારણે સ્થિતિ વણસી છે. હવામાન વિભાગે અહીં રેડ એલર્ટ જાહેર કર્યું છે. કાંગડા, મંડી, સિરમોર, શિમલાના ઠિયોગ, ચંબાના સલૂણી અને કુલ્લુના નિરમંડમાં તમામ શિક્ષણ સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે. કિન્નોરમાં ભૂસ્ખલનને કારણે જૂનો હિન્દુસ્તાન-તિબ્બત માર્ગ બંધ થઈ ગયો છે. શલખર અને સામદો પાસે મલબો પડવાથી રસ્તાઓ બ્લોક થયા છે. રાજ્યમાં 36 રસ્તાઓ બંધ છે, 43 પીવાના પાણીની યોજનાઓ અને 5 ટ્રાન્સફોર્મરને અસર પહોંચી છે. બુધવારે ચંબા, કાંગડા, કુલ્લુ, મંડી અને સિરમોરમાં અચાનક પૂરની શક્યતા છે.
દિલ્હી અને NCR: વાદળછાયું વાતાવરણ અને તેજ વરસાદ
દિલ્હી અને તેની આસપાસના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR)માં પણ ચોમાસાની અસર જોવા મળશે. અહીં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વીજળીના કડાકા-ભડાકા અને કેટલાક વિસ્તારોમાં તેજ વરસાદ પડે તેવી પૂરી સંભાવના છે.
હરિયાણા, પંજાબ અને ચંડીગઢ: આગામી 48 થી 72 કલાક ભારે
હરિયાણામાં ચોમાસુ ટ્રફ અને ચક્રવાતી સિસ્ટમ સક્રિય થવાથી 23 જુલાઈ સુધી સતત વરસાદનો દોર ચાલુ રહેશે. હવામાન વિભાગ અનુસાર, 'અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી સતત ભેજ મળી રહ્યો છે, જેના કારણે આગામી 48 થી 72 કલાક દરમિયાન હરિયાણાના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.' આ સિવાય પંજાબ અને ચંડીગઢમાં પણ છૂટોછવાયોથી મધ્યમ વરસાદ પડવાની ધારણા છે.
ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ: વીજળી પડવાનું જોખમ
ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની સાથે આકાશી વીજળી પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
ઉત્તરાખંડ અને પહાડી ક્ષેત્રો: ભૂસ્ખલન અને પૂરનો ભય
ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળે ભારે વરસાદ થશે. અહીં પહાડો પરથી ભૂસ્ખલન થવાનો, નદીઓમાં અચાનક પૂર આવવાનો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનો મોટો ખતરો બનેલો છે.
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને વિધર્ભ: વ્યાપક વરસાદી માહોલ
મધ્ય ભારતમાં પણ ચોમાસાની સક્રિયતા જોવા મળી રહી છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને વિધર્ભ ક્ષેત્રમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.
ગુજરાત અને મહારાષ્ટ્ર: પશ્ચિમ ભારતમાં વરસાદનું જોર
મહારાષ્ટ્રના મુંબઈ મહાનગર ક્ષેત્ર, રાયગઢ, ઠાણે અને મરાઠવાડા તેમજ ગોવામાં તેજ વરસાદ ચાલુ રહેશે. ગુજરાતના પણ કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે સારા વરસાદની સંભાવના છે.
રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીર: ચોમાસું ફરી સક્રિય
રાજસ્થાનના પૂર્વ ભાગોમાં ચોમાસું ફરી સક્રિય થઈ ગયું છે, જેનાથી મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ રહેતા પહાડી વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા જણાવાયું છે.
પૂર્વત્તર રાજ્યો: સતત મેઘમહેર ચાલુ રહેશે
પૂર્વત્તર ભારત અને સિક્કિમમાં વરસાદની તીવ્રતા જળવાઈ રહેશે. આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અનેક જગ્યાએ ભારે વરસાદ ચાલુ રહેવાની હવામાન વિભાગની અંદાજ છે.
દક્ષિણ ભારત: કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદની ગણતરી
દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ થશે. કર્ણાટક અને કેરળમાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે સલાહ આપી છે કે, 'ગાજવીજ, તેજ પવનો અને વીજળી પડવાની શક્યતાવાળા વિસ્તારોમાં લોકો જરૂરી સાવચેતી વર્તે.'









