હરિયાણા કોમનવેલ્થ ગેમ્સની યજમાનીનું ખરું હકદાર, ગુજરાત નહીં : દીપેન્દર હૂડા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ગ્લાગસોમાં હરિયાણાએ 11 મેડલ અપાવ્યા, ગુજરાતના 0
- 2030 અમદાવાદ ખાતે કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની જાહેરાત થઈ ચૂકી છે
નવી દિલ્હી : ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ૩૯માંથી ૧૧ મેડલ હરિયાણાના એથ્લીટ્સે અપાવ્યા હતા,ત્યારે કોંગ્રેસના સાંસદ દીપેન્દર સિંઘ હૂડાએ માંગ કરી છે કે, ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની કે સહ યજમાની હરિયાણાને મળવી જોઈએ. નોંધપાત્ર છે કે, ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સને શતાબ્દી પૂર્ણ થવા જઈ રહી છે, ત્યારે ગેમ્સની યજમાની અમદાવાદને સોંપવામાં આવી છે. ગ્લાસગોના સમાપન સમારંભમાં કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બેટન ભારતીય ટીમને સોંપી દેવામાં આવી હતી.
કોંગ્રેસના સાંસદ દીપેન્દર હૂડાએ કેન્દ્ર સરકારને રજુઆત કરી છે કે, દેશની રમત જગતની વૈશ્વિક સિદ્ધિઓમાં હરિયાણાનું પ્રદાન વિશિષ્ટ અને પ્રભાવશાળી રહ્યું છે, ત્યારે કેન્દ્ર સરકારે ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સના યજમાન કે સહ યજમાન તરીકે હરિયાણાના નામ પર પણ વિચારણા કરવી જોઈએ. હૂડાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ગ્લાસગો ગેમ્સમાં ભારતના મેડલને રાજ્યવાર રજુ કર્યા હતા. જેમાં હરિયાણાં ૧૧ મેડલ સાથે પ્રથમ હતુ. જ્યારે ગુજરાતના એથ્લીટ એક પણ મેડલ જીતી શક્યા નહતા, તેમ દર્શાવ્યું હતુ.
દીપેન્દર હૂડાની સાથે કોંગ્રેસના સાંસદો જયપ્રકાશ એમપી, વરુણ મૌલાના અને સતપાલ બ્રહ્મચારીએ હરિયાણામાં ૨૦૨૩ની ગેમ્સના આયોજન માટે રજુઆત કરતાં પ્લેકાર્ડ દર્શાવ્યા હતા. હૂડાએ કહ્યું કે, છેલ્લા ૧૫-૨૦ વર્ષમાં મેજર આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સમાં ભારતના મેડલની કુલ સંખ્યામાં અડધો-અડધ મેડલ્સ તો હરિયાણાના એથ્લીટ્સના હોય છે. જો સ્પોર્ટસની માળખાગત સુવિધાના વિકાસ માટે જો લાખ્ખો-કરોડોનું ફંડ ખર્ચાવાનું હોય તો તેના માટે હરિયાણાને પસંદ કરવું જોઈએ, કારણ કે હરિયાણાના ખેલાડીઓ તેના માટે હકદાર છે. નોંધપાત્ર છે કે, ગત વર્ષે નવેમ્બરમાં જ અમદાવાદમાં ૨૦૩૦ના કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે તે નક્કી થઈ ગયું હતુ.









