તેજસ વિમાન ક્રેશના અહેવાલ પાયાવિહોણા, ગંભીર નુકસાન નહીં માત્ર સામાન્ય ખામી: HALની સ્પષ્ટતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
Tejas Plane Crash News: ભારતીય વાયુસેનાના ગૌરવ સમાન LCA તેજસ ફાઈટર જેટને લઈને છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ હતું. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે તેજસ વિમાન ક્રેશ થયું છે, પરંતુ હવે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ સત્તાવાર નિવેદન જાહેર કરીને આ તમામ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે.
શું હતી અફવા અને શું છે હકીકત?
સોશિયલ મીડિયા પર એવી ચર્ચા હતી કે 7 ફેબ્રુઆરીએ પાકિસ્તાન બોર્ડર પાસે આવેલા એક એરબેઝ પર લેન્ડિંગ દરમિયાન તેજસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને પાયલોટે ઈજેક્ટ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો. જોકે, HAL એ સ્પષ્ટતા કરી છે કે વિમાન ક્રેશ થયું નથી. જે ઘટનાની ચર્ચા થઈ રહી છે, તે જમીન પર બનેલી એક સામાન્ય ટેકનિકલ સમસ્યા હતી.
HALએ સોશિયલ મીડિયા પર કરી સ્પષ્ટતા
HAL એ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, 'એલસીએ તેજસના દુર્ઘટનાગ્રસ્ત થવાના કોઈ અહેવાલ નથી. આ ઘટના જમીન પર થયેલી એક મામૂલી ટેકનિકલ ખામી હતી. તેજસ ફાઈટર જેટ વિશ્વના હાઈટેક વિમાનોમાં શ્રેષ્ઠ સુરક્ષા રેકોર્ડ ધરાવે છે. સ્ટાન્ડર્ડ પ્રોસિજર મુજબ આ ટેકનિકલ મુદ્દાની તપાસ કરવામાં આવી રહી છે અને HAL તથા ભારતીય વાયુસેના સાથે મળીને તેનું નિરાકરણ લાવી રહ્યા છે.
શા માટે ફેલાઈ અફવા?
ભૂતકાળની ઘટનાઓ, જેમ કે માર્ચ 2024માં જેસલમેર અને 2025માં દુબઈ એર શો દરમિયાન થયેલી દુર્ઘટનાઓને કારણે લોકોમાં તેજસની સુરક્ષાને લઈ ચિંતા વધી હતી. આથી જ તાજેતરની ટેકનિકલ ખામીને પણ લોકોએ ભૂલથી 'ક્રેશ' માની લીધું હતું.








