India

દિલ્હીમાં H1N1નો વધતો ખતરો: 2,300થી વધુ કેસ, CMની ઈમરજન્સી બેઠક; શાળાઓ ઍલર્ટ પર

By GS Team
25 Aug 20263 mins read
TukuTouch Logo
દિલ્હીમાં સ્વાઈન ફ્લૂના વધતા કેસો અને ડુંગળી-ખાંડના ભાવવધારા મુદ્દે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તાત્કાલિક સમીક્ષા બેઠક બોલાવી છે. આરોગ્ય મંત્રી પંકજ કુમાર સિંહે જણાવ્યું કે, પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને હોસ્પિટલોમાં પૂરતી વ્યવસ્થા છે. આ વર્ષે 2,308 સ્વાઈન ફ્લૂના કેસ નોંધાયા છે, જેમાં H1N1 પ્રબળ છે. ICMR અનુસાર, આ કોઈ નવો વાયરસ નથી અને ગભરાવાની જરૂર નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હીમાં H1N1નો વધતો ખતરો: 2,300થી વધુ કેસ, CMની ઈમરજન્સી બેઠક; શાળાઓ ઍલર્ટ પર

Delhi Swine Flu Outbreak : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઈન્ફ્લુએન્ઝા અને સ્વાઈન ફ્લૂના કેસોમાં સતત થઈ રહેલા વધારા તેમજ ડુંગળી અને ખાંડના વધતા ભાવોને પગલે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એક ઈમરજન્સી સમીક્ષા બેઠક બોલાવી છે. તેમણે જણાવ્યું કે આ બંને મહત્ત્વના મુદ્દાઓ પર સરકારની આગામી રણનીતિ નક્કી કરવા માટે આજે તાત્કાલિક બેઠક યોજવામાં આવી રહી છે. મંગળવારે દિલ્હીના આરોગ્ય મંત્રી પંકજ કુમાર સિંહે પણ આ અંગે માહિતી આપતાં નાગરિકોને ખાતરી આપી હતી કે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને કોઈએ ગભરાવાની જરૂર નથી.

હૉસ્પિટલોમાં તબીબો અને દવાઓની પૂરતી વ્યવસ્થા

આરોગ્ય વિભાગ, એમસીડી(MCD), એનડીએમસી(NDMC) અને દિલ્હી કેન્ટોનમેન્ટ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં આરોગ્ય મંત્રી(Pankaj Kumar Singh)એ જણાવ્યું કે તમામ સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં બેડ, તબીબો, નર્સિંગ સ્ટાફ કે જરૂરી દવાઓની કોઈ અછત નથી. દર્દીઓ ઊંચા તાવ સાથે આવી રહ્યા છે અને યોગ્ય સારવાર મેળવીને સાજા થઈ ઘરે પરત ફરી રહ્યા છે. મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક બોલાવી છે અને તમામ વિભાગો સંપૂર્ણ એક્ટિવ મોડમાં કામ કરી રહ્યા છે.

દિલ્હીમાં આ વર્ષે સ્વાઇન ફ્લૂના 2,308 કેસ નોંધાયા

સત્તાવાર આંકડા શેર કરતાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે દિલ્હીમાં આ વર્ષે અત્યાર સુધીમાં ઈન્ફ્લુએન્ઝાના આશરે 3,000 જેટલા કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી મોટો હિસ્સો H1N1 એટલે કે સ્વાઇન ફ્લૂનો છે, જેના 2,308 દર્દીઓ નોંધાયા છે. જ્યારે બાકીના કેસો ઈન્ફ્લુએન્ઝાના અન્ય વેરિઅન્ટના છે.

બેડ ન ફાળવનાર હૉસ્પિટલ સામે કડક પગલાં લેવાશે

દિલ્હીની તમામ હૉસ્પિટલોમાં શંકાસ્પદ અને ચેપગ્રસ્ત દર્દીઓ માટે વિશેષ આઇસોલેશન વૉર્ડ તૈયાર કરી દેવાયા છે. જો કોઈ હૉસ્પિટલ દર્દીને દાખલ કરવાની ના પાડશે કે બેડ ન હોવાની ફરિયાદ મળશે તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ સમયસર સારવાર મેળવીને સાજા થઈને ઘરે પરત ફરી રહ્યા છે.

H1N1 કોઈ નવો વાયરસ નથી: ICMR

દેશભરમાં શ્વસન સંબંધિત બીમારીઓ વધવા અંગે ભારતીય તબીબી સંશોધન પરિષદ(ICMR)ના ડાયરેક્ટર જનરલ(Dr. Rajiv Bahl)એ સ્પષ્ટતા કરી છે કે રેસ્પિરેટરી સર્વેલન્સ મુજબ હાલમાં H1N1 મોટા પાયે ફેલાઈ રહ્યો છે અને ઇન્ફ્લુએન્ઝા-Aના 97થી 98 ટકા કેસો H1N1ના છે. આ ઉપરાંત ઈન્ફ્લુએન્ઝા-B(વિક્ટોરિયા લિનેજ)ના કેસો પણ જોવા મળી રહ્યા છે, જ્યારે કોવિડના કેસો ઘટી રહ્યા છે. વર્ષ 2009માં પેન્ડેમિક બનેલો આ વાયરસ દર વર્ષે સામાન્ય મ્યુટેશન(નાના ફેરફાર) સાથે આવે છે. આ કોઈ નવો સ્ટ્રેન નથી, તેથી ગભરાવાની જરૂર નથી.

દરેક વ્યક્તિ માટે વેક્સિન કે ટેસ્ટિંગ જરૂરી નથી

ICMRના જણાવ્યા અનુસાર, દરેક વ્યક્તિએ ફ્લૂની રસી લેવાની જરૂર નથી. માત્ર 65 વર્ષથી વધુ વયના વૃદ્ધો અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા હાઇ-રિસ્ક દર્દીઓએ ડૉક્ટરની સલાહ મુજબ રસીકરણ કરાવવું જોઈએ. બાળકો માટે તેને રાષ્ટ્રીય રસીકરણ અભિયાનમાં સામેલ કરવાની હાલ જરૂર નથી. આ ઉપરાંત, કોવિડની જેમ દરેક વ્યક્તિએ તેનો લેબ ટેસ્ટ કરાવવો પણ ફરજિયાત નથી.

એન્ટિબાયોટિક્સ દવાઓથી બચો, 99 ટકા કેસ સામાન્ય

ઈન્ફ્લુએન્ઝા એ વાયરલ ઇન્ફેક્શન હોવાથી તેમાં સામાન્ય એન્ટિબાયોટિક્સ દવાઓ બિનઅસરકારક રહે છે. માત્ર ગંભીર જોખમ ધરાવતાં દર્દીઓને ડૉક્ટરી સલાહ મુજબ ઓસેલ્ટામિવિર(ટેમિફ્લૂ) જેવી એન્ટિવાયરલ દવા અપાય છે. 99 ટકાથી વધુ દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડતી નથી અને તેઓ ઘરે આરામ કરવાથી જ સાજા થઈ જાય છે.

શાળાઓ માટે દિલ્હી શિક્ષણ વિભાગની હેલ્થ એડવાઇઝરી

વિદ્યાર્થીઓમાં સ્વાઇન ફ્લૂ(H1N1) અને મોસમી ઇન્ફ્લુએન્ઝા સામે જાગૃતિ અને સાવચેતી વધારવા દિલ્હી શિક્ષણ નિયામક કચેરીએ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માટે વિગતવાર એડવાઇઝરી બહાર પાડી છે. શાળાઓને ‘હેલ્ધી સ્કૂલ - હેલ્ધી કમ્યુનિટી’ અભિગમ હેઠળ સવારની પ્રાર્થના સભા, નોટિસ બોર્ડ, ક્લાસરૂમ અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા જાગૃતિ ફેલાવવા નિર્દેશ અપાયો છે. વિદ્યાર્થીઓ અને સ્ટાફને નિયમિત હાથ ધોવા, ભીડમાં માસ્ક પહેરવા, લક્ષણો ધરાવતા વ્યક્તિઓથી અંતર રાખવા, ચહેરાને વારંવાર ન અડવા અને જાહેરમાં ન થૂંકવા જણાવાયું છે. આ ઉપરાંત ડૉક્ટરની સલાહ વિના જાતે એન્ટિબાયોટિક્સ ન લેવા, પૂરતું પાણી પીવા, પૌષ્ટિક આહાર લેવા અને પૂરતો આરામ કરવા સલાહ અપાઈ છે.