સરકારના તઘલખી નિર્ણયો : ઇ10 પેટ્રોલ પાછું લાવો : મોદીના આર્થિક સલાહકારની ભલામણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ઇ20 પેટ્રોલથી જુની ગાડીઓના માલિકોને નુકસાન કર્યા બાદ
- દેશનું ક્રૂડનું આયાત બિલ વાર્ષિક રૂ. 11-12 લાખ કરોડ, ઈ-20થી માત્ર 3-4 ટકા અસર થતી હોવાનો અનંત નાગેશ્વરનનો દાવો
નવી દિલ્હી : કેન્દ્ર સરકારના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને જૂની ગાડીઓ માટે ઇ-૧૦ પેટ્રોલ પાછું લાવવાનું સૂચન કર્યુ છે. આ સૂચન ત્યારે આવ્યું છે જ્યારે આખા દેશમાં ઇ-૨૦ પેટ્રોલનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. જો કે ઇથેનોલ ઇન્ડસ્ટ્રીઝે તેમના આ સૂચનનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે આ નિર્ણય કંઇ રાતોરાત લેવાયો નથી. એકદમ વૈજ્ઞાનિક અભ્યાસ પછી આ નિર્ણય લેવાયો છે. આર્થિક સલાહકાર અનંત નાગેશ્વર દ્વારા ઈ-૧૦ પેટ્રોલની તરફેણ કરવામાં આવતા મોદી સરકારમાં નાણાં અને પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક મંત્રાલય વચ્ચેના મતભેદો સામે આવી ગયા છે.
સરકારના મુખ્ય આર્થિક સલાહકાર નાગેશ્વરને જણાવ્યું હતું કે પેટ્રોલ પંપ પર ઇ-૨૦ પેટ્રોલ ખરીદવાના વિકલ્પની સાથે-સાથે ઇ-૧૦ની સગવડ પણ ફરી શરૂ કરાતા લોકોની ચિંતા ઘટશે. ઇથેનોલનો કુલ ઉપયોગ વધવાના બદલે ઘટશે અને રેટ્રોફિટ પ્રોગ્રામ આગળ વધવાથી વર્તમાન ગાડીઓને સુરક્ષિત રાખી શકાશે. તેમણે જણાવ્યું હતું કે તેનાથી વ્યવહારિક સમાધાન નીકળી શકે છે. તેમણે જણાવ્યું હતું કે ભારતના સાતથી આઠ કરોડ વાહનો ઇ-૧૦ ઇથેનોલ પેટ્રોલ માટે યોગ્ય છે. આવા વાહનો ઇ-૨૦ ઇથેનોલ મિશ્રણવાળા પેટ્રોલ માટે બનાવાયા ન હતા. અહીં વાત ફક્ત માઇલેજની નથી. જૂના એન્જિનમાં કમ્પેટિબિલિટીની તકલીફ આવી શકે છે, કેમકે ઇથેનોલ રબર સોલ અને ફ્યુઅલ સિસ્ટમના પાર્ટ્સ જેવા હિસ્સા પર અસર પડી શકે છે. કાર્બોરેટરવાળા વાહનોને પણ વધુ ઇથેનોલવાળા મિશ્રણથી ચાલતા વાહનોના લીધે તકલીફ પડી શકે છે.
આમ સરકારમાંથી પહેલી જ વખત આટલા મોટા સ્તરે ઇ-૨૦ પેટ્રોલના કારણે વાહન પર અસર થાય છે તે વાત સ્વીકારી છે. તેની સાથે ઇ-૧૦નો વિકલ્પ આપવાની પણ માંગ કરી છે, જેની માંગ લોકો પણ કરી રહ્યા છે. તે માને છે કે રસ્તા પર દોડતી લાખો ગાડીઓ માટે ઇ-૨૦ પેટ્રોલ યોગ્ય નથી. તેના પાર્ટ્સ પર તેની અસર પડી શકે છે. મુખ્ય આર્થિક સલાહકાર નાગેશ્વરનનો આ પ્રકારનો લેખ આમ આદમી પાર્ટી (આપ)ના વડા અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે લો સરકારના જ મુખ્ય આર્થિક સલાહકાર ઇ-૧૦ની તરફેણ કરે છે. હવે પીએમ મોદી તેમને સાંભળશે કે પછી મુખ્ય આર્થિક સલાહકાર જ બદલી નાખશે.
જોકે, ઓલ ઇન્ડિયા ડિસ્ટિલર્સ એસોસિયેશન (એઆઈડીએ)ના વાઇસ પ્રેસિડેન્ટ કુશલ મિત્તલે જણાવ્યું હતું કે દેશે ભાવનાઓ અને ધારણાઓના આધારે નિર્ણય લેવો ન જોઈએ. ઇથેનોલ અંગેનો નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવાયો છે. સરકારે છેક ૨૦૧૬માં તેનું ટ્રાયલ શરૂ કર્યુ હતુ. તેના પછી છેક ૨૦૨૨માં ઓટોમોબાઇલ કંપનીઓ સાથે મળીને તેની પૂરેપૂરી સમીક્ષા કરી હતી. મિત્તલે જણાવ્યું હતું કે ઇ-૨૦ તરફ આગળ વધવું તે ભારતની ઉર્જા સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ઇ-૨૦ તરફ આગળ વધવું એક વ્યૂહાત્મક પગલું છે. ઇ-૨૦ પેટ્રોલ ભારતની અશ્મિજન્ય ઇંધણ પરની જરુરિયાત ઘટાડે છે. તેની સાથે સ્થાનિક બાયોફ્યુઅલ ઇકોસિસ્ટમને મજબૂત કરે છે.મિત્તલે ઇથેનોલ પ્રોગ્રામથી થનારા વ્યાપક આર્થિક ફાયદા તરફ પણ ઇશારો કર્યો.ઇથેનોલના વધુ મિશ્રણથી સ્થાનિક ફીડસ્ટોકની માંગ વધે છે. તેનાથી ખેડૂતો, ડિસ્ટિલરી અને બાયોફ્યુઅલ ઇકોસિસ્ટમના બીજા હિસ્સાને મદદ મળે છે.
ઇથેનોલનું ઉત્પાદન વધશે તો દેશમાં ખાદ્ય પદાર્થોની મોંઘવારી વધવાની આશંકા
નવી દિલ્હી : કેન્દ્ર સરકારના સલાહકાર વી અનંત નાગેશ્વરનનું માનવું છે કે ઇથેનોલની વધતી જતી માંગને પૂરી કરવા માટે ખેતપેદાશોનો ઉપયોગ કરવામાં આવે છે. તેના પગલે શેરડી, મકાઈ અને ચોખાને મોટાપાયા પર ઇથેનોલ બનાવતી ફેક્ટરીઓમાં મોકલાય છે. તેમણે એમ પણ જણાવ્યું કે ઇથેનોલ બનાવતી કંપનીઓ વધુ ભાવ આપીને મકાઈ ખરીદવા લાગશે તો પોલ્ટ્રી અને ડેરી ઉદ્યોગ માટે પણ સંકટ સર્જાશે. એગ્રી અને પોલ્ટ્રી ઇન્ડસ્ટ્રીનો કાચો માલ મકાઈ હોય છે. હવે મકાઈને ફેક્ટરીઓમાં મોકલવામાં આવતા ચારો મોંઘો થઈ જશે. તેના લીધે ઇંડા, ચિકન, દૂધની સાથે અન્ય ડેરી પેદાશો મોંઘી થતાં ખાદ્ય ફુગાવો વધશે.









