Get The App

ફ્લાઇટ ટિકિટ પર એકસ્ટ્રા ચાર્જ પર સરકારની રોકથી એરલાઇન્સ કંપનીઓ નારાજ! ભાડા વધારાની ચીમકી

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
ફ્લાઇટ ટિકિટ પર એકસ્ટ્રા ચાર્જ પર સરકારની રોકથી એરલાઇન્સ કંપનીઓ નારાજ! ભાડા વધારાની ચીમકી 1 - image

Airlines Demand Fare Hike : જો તમે અવારનવાર ફ્લાઇટમાં મુસાફરી કરો છો, તો તમારા ખિસ્સા પર સીધી અસર કરતાં સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સ માટે નવા નિયમો જાહેર કર્યા છે. જે મુજબ હવે દરેક ફ્લાઇટમાં 60% સીટો માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ વસૂલી શકાશે નહીં. જોકે, ઇન્ડિગો, એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટ જેવી મોટી કંપનીઓએ આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે.

શું છે સરકારનો નવો આદેશ?

અત્યાર સુધી એરલાઇન્સ માત્ર 20% સીટો જ ફ્રીમાં આપતી હતી, જ્યારે બાકીની 80% સીટો 'પ્રેફર્ડ સીટ'ના નામે 500થી 3000 રૂપિયા સુધીના વધારાના ચાર્જ સાથે વેચવામાં આવતી હતી. જો કે હવેથી 60% સીટો પર કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જ વગર બુકિંગ કરી શકાશે. એક જ PNR પર બુકિંગ કરાવનાર પરિવાર કે મિત્રોને ફરજિયાત સાથે અથવા આસપાસની સીટ આપવી પડશે. પાલતુ પ્રાણીઓ, સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ અને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લઈ જવા માટેના નિયમો વધુ સરળ અને સ્પષ્ટ બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો યુદ્ધમાંથી અમેરિકાની પીછેહઠ? ટ્રમ્પે કહ્યું મિશન પૂર્ણ થવાના આરે, હોર્મુઝ અંગે પણ હાથ અધ્ધર

એરલાઇન્સ કેમ કરી રહી છે વિરોધ?

ઇન્ડિગો અને એર ઇન્ડિયા જેવી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતી 'ફેડરેશન ઑફ ઇન્ડિયન એરલાઇન્સ'(FIA)એ આ નિર્ણયને પાછો ખેંચવા વિનંતી કરી છે. તેમનું કહેવું છે કે "આ નિર્ણયથી એરલાઇન્સની આર્થિક સ્થિતિ પર માઠી અસર થશે. સીટ પસંદગીનો ચાર્જ અમારી કમાણીનો મહત્ત્વનો ભાગ છે. જો આ બંધ થશે, તો અમારે તેની ભરપાઈ કરવા માટે હવાઈ ભાડા(Airfare)માં વધારો કરવો પડશે."

એરલાઇન્સની 4 મુખ્ય દલીલો

એરલાઇન્સ ખૂબ ઓછા નફા પર ચાલે છે, તેથી વધારાની સેવાઓથી થતી કમાણી અનિવાર્ય છે. ફ્યુઅલ, મેન્ટેનન્સ અને ઍરપૉર્ટ ચાર્જ સતત વધી રહ્યા છે. કિંમતો નક્કી કરવાની કંપનીની આઝાદી પર આ તરાપ છે. સરકારે આટલો મોટો નિર્ણય લેતાં પહેલા કોઈ એરલાઇન્સ સાથે ચર્ચા કરી નથી.

નાગરિકોને રાહતનો મુખ્ય હેતુ

સરકારનો હેતુ મુસાફરીને સસ્તી અને સુવિધાજનક બનાવવાનો છે, પરંતુ જો એરલાઇન્સ બેઝ ભાડામાં વધારો કરશે, તો મુસાફરોને મળનારી રાહત માત્ર કાગળ પર રહી શકે છે. હવે જોવાનું એ રહેશે કે સિવિલ એવિએશન મિનિસ્ટ્રી એરલાઇન્સની માંગ સામે નમે છે કે મુસાફરોના હિતમાં અડગ રહે છે.