ઈથેનોલ બનાવવા શેરડી-ખાંડના ઉપયોગ પર સરકારનો પ્રતિબંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અપૂરતા વરસાદને કારણે ખાંડનું ઉત્પાદન ઘટીને 2.8 કરોડ ટન થશે
- ઓઈલ માર્કેટિંગ કંપનીઓ શેરડીના રસ, ખાંડ, સુગર સિરપ અને બી-હૈવી ખોળથી બનેલું ઈથેનોલ ખરીદી શકશે નહીં
- મિલો પાસે ખાંડનો ૨૦૨૬-૨૭ સીઝનનો ઓપનિંગ સ્ટોક ઘટીને એક દાયકાથી વધુ સમયમાં સૌથી નીચો
નવી દિલ્હી : અલ-નીનોના કારણે મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગોમાં અપૂરતા વરસાદને કારણે ખાંડનું ઉત્પાદન ઘટીને ૨.૮ કરોડ ટન થવાની આશંકા છે. આથી સફાળી જાગેલી કેન્દ્ર સરકારે ઈથેનોલ બનાવવા શેરડી અને ખાંડના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને શેરડી અને ખાંડમાંથી બનેલા ઈથેનોલની ખરીદી નહીં કરવા નિર્દેશો આપ્યા છે. જેને પગલે ઓએમસીએ ૧૧૦૦ કરોડ લીટર ઈથેનોલની ખરીદી માટેના ટેન્ડરમાં મકાઈ-ચોખા જેવા ઉત્પાદનો પર આધાર રાખવો પડશે. સરકારના આ નિર્ણયથી રાતોરાત રાષ્ટ્રીય ગ્રીડમાંથી ૨૫૦ કરોડ લીટર ઈથેનોલનો સપ્લાય દૂર થઈ જવાની સંભાવના છે.
શક્તિશાળી અલ નિનોને કારણે વર્તમાન વર્ષનું ચોમાસુ દાયકાનું સૌથી નબળું રહ્યું છે જેને પરિણામે વિશ્વમાં ખાંડના બીજા સૌથી મોટા ઉત્પાદક ભારતમાં શેરડીનો પાક ઓછો રહેવાનો અંદાજ છે. નવી મોસમમાં પિલાણ માટે શેરડીની ઉપલબ્ધતા ઓછી રહેવાથી ખાંડનું ઉત્પાદન પણ ઘટવાની આશંકા છે.
ખાંડના ઓછા ઉત્પાદનના કારણે વર્તમાન વર્ષમાં ખાંડના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે, જેને ધ્યાનમાં રાખી સરકારે ટ્રેડરો માટે ખાંડની સ્ટોક લિમિટ સહિત વિવિધ પગલાંની જાહેરાત કરવી પડી હતી. છેલ્લા દસ દિવસમાં ખાંડના ક્વિન્ટલ દીઠ ભાવમાં રૂ.૧૦૦૦નો વધારો થયો છે. તહેવારો દરમિયાન ડિલરો દ્વારા ખાંડની સંગ્રહખોરી ટાળવા સરકારે ખાંડમાં સ્ટોક લિમિટ જેવા પગલાં હાથ ધર્યા છે. ખાંડના ભાવ વધારાની સ્થિતિ આગામી વર્ષે પણ રહેવાની શક્યતાઓ છે.
આથી, અગાઉથી ચેતી ગયેલી સરકારે આ વર્ષે ઈથેનોલની ખરીદી માટે ૧ નવેમ્બરથી શરૂ થનારી નવી સિઝન પહેલાં જ ખાંડમાંથી બનેલું ઈથેનોલ ખરીદવા ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારના નિર્દેશોના પગલે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ શેરડીના રસ, ખાંડ, સુગર સિરપ અને બી-હૈવી ખોળથી બનેલું ઈથેનોલ ખરીદી શકશે નહીં. સરકારે ઈથેનોલ બનાવવા માટે ખાંડનો ઉપયોગ શૂન્ય કરવા નિર્દેશ આપ્યો છે.
સરકારી ઓઈલ કંપનીઓએ અંદાજે ૧,૧૦૦ કરોડ લીટર ઈથેનોલની ખરીદી માટે ટેન્ડર જાહેર કર્યા છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, મેંગ્લોર રિફાઈનરી અને નુમાલીગઢ રિફાઈનરી ૧ નવેમ્બર ૨૦૨૬થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૭ સુધીમાં આ ટેન્ડર હેઠળ ચાર તબક્કામાં ઈથેનોલની ખરીદી કરશે.
સરકારના નિર્દશોના પગલે રાતોરાત ૨૫૦ કરોડથી વધુ ઈથેનોલનો સપ્લાય રાષ્ટ્રીય ગ્રીડમાંથી દૂર થઈ જવાની સંભાવના છે. ૨૦૨૫-૨૬ની ઈથેનોલ સપ્લાય સાઈકલમાં રાષ્ટ્રીય ગ્રીડમાં ખાંડ આધારિત ઈથેનોલનો ૨૬૬ કરોડ ટન પૂરવઠો પૂરો પડાયો હતો, જે આગામી સિઝનમાં પૂરો પાડી શકાશે નહીં.
ઇન્ડિયન સુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશને જણાવ્યું હતું કે, આ વખતે કુલ અને ચોખ્ખું ખાંડ ઉત્પાદન લગભગ ૨.૮ કરોડ ટન જેટલું રહેવાની શક્યતા છે. ગત સીઝનમાં ખાંડનું ઉત્પાદન ૩.૧ કરોડ ટન રહ્યું હતું, જેમાંથી લગભગ ૩૦ લાખ ટન ખાંડ ઇથેનોલ ઉત્પાદન માટે વાપરવામાં આવી હતી. ઈસ્માના અંદાજ મુજબ ૨૦૨૬-૨૭ સીઝનમાં વપરાશ ૨.૮૫ કરોડ ટનથી ૨.૯ કરોડ ટન વચ્ચે રહી શકે છે.
મહારાષ્ટ્રમાં શેરડીનું પિલાણ શરૂ થઈ ચૂક્યું હોવાથી ખાંડના ભાવો સ્થિર થવાની ધારણા છે, પરંતુ આવતા વર્ષે જૂન-જુલાઈ સુધીમાં આપણે ખાંડની અછત પૂરી કરવા માટે ઓછામાં ઓછી ૧૦ લાખ ટન આયાત કરવાની જરૂર પડશે. ઉદ્યોગ જગતના સૂત્રો મુજબ, ઓછા ઉત્પાદનને કારણે ૨૦૨૬-૨૭ સીઝનની શરૂઆતમાં મિલો પાસે ખાંડનો ઓપનિંગ સ્ટોક ઘટીને ૩૫થી ૩૬ લાખ ટન થઈ ગયો છે, જે એક દાયકાથી વધુ સમયમાં સૌથી નીચો સ્તર છે.




