Get The App

BREAKING: 'ભરોસો રાખો, બધુ બરાબર છે', પેટ્રોલ-ડીઝલ અને LPGને લઈને કેન્દ્રનું મહત્ત્વનું નિવેદન

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
BREAKING: 'ભરોસો રાખો, બધુ બરાબર છે', પેટ્રોલ-ડીઝલ અને LPGને લઈને કેન્દ્રનું મહત્ત્વનું નિવેદન 1 - image

Govt On Panic Buying: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ઓપરેશન એપિક ફ્યુરી અને હોર્મુઝની સામુદ્રધુનીમાં પેદા થયેલા અવરોધો વચ્ચે ભારતમાં ઈંધણની અછતને લઈને સોશિયલ મીડિયા પર અનેક અટકળો વહેતી થઈ છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે દેશના નાગરિકોને મોટી અપીલ કરી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPGનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, તેથી જનતાને પેનિક બાઈંગથી બચવું જોઈએ.

સરકારનો ભરોસો ઈંધણનો પુરવઠો સુચારૂ છે

શનિવારે જાહેર કરેલા સત્તાવાર નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું કે, દેશની તમામ રિફાઈનરીઓ પાસે કાચા તેલનો પૂરતો ભંડાર છે અને પેટ્રોલ પંપો પણ સંપૂર્ણપણે ભરેલા છે. શુક્રવારે એક જ દિવસમાં 51 લાખ LPG સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાંથી 95% બુકિંગ ઓનલાઇન હતું. ગેસની ક્યાંય અછત હોવાના અહેવાલ નથી. સરકાર ઘરગથ્થુ LPG, PNG (પાઈપ્ડ નેચરલ ગેસ), હોસ્પિટલો અને અન્ય જરૂરી સેવાઓને પ્રાથમિકતા આપી રહી છે.

જમાખોરો અને કાળાબજારીયાઓ પર તંત્ર ત્રાટકે

તેલ અને ગેસની અછતની અફવાઓ ફેલાવીને નફો કમાતા તત્વો સામે સરકારે લાલ આંખ કરી છે. દેશભરમાં અત્યાર સુધીમાં હજારો સ્થળોએ તપાસ કરવામાં આવી છે. 3700 થી વધારે સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આશરે 1,000 LPG ડિસ્ટ્રિબ્યુટર્સને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા 27 ડીલરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: મધ્યપ્રદેશના અનૂપપુરમાં 4 માળની હોટલ ધરાશાયી, 1નું મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા

હોર્મુઝ સંકટ વચ્ચે લેવાયેલા મહત્વના પગલાં

મંત્રાલયે જણાવ્યું કે, ભૌગોલિક-રાજકીય તણાવને કારણે સપ્લાય પર દબાણ છે, પરંતુ તેને પહોંચી વળવા માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કોમર્શિયલ LPG સિલિન્ડરના સપ્લાયને અત્યારે 70% સુધી મર્યાદિત રાખવામાં આવ્યો છે જેથી ઘરગથ્થુ સપ્લાય ખોરવાય નહીં. જરૂરિયાત મુજબ કેરોસીન અને કોલસા જેવા વિકલ્પોનો પણ ઉપયોગ વધારવામાં આવી રહ્યો છે. ડિમાન્ડને મેનેજ કરવા માટે LPG રિફિલિંગના સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યા છે.

જનતાને નમ્ર અપીલ

સરકારે નાગરિકોને માત્ર સત્તાવાર અને અધિકૃત માહિતી પર જ વિશ્વાસ કરવા વિનંતી કરી છે. અફવાઓમાં આવીને પેટ્રોલ પંપ કે ગેસ એજન્સીઓ પર ભીડ ન કરવા અને ઉર્જાનો બચાવ કરવા પણ સૂચના આપી છે. ટૂંકમાં, સરકાર સક્રિય છે અને આગામી મહિનાઓ માટે ભારતની જરૂરિયાતો સંપૂર્ણપણે સુરક્ષિત છે.