જેન-ઝીથી સરકાર ડરી : આંદોલન સ્થળોમાંથી જંતર મંતરની બાદબાકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સંસદ નજીક આવેલા જંતર મંતરના દરવાજાને આંદોલન માટે કાયમી તાળા
- હવે સંસદથી દૂર રામલીલા મેદાન, બુરારી ગ્રાઉન્ડ અને સીબીડી ગ્રાઉન્ડમાં જ દેખાવો કરી શકાશે : દિલ્હી પોલીસ
- સમગ્ર દેશને જંતર મંતર બનાવી દઇશું : અભિજીત રામલીલા મેદાનનું ભાડું જ ૧.૨૧ લાખ, બૂકિંગ ફુલ
નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીનું પ્રખ્યાત સ્થળ જંતર મંતર વર્ષો સુધી આંદોલનનું પ્રતીક રહ્યું, જુલાઇમાં હજારો યુવાનોએ આ સ્થળેથી જ આંદોલન કર્યું અને શિક્ષણમંત્રી પદેથી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામુ આપવું પડયું હતું. જોકે હવે જ્યારે ફરી યુવાનો રસ્તા પર ઉતર્યા છે અને જંતર મંતર પર આંદોલન કરવાની છૂટ માગી રહ્યા છે ત્યારે સરકારે આ સ્થળને આંદોલનો માટે ફાળવાયેલા સ્થળોની યાદીમાંથી જ કાઢી નાખ્યું છે.
કોકરોચ જનતા પાર્ટી, વિદ્યાર્થી સંગઠનોના વિરોધ પ્રદર્શનોને કારણે હાલ દિલ્હીનું જંતર મંતર દેશભરમાં હોટ સ્પોટ બની ગયું છે. ઘણા વર્ષોથી આ સ્થળને સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે એટલે કે આંદોલન સ્થળ તરીકે જ ઓળખવામાં આવે છે. કેમ કે જંતર મંતરથી સંસદ માત્ર બે કિમી જ દૂર છે. સાથે જ નજીકમાં નવી દિલ્હી રેલવે સ્ટેશન પણ આવેલું છે, બહારથી આવનારા પ્રદર્શનકારીઓ માટે ત્યાં પહોંચવું સરળ છે. આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે સરકારે જંતર મંતરને આંદોલન માટે ફાળવાયેલા સ્થળોની યાદીમાંથી બહાર કરી દીધુ છે. એટલે કે હવે જંતર મંતર પર કોઇ પણ સંજોગોમાં દિલ્હી પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શનો માટે મંજૂરી આપવામાં નહીં આવે. દિલ્હી પોલીસ દ્વારા સોમવારે જાહેર કરાયેલા સ્ટેન્ડિંગ ઓર્ડરમાં જણાવ્યું છે કે હવેથી જંતર મંતરને પ્રદર્શન સ્થળ તરીકે ડિ-નોટિફાઇડ કરવામાં આવે છે. આ સ્થળે પ્રદર્શનોની મંજૂરી નહીં મળે. જો કોઇએ વિરોધ પ્રદર્શન કરવા હોય તો તેઓ મધ્ય દિલ્હીમાં આવેલા રામલીલા મેદાન, ઉત્તર દિલ્હીના બુરારી ગ્રાઉન્ડ અને પૂર્વ દિલ્હીના સીબીડી ગ્રાઉન્ડ પર મંજૂરી માગી શકે છે. તાજેતરમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમારના રાજીનામાની માગ સાથે ૭ હજારથી વધુ યુવાનોને અટકાયતમાં લેવાયા તેઓ જંતર મંતર તરફ જ જવા માગતા હતા.
એક દિવસ અગાઉ જ કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હી પોલીસ પાસે જંતર મંતરે પ્રદર્શનની છૂટ આપવાની માગ કરી હતી. એવા સમયે જ આ નિર્ણય લેવાયો છે. બીજી તરફ કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દિપકેએ કહ્યું હતું કે જંતર મંતરને ડિનોટિફાઇ કર્યા બાદ નરેન્દ્ર મોદી હવે લોકશાહીને પણ ડિનોટિફાઇ કરી નાખશે. હવે આખો દેશ જંતર મંતર બની જશે. નોંધનીય છે કે વર્ષો સુધી સંસદની નજીક આવેલા રાજપથ (હવે કર્તવ્ય પથ) પર વિરોધ પ્રદર્શનોની છૂટ હતી, બાદમાં થોડે નજીક જંતર મંતર પર ૧૯૯૩માં છૂટ અપાઇ. એટલે કે આશરે ત્રણ દસકાથી જંતર મંતર વિરોધ પ્રદર્શનો માટે ફાળવાયેલુ સ્થળ રહ્યું, જેને બદલીને હવે સંસદથી અનેક કિમી દૂર આવેલા સ્થળોને કેન્દ્ર સરકારે ફાળવ્યા છે. જે સ્થળ ફાળવાયા છે તેમાં રામલીલા મેદાન તો આખા વર્ષ માટે બૂક થઇ ગયેલ છે, વળી રામલીલા મેદાનનું બૂકિંગ ડિપોઝિટ સાથે રૂ. ૧.૨૧ લાખ થાય છે. અન્ય જે બે સ્થળો બચ્યા છે તે સંસદથી બહુ દૂર આવેલા છે.




