VIDEO : 25 લોકોના જીવ લેનારી ગોવાની નાઇટ ક્લબને તોડી પડાઈ, ફરાર માલિકો વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ

Goa Nightclub Fire Case : ગોવાના અરપોરા વિસ્તારમાં 25 લોકોના જીવ લેનાર ‘બર્ચ બાય રોમિયો લેન નાઇટ ક્લબ’ પર બુલડોઝર ચલાવીને તોડી પાડવામાં આવી છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આદેશ આપ્યા બાદ જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલીક કાર્યવાહી હાથ ધરી નાઇટ ક્લબને તોડી પાડી છે. આ પહેલા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વિદેશમાં ભાગી ગયેલા નાઇટ ક્લબના માલિકો ગૌરવ લૂથરા અને સૌરભ લૂથરાને પકડી પાડવા માટે ઇન્ટરપોલની મદદ લેવામાં આવી છે.
નાઇટ ક્લબ પર બુલડોઝરવાળી
આ પહેલા મુખ્યમંત્રી કાર્યાલયના એક અધિકારીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી સાવંતે ગોવા જિલ્લા તંત્રને તમામ કાર્યવાહીઓ પૂરી કર્યા બાદ નાઇટ ક્લબ તોડી પાડવાનો આદેશ આપ્યો છે. નાઇટ ક્લબ સરકારી જમીન પર ગેરકાયદેસર બનાવાયેલી છે. જિલ્લા તંત્રએ મંગળવારે નાઇટ ક્લબ તોડી પાડવા માટે તમામ મશીનો તૈયાર રાખ્યા છે.
નાઇટ ક્લબના માલિકો વિદેશ ભાગી ગયા હોવાનો દાવો
ગોવા પોલીસે સોમવારે (8 ડિસેમ્બર) કહ્યું હતું કે, ‘સૌરભ લૂથરા અને ગૌરવ લૂથરા ઘટનાના થોડા કલાકો બાદ થાઇલૅન્ડના ફુકેટ ભાગી ગયા છે. ઇન્ટરપોલે તેઓની તમામ માહિતી મેળવવા માટે બ્લૂ કોર્નર નોટિસ જાહેર કરી છે. હાલમાં આરોપીના ઠેકાણા અને વિદેશ ભાગી જવાની સમગ્ર પ્રક્રિયાની તપાસ ચાલી રહી છે.’
ઇન્ડિગોની ફ્લાઇટ 6E 1073 માં ફુકેટ ભાગ્યા
પોલીસે વધુ વિગતો આપતાં જણાવ્યું કે 7 ડિસેમ્બરની સાંજ સુધીમાં બંને શખ્સો સામે લુકઆઉટ સર્ક્યુલર (LOC) જાહેર કરી દેવામાં આવ્યો હતો. મુંબઈ ઇમિગ્રેશનનો સંપર્ક કરવામાં આવતાં તેમને જાણવા મળ્યું કે બંને આરોપીઓ 7 ડિસેમ્બરના રોજ સવારે 5:30 વાગ્યે ઇન્ડિગોની ફ્લાઇટ 6E 1073 માં ફુકેટ જવા રવાના થયા હતા. આ અકસ્માત ગઈકાલે (7 ડિસેમ્બર) રાત્રે મધ્યરાત્રિની આસપાસ થયો હતો, જેનાથી સ્પષ્ટ થયું કે બંને શખ્સ તપાસથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ચારની ધરપકડ, માલિકો વિરુદ્ધ FIR
7 ડિસેમ્બરે ગોવાના ડીજીપી આલોક કુમારે કહ્યું હતું કે, ‘અગ્નિકાંડની ઘટનામાં ચીફ જનરલ મેનેજર રાજીવ મોદક, જનરલ મેનેજર વિવેક સિંહ, બાર મેનેજર રાજવીર સિંઘાનિયા અને ગેટ મેનેજર પ્રિયંશુ ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ક્લબના માલિકો સૌરવ લૂથરા અને ગૌરવ લૂથરા વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે.’ હાલ ઘટનાની તપાસ ચાલી રહી છે અને એક અઠવાડિયામાં રિપોર્ટ પણ આવી જશે. ઘટનામાં બેદરકાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવશે. સંબંધિત અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરાશે.
માર્ચ 2024માં લાઇસન્સ સમાપ્ત થયું
પોલીસ તપાસમાંથી બીજો એક ચોંકાવનારો ખુલાસો એ થયો કે "રોમિયો લેન" ક્લબનું ટ્રેડ લાઇસન્સ માર્ચ 2024માં સમાપ્ત થઈ ગયું હતું. ગોવા પંચાયતી રાજ કાયદાની કલમ 72-એ હેઠળ, સ્થાનિક પંચાયતને ક્લબને સીલ કરવાનો અથવા બંધ કરવાનો સંપૂર્ણ અધિકાર હતો, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ બેદરકારી અંગે અલગથી તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે અધિકારીઓને કડક સૂચના આપી છે કે ગેરકાયદેસર રીતે કાર્યરત તમામ ક્લબ અને બાર સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. તેમણે કહ્યું કે, એક પણ ગેરકાયદેસર બાંધકામ સહન કરવામાં આવશે નહીં. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવશે. ગોવાના લોકોની સલામતી સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.
ગેરકાયદે બાંધકામના ગંભીર આરોપો
નોંધનીય છે કે ઑગસ્ટમાં, વાગેટરના આ ક્લબમાં ભીષણ આગ લાગી હતી, જેમાં અનેક લોકોના મોત થયા હતા. પ્રાથમિક તપાસમાં ફાયર સેફ્ટી નિયમોના ખુલ્લેઆમ ઉલ્લંઘન અને ગેરકાયદે બાંધકામના ગંભીર આરોપો બહાર આવ્યા હતા. આ પછી ક્લબના માલિકો સૌરભ અને ગૌરવ લૂથરા દેશ છોડીને ભાગી ગયા હતા. હવે, બુલડોઝર કાર્યવાહી અને ઇન્ટરપોલની નોટિસ સાથે, એ સ્પષ્ટ છે કે ગોવા સરકાર આ મામલે ઢીલ કરવાના મૂડમાં નથી. બંને આરોપીઓને ભારત લાવવા અને શક્ય તેટલી વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલી દેવાની તૈયારી ચાલી રહી છે.

