'સુધારા' માટે જેન-ઝીનું આંદોલન જરૂરી હતું : ભાગવત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- શિક્ષણ સહિતના મુદ્દે જેન-ઝીની ફરિયાદો યોગ્ય : સંઘના વડા
- આપણી વર્તમાન પેઢી કરતાં વધુ પ્રમાણિક-દેશભક્ત જેન-ઝી અને જેન-આલ્ફા પર આંખ બંધ કરીને વિશ્વાસ મૂકી શકાય
મુંબઈ : નીટ પેપર લીકના વિરોધમાં અને શિક્ષણમાં સુધારા માટે જેન-ઝીના આંદોલનનું સમર્થન કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે, વિદ્યાર્થીઓ આંદોલન કરે એટલે તેઓ દેશદ્રોહી બની જતા નથી. સિસ્ટમમાં સુધારા માટે જેન-ઝીનું આંદોલન જરૂરી હતું. લોકતંત્રમાં પોતાની વાત રજૂ કરવા માટે આંદોલન પણ સંવાદની એક રીત છે. જેન-ઝી અને જેન-આલ્ફાને ખોટી દૃષ્ટિથી જોવા જોઈએ નહીં. નવી પેઢી દેશભક્તિ અને સેવાના મૂલ્યો સમજે છે તથા વર્તમાન પેઢી કરતાં વધુ પ્રમાણિક છે.
નીટ પેપર લીકના વિરોધમાં જંતર-મંતર પર જેન-ઝીના આંદોલને ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રીપદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યાર પછી વડાપ્રધાન મોદીએ જેન-ઝી સાથે સંવાદ શરૂ કર્યો છે. આ જ શ્રેણીમાં હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે પણ ગુરુવારે જેન-ઝી અને જેન-આલ્ફા સાથે સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
તેમણે કહ્યું કે, જેન-ઝી વિરોધ કરી રહ્યા છે તો તેઓ રાષ્ટ્ર-વિરોધી નથી. તેઓ આપણા જ લોકો છે. આપણી આગામી પેઢી છે. મારે આંખ બંધ કરીને કોઈના પર વિશ્વાસ કરવો હોય તો હું જેન-ઝી પર વિશ્વાસ કરીશ. મને લાગે છે કે જેન-ઝી અને જેન-આલ્ફા આપણી વર્તમાન પેઢી કરતાં વધુ પ્રમાણિક, દેશભક્ત છે અને સેવાની સાચી અપીલ તેમના પર અસર કરે છે.
આરએસએસના સરસંઘચાલકેકહ્યું કે હાલમાં જેન-ઝીએ જે ફરિયાદ કરી તે યોગ્ય છે. દેશની શિક્ષણ વ્યવસ્થામાં ઘણા સુધારા કરવાની જરૂર છે. આ સુધારા નથી થઈ રહ્યા એટલે વિદ્યાર્થીઓએ આંદોલન કરવું પડયું છે. આંદોલન ડાયલોગની જ એક રીત છે. લોકતંત્રમાં વિરોધ પણ સામાન્ય સહમતી બનાવવાની એક રીત છે. અલગ અલગ કારણોથી વાત સાંભળવામાં નથી આવતી તો આંદોલન થઈ શકે છે, પરંતુ આવું આંદોલન સામાન્ય સહમતિ બનાવવા માટે થવું જોઈએ, સમાજને વિભાજિત કરવા માટે નહીં.
ભાગવતે ઉમેર્યું કે, જેન-ઝી અંગે મારા અનુભવની વાત કરું તો અમે તેમની ઉંમરના હતા ત્યારે અમે મોટા અને વરિષ્ઠ લોકોની વાત માની લેતા હતા, ક્યારેય સવાલ ઉઠાવતા નહોતા. પરંતુ હવે જેન-ઝી અને જેન-આલ્ફા સવાલ પૂછે છે. તેમને તાર્કીક જવાબ અને પ્રેમ જોઈએ છે. લોકતંત્રમાં આ જ રીત છે. જેન-ઝીએ માત્ર વિરોધ કરવા માટે અવાજ નથી ઉઠાવ્યો. તેમણે આંદોલન કર્યું કારણ કે તેમને કેટલીક તકલીફો છે, જેનો ઉકેલ જરૂરી છે. તેમનું આંદોલન મારા કે તમારા વિરુદ્ધ નહીં, પરંતુ સિસ્ટમને સુધારવા માટે હોવું જોઈએ.સંઘ પ્રમુખે શિક્ષણ બજેટ અંગે કહ્યું કે દાયકાઓથી શિક્ષણ પર જીડીપીના ૬ ટકા જેટલો ખર્ચ કરવાની કરાઈ રહી છે, પરંતુ હજુ સુધી એવું થયું નથી. આ માગણીનું અમે પણ સમર્થન કરીએ છીએ. શિક્ષણની સંપૂર્ણ જવાબદારી માત્ર સરકાર પર છોડવી જોઈએ નહીં. તેના માટે સમાજે પણ આગળ આવવું જોઈએ.
ભાગવતે વહેલી સલાહ આપી હોત તો જેન-ઝીને લાઠીઓ ના ખાવી પડત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ગુરુવારે જેન-ઝી આંદોલનને સમર્થન આપ્યું છે. તેમણે દેશની સિસ્ટમમાં સુધારા માટે આંદોલનને જરૂરી ગણાવ્યું છે. આ સાથે મોહન ભાગવતે કેન્દ્ર સરકારને જેન-ઝી અને જેન-આલ્ફા સાથે સંવાદ સાધવા અનેક સલાહો આપી છે. આવા સમયે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે સંઘના વડા ભાગવતને જેન-ઝીની આટલી જ ચિંતા હોત તો તેમણે જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીએ આંદોલન શરૂ કર્યું તે સમયે જ સરકારને સલાહ કેમ આપી નહીં. તેમણે જેન-ઝીના આંદોલન પર પહેલાથી જ ગંભીરતા દર્શાવી હોત તો વિદ્યાર્થીઓએ ૨૦ જુલાઈએ સંસદ માર્ચ સમયે પોલીસની લાઠીઓ ખાવી પડી ના હોત. હકીકતમાં જેન-ઝીનું આંદોલન સફળ થતા અને સરકારે જેન-ઝી સામે ઝુકી જઈને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાની ફરજ પડી એટલે મોહન ભાગવતને મોડે મોડે જ્ઞાાન લાદ્યું છે અને હવે તેઓ ડહાપણભરી વાતો કરતા સરકારને જેન-ઝી સાથે સંવાદ કરવા માટે સલાહ આપી રહ્યા છે તેવી સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. ધર્મેન્દ્ર પ્રધાન આરએસએસના જ નેતા હતા અને સંઘની સૂચનાથી જ શિક્ષણ મંત્રી તરીકે ધર્મેન્દ્ર પ્રધાનની નિમણૂક થઈ હતી. આથી શિક્ષણમંત્રીપદેથી તેમને હટાવવા માટે સંઘની મંજૂરી જરૂરી હતી. સીજેપીના આંદોલનની શરૂઆતમાં જ મોહન ભાગવતે ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવાની મંજૂરી આપી દીધી હોત તો વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવાની જરૂર જ ના પડી હોત.









