Gas Cylinder Shortage : મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે ભારત સહિત દુનિયાભરમાં ઊર્જા સંકટ તોળાઈ રહ્યું છે. ભારતમાં પણ અલગ-અલગ રાજ્યોથી ગેસ સિલિન્ડરની અછતના સમાચારો સામે આવ્યા છે. ત્યારે શુક્રવારે (13 માર્ચ) પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી અને હાલની સ્થિતિ અંગે લોકોને માહિતી આપી. તેમણે લોકોને અફવાથી બચવાની સલાહ આપી અને પેનિક બુકિંગ ન કરવાની અપીલ કરી છે.
બુકિંગમાં અચાનક ઉછાળો
સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે, હું આપ લોકોના માધ્યમથી તમામ દેશવાસીઓને અપીલ કરવા ઈચ્છું છું કે અફવાઓ પર વિશ્વાસ ન કરો અને પેનિક બુકિંગ ન કરે. અમારું જે એવરેજ બુકિંગ છે, તે લગભગ 50 થી 55 લાખ બુકિંગ પ્રતિ દિન છે. પરંતુ તમે જુઓ તો છેલ્લા કેટલાક દિવસોમાં બુકિંગ વધીને લગભગ 75-76 લાખ સુધી પહોંચી ગઈ છે.
સરકાર એક્શન મોડમાં
પબ્લિક સેક્ટર ઓઇલ માર્કેટિંગ કંપનીઓના કોલ સેન્ટરને પણ મજબૂત કરાયા છે. કોલ સેન્ટરમાં સીટ્સને વધારીને 400 કરી દેવાઈ છે અને ટેલિફોન લાઈનોની સંખ્યા પણ વધારીને 50 કરી દેવાઈ છે, જેથી લોકો પોતાની ફરિયાદો નોંધાવી શકે.
પેટ્રોલિયમ મંત્રાલય અને કન્ઝ્યુમર અફેર્સ વિભાગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બેઠક યોજી છે. સંગ્રહખોરી અને બ્લેક માર્કેટિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા પ્રશાસન, DM અને SPને સૂચના અપાઈ છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સહિતના અનેક રાજ્યોમાં ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.
તેની સાથે જ રાજ્યોને ફ્યૂલ સપ્લાયને લઈને સતત કોઑર્ડિનેશન અને કોઑપરેશનનું આશ્વાસન અપાયું છે. રાજ્યોને સલાહ આપવામાં આવી છે કે, બ્લેક માર્કેટિંગ અને સંગ્રહખોરી વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરે અને એ નક્કી કરે કે આ પ્રકારની ઘટનાઓ ના બને.
વિવિધ રાજ્યોમાં કડક કાર્યવાહી
દેશભરમાં ગેરકાયદે સ્ટોરેજ અને ચોરી સામે પોલીસે સપાટો બોલાવ્યો છે. ઝાંસીમાં સિલિન્ડર ભરેલો ચોરાયેલો ટ્રક પોલીસે શોધી કાઢ્યો છે, જ્યારે હાપુડમાં ગેરકાયદે સિલિન્ડર ઝડપાતા ગોદામ સીલ કરાયું છે. ફૂડ એન્ડ સિવિલ સપ્લાય વિભાગે અનેક સ્થળોએ દરોડા પાડી ગેરકાયદે સ્ટોર કરેલા સિલિન્ડરો જપ્ત કર્યા છે.
સરકારનો સંદેશ
"અફવાઓ પર વિશ્વાસ ન કરો. દેશમાં ફ્યુઅલ સપ્લાય સતત ચાલુ છે અને રાજ્ય સરકારો સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે. જરૂરિયાત મુજબ જ બુકિંગ કરાવો જેથી દરેક નાગરિક સુધી ગેસ પહોંચી શકે."


