India

Explainer: આઝાદી વખતે 102 રૂપિયામાં 378 લિટર પેટ્રોલ મળતું! જાણો ભાવ વધારાનો રસપ્રદ ઇતિહાસ

By GS Team
25 May 20266 mins read
TukuTouch Logo
ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ યુદ્ધને પગલે સર્જાયેલી કટોકટીને કારણે દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે. હાલમાં જ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ વૈશ્વિક ક્રૂડ ઓઇલના વધતા ભાવનો બોજ ગ્રાહકો પર નાખવાનું શરૂ કર્યું છે, જેના કારણે છેલ્લા 11 જ દિવસમાં 7.5 રૂપિયા ભાવ વધી ગયો છે. આજે ભલે આપણે એક લિટર પેટ્રોલ માટે 100 રૂપિયાથી વધુ ચૂકવી રહ્યા છીએ, પરંતુ એક જમાનો એવો પણ હતો જ્યારે આજના એક લિટરના ભાવમાં લગભગ બે ડ્રમ ઓઈલ ખરીદી શકાતું હતું! ચાલો જાણીએ છેલ્લા 78 વર્ષમાં ભારતમાં ફ્યૂલના ભાવ કેવી રીતે અને કેટલા બદલાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: આઝાદી વખતે 102 રૂપિયામાં 378 લિટર પેટ્રોલ મળતું! જાણો ભાવ વધારાનો રસપ્રદ ઇતિહાસ

Petrol Price History India : ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ યુદ્ધને પગલે સર્જાયેલી કટોકટીને કારણે દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે. હાલમાં જ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ વૈશ્વિક ક્રૂડ ઓઇલના વધતા ભાવનો બોજ ગ્રાહકો પર નાખવાનું શરૂ કર્યું છે, જેના કારણે છેલ્લા 11 જ દિવસમાં 7.5 રૂપિયા ભાવ વધી ગયો છે. આજે ભલે આપણે એક લિટર પેટ્રોલ માટે 100 રૂપિયાથી વધુ ચૂકવી રહ્યા છીએ, પરંતુ એક જમાનો એવો પણ હતો જ્યારે આજના એક લિટરના ભાવમાં લગભગ બે ડ્રમ ઓઇલ ખરીદી શકાતું હતું! ચાલો જાણીએ છેલ્લા 78 વર્ષમાં ભારતમાં ફ્યૂલના ભાવ કેવી રીતે અને કેટલા બદલાયા.

ભારતમાં પહેલો પેટ્રોલ પંપ અને વેચાણ ‘ગેલન’માં 

ભારતનો સૌથી પહેલો પેટ્રોલ પંપ 1928માં મુંબઈમાં શરૂ થયો હતો. ત્યારે પેટ્રોલનો ભાવ માત્ર 6 પૈસા પ્રતિ લિટર હતો! એ જમાનામાં વાહનોમાં પેટ્રોલ ભરવા માટે હેન્ડપંપનો ઉપયોગ થતો. ત્યારે પેટ્રોલ ડિસ્પેન્સરમાં આજની જેમ ડિજિટલ સ્ક્રીન નહોતી, પરંતુ એક મોટું, ગોળ, ઘડિયાળ જેવું ડાયલ રહેતું, જેની સોય ફરતી અને દર્શાવતી કે વાહનમાં કેટલું પેટ્રોલ ભરાયું છે.

રસપ્રદ વાત એ છે કે, એ જમાનામાં પેટ્રોલ લિટરમાં નહીં પણ ગેલનમાં વેચાતું હતું. એક ગેલન એટલે અંદાજે 4.5 લિટર. એ હિસાબે જોઈએ તો 1928માં એક ગેલન પેટ્રોલનો ભાવ 27 પૈસા હતો. ભારત સરકારે 1956માં મેટ્રિક સિસ્ટમનો નવો કાયદો બનાવ્યો અને 1 ઑક્ટોબર, 1960થી સત્તાવાર રીતે ગેલનના બદલે લિટરમાં પેટ્રોલનું માપન શરૂ થયું.

વર્તમાન ભાવમાં 1947માં 378 લિટર પેટ્રોલ મળતું! 

ભારત 1947માં આઝાદ થયું તે સમયે દેશમાં પેટ્રોલનો ભાવ માત્ર 27 પૈસા પ્રતિ લિટર હતો. ડીઝલનો ભાવ 15થી 20 પૈસા પ્રતિ લિટર હતો. એટલે કે એક ગેલન પેટ્રોલ 1.22 રૂપિયાનું થતું. જો આજના દિલ્હીના પેટ્રોલના ભાવ (102.12 રૂપિયા) સાથે તેની તુલના કરીએ, તો આઝાદી સમયે આટલા રૂપિયામાં લગભગ 378 લિટર પેટ્રોલ ખરીદી શકાતું હતું! એ જ રીતે, આજના ભાવે તે સમયે 476 લિટર જેટલું ડીઝલ ખરીદી શકાતું હતું. અલબત્ત, અહીં એ યાદ રાખવું જરૂરી છે કે 1947માં લોકોનો માસિક પગાર 100થી 150 રૂપિયા હતો, જે આજે વધીને સરેરાશ માસિક માથાદીઠ આવક 20,000 રૂપિયાથી વધુ થઈ ગઈ છે.


કયા વર્ષમાં પેટ્રોલનો શું હતો ભાવ?

ભારતમાં દાયકાઓ સુધી ફ્યૂઅલના ભાવ સરકારના કડક નિયંત્રણ હેઠળ અને સબસીડીવાળા રહ્યા છે. આ આંકડા દર્શાવે છે કે સમય સાથે પેટ્રોલના ભાવ કેવી રીતે વધ્યા.

વર્ષ અને પેટ્રોલનો અંદાજિત ભાવ (પ્રતિ લિટર)

  • 1947 - 27 પૈસા
  • 1970 - 90 પૈસા
  • 1990 - 4.20 રૂપિયા
  • 2004 - 33.71 રૂપિયા
  • 2008 - 51 રૂપિયા
  • 2014 - 72.43 રૂપિયા
  • 2026 - 102 રૂપિયા


બીજા વિશ્વ યુદ્ધના સમયગાળામાં અછત 

બીજા વિશ્વયુદ્ધ (1939-1945) અને આઝાદીના શરૂઆતના વર્ષોમાં દેશમાં ઓઇલની ભારે અછત હતી. મોટા ભાગનું ઓઇલ ભારતીય સેના માટે અનામત રખાતું હતું. તેથી સરકારે સામાન્ય લોકો માટે પેટ્રોલ કૂપન અને ક્વોટા સિસ્ટમ લાગુ કરી હતી. ડૉક્ટરો, ન્યાયાધીશો અને અન્ય ઉચ્ચ અધિકારીઓને વધુ કૂપન મળતી. લોકો પેટ્રોલની ચોરીના ડરથી પોતાની કાર ગેરેજમાં બંધ રાખતા હતા.

ફ્યૂઅલ કંપનીઓનું રાષ્ટ્રીયકરણ

1970ના દાયકા સુધી ભારતનું ઓઇલ માર્કેટ બર્મા શેલ, સ્ટેનવેક અને કેલ્ટેક્સ જેવી વિદેશી કંપનીઓના હાથમાં હતું. એ પછી સરકારે આ કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કર્યું. 1974માં અમેરિકન કંપની ESSOમાંથી HPCL (હિન્દુસ્તાન પેટ્રોલિયમ) અને 1976માં બર્મા શેલમાંથી BPCL (ભારત પેટ્રોલિયમ) બની. આજે IOCL (ઇન્ડિયન ઓઇલ) દેશની સૌથી મોટી ઓઇલ કંપની છે.


ક્રૂડ ઓઇલ અને પેટ્રોલના ભાવની સફર

ઇંધણના ભાવ સીધા વૈશ્વિક ક્રૂડ ઓઇલ (કાચા તેલ) સાથે જોડાયેલા છે.

  • 1973ની ઊર્જા કટોકટી: 1960ના દાયકા સુધી ક્રૂડ ઓઇલ ખૂબ જ સસ્તું હતું (અંદાજે $1.90 પ્રતિ બેરલ). પરંતુ 1973ના વૈશ્વિક તેલ સંકટ પછી ક્રૂડના ભાવ વધ્યા, જેના કારણે ભારતમાં જે પેટ્રોલ 1970માં 90 પૈસા હતું, તે 1980 સુધીમાં 5.10 રૂપિયા અને 1985માં 8 રૂપિયા થઈ ગયું.
  • બજાર નિયંત્રણમુક્તિ (2002-2008): સરકારે ઓઇલના ભાવ બજાર આધારિત કર્યા પછી 2004માં પેટ્રોલ 34 રૂપિયા અને ડીઝલ 30 રૂપિયા થયું. 2008માં વૈશ્વિક ક્રૂડ ઓઇલ $147 પ્રતિ બેરલની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યું ત્યારે ભારતમાં પેટ્રોલ 51 રૂપિયા થઈ ગયું.
  • 2015નો ઐતિહાસિક ઘટાડો: 2014માં પેટ્રોલ 72.43 રૂપિયા હતું. 2015માં તે ઘટીને 60 રૂપિયા થઈ ગયું, એની પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં આવેલો ઐતિહાસિક કડાકો હતો.
  • 2024માં 100 પારઃ 2024માં ઇતિહાસમાં પહેલીવાર પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયો, જે  હાલ 2026માં તે 102 રૂપિયાની આસપાસ છે. હાલમાં વૈશ્વિક ક્રૂડ ઓઇલ $65થી $98 પ્રતિ બેરલ વચ્ચે ટ્રેડ થઈ રહ્યું છે.


11 દિવસમાં 7.5 રૂપિયાનો ઝટકો

15 મે 2026ના રોજ ચાર વર્ષના લાંબા ગાળા પછી પહેલીવાર પેટ્રોલમાં વધારો કરવામાં આવ્યો. ત્યારબાદ 19 મે અને 23 મેના રોજ પણ ભાવ વધ્યા. માત્ર 11 દિવસમાં ચાર વાર ભાવ વધારીને પ્રજાને પ્રતિ લિટર કુલ રૂ. 7.5નો ઝટકો અપાયો છે.

  • પ્રથમ વધારો - 15 મે 2026:  લગભગ ₹3 પ્રતિ લિટર. 
  • બીજો વધારો - 19 મે 2026: લગભગ 90 પૈસા પ્રતિ લિટર. 
  • ત્રીજો વધારો - 23 મે 2026: 87-91 પૈસા પ્રતિ લિટર. 
  • ચોથો (અત્યાર સુધીનો સૌથી મોટો) વધારો - 25 મે 2026: પેટ્રોલમાં ₹2.61 અને ડીઝલમાં ₹2.71 પ્રતિ લિટર. 
  • આ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ ₹102.12 અને ડીઝલ ₹95.20 પ્રતિ લિટર થઈ ગયું છે. 


દેશના આ શહેરોમાં પેટ્રોલ-ડીઝલ સૌથી મોંઘા 

સ્થાનિક કર અને વેટ (VAT) અલગ-અલગ હોવાને કારણે દરેક રાજ્યમાં ફ્યૂઅલના ભાવ જુદા હોય છે. હાલમાં સૌથી મોંઘા ભાવ તેલંગાણા અને કેરળમાં છે. મુખ્ય શહેરોના વર્તમાન ભાવો નીચે મુજબ છે.

  • હૈદરાબાદ (તેલંગાણા): પેટ્રોલ 115.69 રૂપિયા | ડીઝલ 103.82 રૂપિયા
  • તિરુવનંતપુરમ (કેરળ): પેટ્રોલ 115.49 રૂપિયા | ડીઝલ 104.40 રૂપિયા
  • કોલકાતા: પેટ્રોલ 113.51 રૂપિયા | ડીઝલ 99.82 રૂપિયા
  • મુંબઈ: પેટ્રોલ 111.21 રૂપિયા | ડીઝલ 97.83 રૂપિયા
  • બેંગલુરુ: પેટ્રોલ 110.93 રૂપિયા | ડીઝલ 98.80 રૂપિયા
  • ચેન્નાઈ: પેટ્રોલ 107.77 રૂપિયા | ડીઝલ 99.55 રૂપિયા
  • દિલ્હી: પેટ્રોલ 102.12 રૂપિયા | ડીઝલ 95.20 રૂપિયા

આ પણ વાંચો : Gen-Z જ મોદી સરકારનો અહંકાર તોડશે: CBSE બોર્ડ પરિણામ વિવાદ મુદ્દે સરકાર પર ભડક્યા રાહુલ ગાંધી

ભાવ વધારા પાછળના કારણો

1. ક્રૂડ ઓઇલ મોંઘું થયું- આ વધારા પાછળનું મુખ્ય કારણ ફેબ્રુઆરીના અંતમાં થયેલા અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચેનો સંઘર્ષ છે, જેના કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં વિક્ષેપ પડતા વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં 50%થી વધુનો તીવ્ર વધારો થયો છે. 

2. સરકારી ટેક્સ (Taxation): પેટ્રોલ-ડીઝલ પર કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યુટી અને રાજ્ય સરકારોનો વેટ (VAT) મળીને કુલ કિંમતના અડધાથી વધુ હિસ્સો ટેક્સમાં જાય છે. કેટલાક રાજ્યોમાં વેટ 30% જેટલો ઊંચો છે. જોકે, કેન્દ્ર સરકારે તાજેતરમાં એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે, જેનાથી તિજોરી પર 1 લાખ કરોડ રૂપિયાનો બોજ પડશે, પરંતુ રાજ્યો હજુ વેટ ઘટાડવા તૈયાર નથી, કારણ કે દારૂ અને ઇંધણ તેમની આવકના મુખ્ય સ્ત્રોત છે. પેટ્રોલને GST હેઠળ લાવવાની ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ રાજ્યો તેનો વિરોધ કરી રહ્યા છે.

3. રૂપિયાનું અવમૂલ્યન: ભારત પોતાની જરૂરિયાતનું મોટા ભાગનું ક્રૂડ ઓઇલ આયાત કરે છે. ડૉલર સામે ભારતીય રૂપિયો નબળો પડવાને કારણે ઓઇલ ખરીદીનું બિલ ઘણું વધી જાય છે.

શું પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ વધશે?

વર્ષ 1947ના 27 પૈસાથી શરૂ કરીને 2026ના 102 રૂપિયા સુધીની પેટ્રોલની આ સફર માત્ર કિંમતોનો વધારો નથી, પરંતુ તે દેશના બદલાતા અર્થતંત્ર, આંતરરાષ્ટ્રીય રાજકારણ અને ટેક્સના માળખાની આખી કહાની બયાન કરે છે. વૈશ્વિક તણાવ વચ્ચે આગામી દિવસોમાં આ ભાવો ક્યાં જઈને અટકશે તે જોવું રહ્યું.

આ પણ વાંચો : એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટ ક્રેશ થતા બચી, ઓમાનના મસ્કટ એરપોર્ટ પર સર્જાઈ અફરાતફરી