'શોએબ અખ્તર-આસિફ જ્યારે પણ ભારત આવતા ત્યારે ડ્રગ્સ લઈને આવતા': ગૃહ મંત્રાલયના પૂર્વ અધિકારીનો ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan Cricket Drugs: ભારત સરકારના ગૃહ મંત્રાલયના પૂર્વ અંડર સેક્રેટરી આરવીએસ મણિએ પાકિસ્તાની ક્રિકેટ ખેલાડીઓ, ડેલિગેશનને લઈને એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે, તેમણે કહ્યું છે કે પાકિસ્તાની ક્રિકેટર, ડેલિગેશનના મેમ્બર્સ અને શોએબ અખ્તર તથા મોહમ્મદ આસિફ જેવા ખેલાડીઓ જ્યારે પણ ભારત પ્રવાસે આવતા હતા ત્યારે તેઓ ડ્રગ્સનો જથ્થો લઈને આવતા હતા. પાકિસ્તાનની ટીમ ભારતમાં આવતી વખતે ડ્રગ્સ ટ્રાફિકિંગ કરતી હતી. આ મામલામાં તેમણે ISIનો હાથ ગણાવ્યો છે.
કોણ છે આરવીએસ મણિ?
આરવીએસ મણિ કેન્દ્રીય સચિવાલય સેવાના અધિકારી રહ્યા છે. 2006-2010 દરમિયાન તેઓ ગૃહ મંત્રાલયના આંતરિક સુરક્ષા ડિવિઝનમાં અંડર સેક્રેટરી તરીકે કાર્યરત હતા. તેઓ હવે નિવૃત્ત થઈ ચૂક્યા છે. આરવીએસ મણિએ ઓગસ્ટ 2013માં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી હતી. તે સમયે તેઓ શહેરી વિકાસ મંત્રાલયમાં અંડર સેક્રેટરીના પદ પર હતા. તેમનું કામ જમ્મુ-કાશ્મીર, પૂર્વોત્તર અને આતંકવાદ સાથે જોડાયેલા સંવેદનશીલ મુદ્દાઓ સંબંધિત હતું.
આતંકવાદના ફંડિંગના 30 ટકા ડ્રગ્સ ટ્રાફિકિંગમાંથી આવે છે
તેમણે એક ખાનગી પોડકાસ્ટમાં તેમણે આ સનસનાટીભર્યા ખુલાસા કર્યા છે. ભારતમાં આતંકવાદ ફેલાવવામાં ડ્રગ્સ ટ્રાફિકિંગનો રોલ ઉજાગર કરતા તેમણે કહ્યું કે આતંકવાદના ફંડિંગના 30 ટકા ડ્રગ્સ ટ્રાફિકિંગમાંથી આવે છે. તેમણે પોતાના કાર્યકાળનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે દરમિયાન ભારત આવનારા તમામ પાકિસ્તાની ડેલિગેશન ભારત ડ્રગ્સ લઈને આવતા હતા
જુઓ આ કેસની રિપોર્ટ થઈ છે કે શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફ જે ક્રિકેટર છે તેમણે પાકિસ્તાની હાઈ કમિશનરની સામે પોતે સ્વીકાર્યું કે તેઓ ડ્રગ્સ લઈને આવ્યા છે, ત્યારબાદ તેમને પરત મોકલી દેવાયા, જ્યારે ક્યારેય પાકિસ્તાનનું ડેલિગેશન, ટીમ કે કોઈ અન્ય ભારત આવતું હતું તેઓ ડ્રગ્સ ટ્રાફિકિંગ કરતા હતા. આ પર્સનલ કન્ઝમ્પશન (અંગત વપરાશ) માટે નહોતું. આ 16 ઓક્ટોબરે થયું હતું. પછી લગભગ 6 મહિના બાદ માર્ચમાં પાકિસ્તાન ટીમના ઈંગ્લિશ કોચ બોબ વૂલ્મર જે પાકિસ્તાનીઓ દ્વારા ડ્રગ્સ ટ્રાફિકિંગનો વિરોધ કરી રહ્યા હતા તેમની શંકાસ્પદ સંજોગોમાં હત્યા કરી દેવામાં આવી: ગૃહ મંત્રાલયના પૂર્વ અંડર સેક્રેટરી આરવીએસ મણિ
બોબ વૂલ્મર પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ હતા
જણાવી દઈએ કે બોબ વૂલ્મરનું મોત 18 માર્ચ 2007ના રોજ થયું હતું. તેઓ તે સમયે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ હતા. 2007 ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન જમૈકા (કિંગ્સટન)માં પાકિસ્તાનના આયર્લેન્ડ સામે હાર્યાના એક દિવસ બાદ તેઓ હોટેલ રૂમમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તેમને હોસ્પિટલ લઈ જવાયા, પરંતુ તેઓ બચી શક્યા નહીં. ગૃહ મંત્રાલયના સેવાનિવૃત્ત અધિકારી આરવીએસ મણિએ કહ્યું કે તમામ બિંદુઓને જોડવા પડશે. પાકિસ્તાનનું ડેલિગેશન ભારતમાં ડ્રગ્સ લાવતું હતું અને તે સમયના DIA અનુસાર ભારતમાં થનારા 30 ટકા આતંકી હુમલાનું ફંડિંગ ડ્રગ્સ ટ્રાફિકિંગથી થતું હતું. ભારતમાં ડ્રગ્સ મોકલવું પાકિસ્તાનની સરકારી નીતિ છે.
જલાલાબાદમાં પાક સારો થયો છે તો..
આરવીએસ મણિએ ગૃહ મંત્રાલયની ચર્ચાઓને યાદ કરતા કહ્યું કે આ જ કારણ છે કે અમે લોકો કહ્યા કરતા હતા કે જો જલાલાબાદમાં પાક સારો થયો છે તો ભારતમાં વધારે આતંકી હુમલા થવાના છે. અમે આ રીતે આકલન કરતા હતા, અમે કહેતા હતા કે આ વખતે જુઓ ભાઈ જલાલાબાદમાં વધારે અફીણ તો નથી થયું ને, નહીં તો અમારા માટે માથાનો દુખાવો થઈ જશે.
જ્યારે પોડકાસ્ટ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે શું પાકિસ્તાન આટલી મોટી હસ્તીઓનો ઉપયોગ ડ્રગ્સ ટ્રાફિકિંગ માટે કરી શકે છે તો તેમણે કહ્યું કે-
'મોહમ્મદ આસિફ અને શોએબ અખ્તર હાઈ પ્રોફાઈલ હસ્તીઓ છે, આવી જ રીતે અન્ય લોકો પણ છે, હોઈ શકે છે જેમના નામ નથી આવ્યા, પરંતુ આમાં આખી ટીમ હતી અને તેઓ એવું કરતા હતા.
તેમણે કહ્યું કે પાકિસ્તાન સાથે પીપુલ ટુ પીપુલ કોન્ટેક્ટ (લોકોનો લોકો સાથે સંપર્ક) સૌથી મોટો દગો છે. કારણ કે ત્યાં જ આ બધી વસ્તુઓ થતી હતી. ખોટા નેરેટિવ તૈયાર કરવામાં આવતા હતા. તેમને પૂછવામાં આવ્યું કે શું IB આ લોકોને ટ્રેક નહોતી કરતી તો આરવીએસ મણિએ કહ્યું કે કેટલાય રિપોર્ટ, કેટલીય મૂવમેન્ટ રિપોર્ટ ગૃહ મંત્રાલયમાં પડેલા છે, કારણ કે IBનું કામ આપણને એલર્ટ કરવાનું છે, જાણકારી આપવાનું છે, આગળનું કામ બાકીના વિભાગોનું છે. આરવીએસ મણિને પૂછવામાં આવ્યું કે ગૃહ મંત્રાલયમાં તમને લોકોને આ બધી વસ્તુઓની જાણકારી હતી, આ બધું જોઈને કેવું લાગતું હતું. તો તેમણે કહ્યું કે બહુ ખરાબ લાગતું હતું.









