પૂર્વ ગ્રુપ કેપ્ટન અભિનંદન એરફોર્સ છોડી ખાનગી એરલાઈન્સમાં જોડાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ૨૦૨૧માં અભિનંદનને વીરચક્રથી સન્માનિત કરાયા હતા
- અભિનંદનને પાકિસ્તાને પકડયા બાદ ત્રણ દિવસે મુક્ત કર્યા હતા: બાલાકોટ એરસ્ટ્રાઈકમાં એફ-૧૬ ફાઈટર વિમાન તોડી પાડયું હતું
- અભિનંદન પાયલટ બન્યા છે તે ગોવાની ફ્લાઈ૯૧ નામની કંપની એક અબજ ડોલરના ખર્ચે ૪૦ નવા વિમાનો ખરીદશે
નવી દિલ્હી : ઈન્ડિયન એરફોર્સના પૂર્વ ગુ્રપ કેપ્ટન અભિનંદન વર્ધમાન ગોવાથી સંચાલિત ખાનગી એરલાઈન્સ કંપનીમાં પાયલટ તરીકે જોડાયા છે. સત્તાવાર રીતે આ અંગેની જાણકારી શેર કરવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં દાવો થયો છે કે ૨૦૧૯માં બાલાકોટની એરસ્ટ્રાઈક વખતે પાકિસ્તાનનું એફ-૧૬ વિમાન તોડી પાડનારા અભિનંદને વાયુસેનાને અલવિદા કરી દીધું છે અને ખાનગી કંપનીમાં જોડાઈ ગયા છે. જે કંપનીમાં અભિનંદન જોડાયા છે એ કંપની પણ અત્યારે લિમિટેડ ઓપરેશન્સ ચલાવે છે, પરંતુ આગામી સમયમાં બિઝનેસ વધારવા વિમાનોનો ઓર્ડર્સ પણ કર્યો છે.
અભિનંદન વર્ધમાન ૨૦૧૯ની બાલાકોટ સ્ટ્રાઈકના હીરો બન્યા હતા. તેમણે એરસ્ટ્રાઈક વખતે પાકિસ્તાનનું અમેરિકન બનાવટનું એફ-૧૬ જેવું વિમાન તોડી પાડયું હતું. આ એરકોમ્બેટમાં તેઓ પાકિસ્તાનના હાથે ઝડપાઈ ગયા હતા. બાલાકોટ એરસ્ટ્રાઈક સમયે ૨૦૧૯માં ૩૫ વર્ષના અભિનંદન વર્ધમાન મિગ-૨૧ લડાકુ વિમાનના પાયલટ અને વિંગ કમાન્ડર હતા. ખૂબ નાટયાત્મક ઘટનાક્રમમાં તેઓ પાકિસ્તાનમાં પકડાયા બાદ પાકિસ્તાને માત્ર ૬૦ કલાકમાં તેમને મુક્ત કરીને ભારતીય વાયુસેનાને સોંપ્યા હતા. એ વખતે તેમની લાંબી મૂછો, આક્રમક આંખો અને બેખોફ અંદાજ દેશભરમાં વાયરલ થયો હતો. સરકારે તેમને ૨૦૨૧માં વીર ચક્રથી સન્માનિત કર્યા હતા.
અભિનંદન વર્ધમાનના સંદર્ભમાં થયેલા દાવા પ્રમાણે તેમણે ૩૧મી માર્ચે વાયુસેનાની નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી હતી. હવે તેઓ ગોવાથી સંચાલિત ફ્લાઈ૯૧ નામની એરલાઈન્સ સાથે જોડાયા છે. કંપનીએ અભિનંદન અંગે જાણકારી આપી ન હતી. કર્મચારીઓની વિગતો પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને આપી શકાશે નહીં એવું કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું.
ફ્લાઈ૯૧ નામની કંપની ૨૦૨૪માં સ્થપાઈ હતી. કંપની પાસે અત્યારે માત્ર છ વિમાનો છે. ગોવા અને હૈદરાબાદમાં કંપની ઓપરેશન ચલાવે છે. પરંતુ કંપની આગામી સમયમાં તેની સર્વિસનો વ્યાપ વધારશે. કંપનીએ એક અબજ ડોલરના ખર્ચે નવા ૪૦ પ્રોપ પ્લેન્સનો ઓર્ડર આપ્યો છે. રિજનલ એરલાઈન્સે આપેલો આ દુનિયાનો સૌથી મોટો ઓર્ડર છે. કંપનીના ચેરમેન હર્ષ રાઘવને કહ્યું હતું કે નવા વિમાનો આવી જશે પછી કંપનીનું પ્રાદેશિક નેટવર્ક વધારે મજબૂત બનશે. કંપનીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર મનોજ ચાકોએ કહ્યું હતું કે આ ઓર્ડર ૨૦૨૭ સુધીમાં શરૂ થશે અને ૨૦૩૨ સુધીમાં બધા જ વિમાનો કંપનીને મળી જશે.




