'જજોની નિમણૂકમાં પૂર્વ CJI ચંદ્રચૂડ સરકારના ઈશારે ચાલતા...', સુપ્રીમ કોર્ટના પૂર્વ જજનો ધડાકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Supreme Court Collegium : સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ સંજય કિશન કૌલની આત્મકથા 'વિધાઉટ ફિયર ઓફ ફેવર' (Without Fear of Favour) એ દેશની સર્વોચ્ચ ન્યાયપાલિકા અને સરકારના આંતરિક સંબંધોના કાળા હસ્યોનો પર્દાફાશ કરી દીધો છે. આ પુસ્તકના ખુલાસાથી ન્યાયતંત્રની સ્વતંત્રતા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
જસ્ટિસ કૌલના દાવા મુજબ, પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય. ચંદ્રચૂડ જજોની નિમણૂકના મામલામાં સરકાર તરફ હંમેશા નરમ વલણ અપનાવતા અને સરકાર તરફી નિર્ણયો લેવાની કોશિશ કરતા હતા. પૂર્વ સીજેઆઈ ચંદ્રચૂડ કોલેજિયમની ઔપચારિક બેઠક મળતા પહેલા જ સરકાર સાથે અનૌપચારિક રીતે સંમતિ સાધવાના પ્રયાસો કરતા હતા, જેણે ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચાડી છે.
ડિસેમ્બર 2023માં રિટાયર્ડ જસ્ટિસ કૌલે લખ્યું છે કે સરકાર સાથે તાલમેલ બેસાડવાની પદ્ધતિને લઈને મારા અને તત્કાલીન CJI ચંદ્રચૂડ વચ્ચે મતભેદો હતા. કોલેજિયમની ચર્ચા અગાઉ સરકારને સામેથી મોકો આપવો એ એક ખતરનાક સંદેશ આપે છે, કારણ કે જ્યારે પણ ન્યાયતંત્ર નબળું પડે છે ત્યારે રાજકીય પક્ષો અને સરકાર પોતાની મનમાની ચલાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરે છે.
વૉકઆઉટ, સરકારનો અસંયમ અને છઠ્ઠા નામ પર મોટો ખુલાસો
પુસ્તકમાં કોલેજિયમની બેઠકના ચોંકાવનારા કિસ્સાઓ બહાર આવ્યા છે. એકવાર જજોની છ ખાલી જગ્યાઓ ભરવાની હતી અને પાંચ નામો પર સહમતિ સધાઈ ચૂકી હતી, પરંતુ બેઠકમાં જતા સમયે અચાનક CJI ચંદ્રચૂડે એક છઠ્ઠું નામ આગળ ધર્યું, જેનો અન્ય જજોએ વિરોધ કર્યો હતો. જસ્ટિસ કૌલને શંકા ગઈ કે આ નામ સીધું સરકારના ઈશારે આવ્યું છે, અને CJI તેમને બાજુ પર લઈ જઈને સરકારને ફોન કરવા અંગે વિચારવા લાગ્યા હતા. જસ્ટિસ કૌલે સમયસૂચકતા વાપરીને તેમને અટકાવ્યા હતા.
આ ઉપરાંત, એક લઘુમતી સમુદાયના જજ ઉમેદવારની નિમણૂક વખતે સરકારે તેમની જાતિ અને ધાર્મિક પ્રતિનિધિત્વ પર વાંધાજનક સવાલો ઉઠાવ્યા હતા. જ્યારે CJI ચંદ્રચૂડે સરકારની આ અયોગ્ય રજૂઆત સામે મૂકી ત્યારે જસ્ટિસ કૌલ એટલા ગુસ્સે ભરાયા કે તેઓ ફાઈલ બંધ કરીને કોલેજિયમની બેઠકમાંથી વૉકઆઉટ કરીને બહાર નીકળી ગયા હતા. જો કે, બાદમાં સરકારને ઝૂકવું પડ્યું હતું અને તે યોગ્ય જજની નિમણૂક કરવામાં આવી હતી.
કોલેજિયમની અપારદર્શિતા અને CJI ચંદ્રચૂડની સફાઈ
જસ્ટિસ કૌલે પોતાની 22 વર્ષની ન્યાયિક કારકિર્દીના આધારે કોલેજિયમ પ્રણાલીને અત્યંત અપારદર્શક, ખામીયુક્ત અને સરકારી દબાણની ગુપ્ત ગેલેરી ગણાવી છે. તેમણે એવો પણ ખુલાસો કર્યો છે કે તેમના કાર્યકાળના અંતિમ દિવસોમાં કેવી રીતે મહત્ત્વના કેસો તેમની બેંચ પાસેથી પાછા ખેંચી લેવામાં આવ્યા હતા અને વરિષ્ઠ વકીલોના નામાંકનને જાણી જોઈને ટાળવામાં આવ્યા હતા.
બીજી તરફ, આ ગંભીર આરોપો પર પ્રતિક્રિયા આપતા પૂર્વ CJI ડી.વાય. ચંદ્રચૂડે દાવો કર્યો છે કે તેમણે હજુ આ પુસ્તક વાંચ્યું નથી, પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન કોલેજિયમની બેઠકો અત્યંત સૌહાર્દપૂર્ણ રહી છે અને તેમને જસ્ટિસ કૌલના વૉકઆઉટ જેવી કોઈ ઘટના યાદ નથી. સાથે તેમણે એવો પણ બચાવ કર્યો છે કે રાષ્ટ્રપતિ જ નિયુક્તિના વોરંટ બહાર પાડતા હોવાથી સરકાર સાથે સંવાદ કરવો એ એક સામાન્ય પ્રક્રિયા છે. જો કે, જસ્ટિસ કૌલના આ ખુલાસાઓએ ન્યાયતંત્ર અને રાજકીય હસ્તક્ષેપની પોલ ખોલીને મૂકી દીધી છે.




