ચારા કૌભાંડ : લાલુ યાદવની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, EDને મોટો ઝટકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Lalu Prasad Yadav Fodder Scam : સુપ્રીમ કોર્ટે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને ચારા કૌભાંડ કેસમાં ખૂબ મોટી રાહત આપી છે. કોર્ટે તેમની જામીન રદ કરવાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની અરજીને ફગાવી દીધી છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે લાલુ યાદવના જામીન યથાવત્ રાખવાનો મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
લાલુ પ્રસાદ યાદવ સહિત અન્ય આરોપીઓને વર્ષ 2018માં ચારા કૌભાંડ કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. આ સજા સામે લાલુ યાદવે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી, જે લાંબા સમયથી પેન્ડિંગ છે. આ અપીલ પર આખરી નિર્ણય ન આવવાને કારણે કોર્ટે વર્ષ 2021માં લાલુ યાદવને જામીન આપ્યા હતા. ત્યારે કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી અપીલ પર ચુકાદો ન આવે ત્યાં સુધી તેઓ જામીન પર બહાર રહી શકશે.
EDની જામીન રદ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે નકારી
હાલમાં જ ED દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને લાલુ યાદવના આ જામીન રદ કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ માંગણીને સ્વીકારવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ટિપ્પણી કરતાં જણાવ્યું કે, 'લાંબા સમયથી ચાલી આવતા જામીન મામલે હવે દખલગીરી કરવી યોગ્ય નથી.' કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે આ બાબતમાં કોઈ દખલ કરવા માંગતી નથી.
હાઇકોર્ટને 6 મહિનામાં સુનાવણી પૂરી કરવા આદેશ
સુપ્રીમ કોર્ટે એક તરફ લાલુ યાદવના જામીન સુરક્ષિત રાખ્યા છે, તો બીજી તરફ હાઇકોર્ટને પણ મહત્ત્વની સૂચના આપી છે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટને આદેશ આપ્યો છે કે, 'લાલુ યાદવ અને અન્ય આરોપીઓની સજા સામેની અપીલ પર આગામી 6 મહિનાની અંદર સુનાવણી પૂર્ણ કરવામાં આવે.' આ નિર્ણયથી લાલુ યાદવને જેલમાં જતાં મોટી રાહત મળી છે અને કેસના ઝડપી નિકાલ માટેની સમયસીમા પણ નક્કી થઈ ગઈ છે.









