E20 પેટ્રોલ વિવાદ વચ્ચે ગ્રાહકની તરફેણમાં પ્રથમ ઐતિહાસિક ચુકાદો, કાર કંપનીને મોટો ઝટકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

E20 petrol Controversy : દેશમાં E20 (20% ઇથેનોલ મિશ્રિત) ઇંધણને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે છત્તીસગઢની રાયપુર જિલ્લા ગ્રાહક અદાલત દ્વારા એક જાણીતી કાર કંપની અને તેના સ્થાનિક ડીલર વિરુદ્ધ અત્યંત કડક અને ઐતિહાસિક ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. એન્જિનની ખામી અને E-20 પેટ્રોલના કારણે ઊભા થયેલા વિવાદ અંગે દેશનો આ પ્રકારનો આ પહેલો કિસ્સો છે. ગ્રાહક ફોરમના અધ્યક્ષ પ્રશાંત કુંડુ અને સભ્ય ડૉ. આનંદ વર્ગીસની બેન્ચે ગ્રાહક સાથે થયેલી છેતરપિંડી અને ખરાબ સર્વિસ બદલ કંપની તથા ડીલર બંનેને દોષિત ઠેરવ્યા છે અને પીડિત ગ્રાહકને તે જ મોડલની નવી E-20 પેટ્રોલ સપોર્ટ કરતી કાર આપવાનો આદેશ કર્યો છે.
કંપની અને ડીલરને 45 દિવસની મહોલત તથા દંડ
અદાલતે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે જો કંપની અને ડીલર 45 દિવસની અંદર ગ્રાહકને નવી કાર નહીં સોંપે, તો તેમણે ગાડીની મૂળ કિંમત, આરટીઓ (RTO) અને વીમા ખર્ચ સહિત કુલ ₹20,50,494 ની પૂરેપૂરી રકમ પર વાર્ષિક 7% ના દરે વ્યાજ ચૂકવવું પડશે. આ વ્યાજ આદેશની તારીખથી લઈને ચૂકવણીના દિવસ સુધીનું રહેશે. આ ઉપરાંત, ગ્રાહકને થયેલી માનસિક હેરાનગતિના વળતર પેટે ₹1 લાખ અને કોર્ટ કચેરીના ખર્ચ પેટે ₹10,000 અલગથી ચૂકવવાનો આદેશ પણ કરાયો છે.
ડૉક્ટર ગ્રાહક સાથે કેવી રીતે થઈ છેતરપિંડી?
આ સમગ્ર મામલો રાયપુરના જાણીતા કિડની રોગ નિષ્ણાત ડૉ. પ્રેમરાજ દેવતા સાથે જોડાયેલો છે. તેમણે જૂન 2024 માં આ કાર ખરીદી હતી, પરંતુ ગાડી લેતાની સાથે જ તેનું એન્જિન વારંવાર બંધ થવા લાગ્યું હતું. જ્યારે તેઓ સર્વિસ સેન્ટર પહોંચ્યા ત્યારે કંપનીએ તેને મફતમાં રિપેર કરવાનો ઇનકાર કરી દીધો અને ₹5.30 લાખનું મોટું એસ્ટીમેટ પધરાવી દીધું. કંપનીએ એવો તર્ક આપ્યો હતો કે પેટ્રોલમાં ઇથેનોલની ભેળસેળના કારણે એન્જિન ખરાબ થયું છે, તેથી તે વોરંટીના દાયરામાં આવતું નથી.
કોર્ટની તપાસમાં ખૂલેલી કંપનીની બે મોટી ચાલાકી
જ્યારે આ મામલો ગ્રાહક અદાલતમાં પહોંચ્યો ત્યારે કંપનીના દાવાઓની હવા નીકળી ગઈ હતી અને તપાસમાં બે મોટી બાબતો સામે આવી હતી:
17 મહિના જૂની કાર વેચી: ડૉક્ટરને જૂન 2024 માં જે કાર વેચવામાં આવી હતી, તેનું ઉત્પાદન જાન્યુઆરી 2023 માં થયું હતું. એટલે કે કંપનીએ ગ્રાહકને અંધારામાં રાખીને પોણા બે વર્ષ જૂની ગાડી નવી કિંમતે વેચી દીધી હતી.
નવું પેટ્રોલ સપોર્ટ ન કરતું એન્જિન: દેશભરના પેટ્રોલ પંપો પર હવે E20 પેટ્રોલ મળી રહ્યું છે, પરંતુ આ મોંઘી કારનું એન્જિન નવું ઇંધણ સહન કરવા સક્ષમ જ નહોતું અને કંપનીએ ગાડી વેચતી વખતે ગ્રાહકથી આ મહત્વની વિગત છુપાવી રાખી હતી.
અદાલતે માન્યું કે પેટ્રોલની ગુણવત્તા પર ગ્રાહકનો કોઈ નિયંત્રણ હોતો નથી અને કંપનીએ જાણી જોઈને ગ્રાહક સાથે છેતરપિંડી કરી છે. આ ચુકાદો ભવિષ્યમાં E-20 પેટ્રોલ સંબંધિત ફરિયાદો માટે દેશભરમાં એક ઉદાહરણ (નઝીર) બનશે.









