જેન-ઝીથી દેશની જેલ ભરો : મોદીનો નવો ફતવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ૩૦,૦૦૦ સુરક્ષાકર્મીઓની કિલ્લેબંધી વચ્ચે પણ અનેક યુવાનો દિલ્હી પહોંચ્યા : ૭૦૦૦ની અટકાયત, મોડી રાતે છોડાયા
- કોકરોચ પાર્ટીના અભિજીત, સૌરવ, આશુતોષને વિમાનમાંથી જ્યારે ધ્રુવ રાઠીને ઘરેથી જ દિલ્હી પોલીસ ઉઠાવી ગઇ
- કાર્યવાહીથી બચવા અનેક યુવાનોએ ગુરુદ્વારામાં શરણ લીધી, સોશિયલ મીડિયા પત્રકારો, યુટયુબર્સ અને વકીલોની પણ અટકાયત
- ઇન્દિરા ગાંધીના સમયે પણ આવી સ્થિતિ નહોતી : અભિજીત અજિંકય શિંદેના નેતૃત્વમાં આજે જંતર મંતર તરફ ફરી માર્ચ
નવી દિલ્હી : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમારના રાજીનામા સહિતની માગણીઓ સાથે કોકરોચ જનતા પાર્ટી, વિપક્ષ, વિદ્યાર્થી સંગઠનો દ્વારા શનિવારે દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. આશરે ૩૦ હજારથી વધુ સુરક્ષાકર્મીઓની કિલ્લેબંધી વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકો દિલ્હી વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. ચાર પૂર્વ મુખ્યમંત્રીઓ, કોકરોચ જનતા પાર્ટી, વિદ્યાર્થી સંગઠનોના તમામ નેતાઓ સહિત આશરે સાત હજારથી વધુ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જોકે જેન-ઝીએ દિવસભર પોલીસને દોડાવી હતી. શનિવારે દિલ્હીમાં સવારથી જ એક તરફ સરકારની કિલ્લેબંધી તો બીજી તરફ પ્રદર્શનકારીઓનો જોશ બન્ને જોવા મળ્યા હતા. અનેક લોકો દિલ્હી એનસીઆર, આસપાસના રાજ્યોમાંથી પણ ટ્રેનોમાં દિલ્હી પહોંચ્યા હતા, પોલીસે જંતર મંતરથી ત્રણથી પાંચ કિમી પહેલા જ અટકાયતો કરવાનું શરૂ કરી દીધુ હતું, જ્યારે કોકરોચ જનતા પાર્ટીના નેતા અભિજીત દિપકે, આશુતોષ રાંકા, સૌરવ દાસને વિમાનમાંથી જ અટકાયતમાં લઇ લેવામાં આવ્યા હતા.
આ પ્રદર્શનમાં જોડાયેલ યુટયુબર ધ્રુવ રાઠીને તેમના ઘરેથી અટકાયતમાં લઇ લેવાયા હતા. જ્યારે ડાબેરી વિદ્યાર્થી સંગઠન સાથે જોડાયેલ નેહા બોરાએ પ્રશાંત ભુષણ, યોગેન્દ્ર યાદવ સહિતના સાથે જંતર મંતરથી પાંચ કિમી દૂર રેલી કાઢી હતી. જોકે બાદમાં તમામ લોકોની પણ પોલીસ દ્વારા ટિંગાટોળી કરીને અટકાયત કરી લેવામાં આવી હતી. પ્રદર્શનકારી યુવાનોએ, કોકરોચ જનતા પાર્ટીએ રવિવારે પણ જંતર મંતર તરફ માર્ચની જાહેરાત કરી છે. શનિવારે દિવસભર પોલીસ યુવાનોની અટકાયત કરવા માટે આમ તેમ દોડતી જોવા મળી હતી.
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજી, ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી માણિક સરકાર, કેરળના પૂર્વ મુખ્યમંત્રી પિનરયી વિજયન પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. કેજરીવાલની પોલીસ દ્વારા ટિંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી, બાદમાં મમતા, વિજયન અને માણિક સરકારને પણ બસોમાં લઇ જવાયા હતા. સીપીઆઇ(એમ)ના જનરલ સેક્રેટરી એમ એ બેબી, વરીષ્ઠ ડાબેરી નેતા બ્રિંદા કરાત અને દિપાંકર ભટ્ટાચાર્ય વગેરેની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દિપકેએ અટકાયત સમયનો એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં તેઓ કહી રહ્યા છે કે અમે ગુનેગાર હોઇ એવી રીતે અમારી સાથે વર્તન કરાઇ રહ્યું છે, આવું તો ઇન્દિરા ગાંધીના સમયમાં પણ નહોતું જોવા મળ્યું. કેટલાક વિસ્તારોમાં પથ્થરમારાની ઘટના પણ સામે આવી હતી.
પ્રદર્શનમાં સામેલ થયેલ ડાબેરી સંગઠનના નેહા બોરા અને અન્ય યુવાનોની બળજબરીથી અટકાયત કરવા જતા એક ડીસીપી અનંત મિત્તલ ઘાયલ થઇ ગયા હતા. નવી દિલ્હી શનિવારે ખાખી કલરમાં ફેરવાયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો, જંતર મંતર તરફ જતા લગભગ તમામ રસ્તાઓ પર ૩૦ હજારથી વધુ પોલીસકર્મીઓ, અર્ધ સૈન્ય દળોના જવાનો તૈનાત કરાયા હતા. એટલુ જ નહીં ત્રણ કિમી વિસ્તારમાં બેરિકેડ્સ ખડકી દેવાયા હતા, કેટલાક બેરિકેડ્સને વેલ્ડિંગ લગાવીને અને રોડ પર નટ બ્લોટથી દિવાલની જેમ તૈનાત કરાયા હતા. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે નવી દિલ્હીમાંથી બે હજારથી વધુ જ્યારે સમગ્ર દિલ્હીમાંથી સાત હજારથી વધુ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
અનેક બસો પહેલાથી જ તૈયાર રખાઇ હતી જેમાં ભરી ભરીને પ્રદર્શનકારીઓને ડિટેન્શન સેન્ટર પર લઇ જવાયા હતા. હજુ જુલાઇ મહિનામાં જ દિલ્હીમાં જંતર મંતર પર એક મહિના સુધી જેન-ઝીએ આંદોલન ચલાવ્યું હતું અને ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણમંત્રી પદેથી રાજીનામુ આપવા મજબુર કર્યા હતા, જોકે હવે કરોડો મતદારોના નામ યાદીમાંથી હટાવાયા મુદ્દે ઘેરાયેલા અને વોટ ચોરીના આરોપોનો સામનો કરી રહેલા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમારને લઇને જેન-ઝી, વિપક્ષ રસ્તા પર ઉતરી રહ્યા છે. બહુ જ મોટી સંખ્યામાં સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ તેમજ અન્ય કોર્ટોના વકીલો પણ આ પ્રદર્શનમાં સામેલ થયા હતા, જેમની પણ અટકાયત કરાઇ હતી, એવી જ રીતે અનેક મીડિયાકર્મીઓ, સોશિયલ મીડિયાના પેજ ચલાવનારા મોબાઇલ પત્રકારોની પણ અટકાયત કરાઇ હતી. પત્રકારો અને વકીલોના સંગઠનો વિફર્યા હતા, એડિટર્સ ગિલ્ડે પત્રકારો સામે પગલા ના લેવા પોલીસને વિનંતી કરી હતી, જ્યારે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને વકીલોની અટકાયત બદલ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત પાસે મદદ માગી હતી. પોલીસ આખો દિવસ યુવાનોની અટકાયત કરવા માટે દોડતી રહી, અનેક યુવાનો દિલ્હીના ગુરુદ્વારામાં શરણ લેવા પહોંચી ગયા હતા જ્યાં પોલીસ માટે પ્રવેશ કરવો મુશ્કેલ થઇ ગયું હતું, જ્યારે અનેક યુવાનો અન્ય કેટલાક જાહેરો સ્થળોમાં ઘૂસીને પણ અટકાયતથી બચવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
૧૨૪ પૂર્વ આઇએએસ, આઇપીએસ સહિતના અધિકારીનું ચૂંટણી પંચ, સરને સમર્થન
નવી દિલ્હી : ૧૨૪ પૂર્વ આઇએએસ, આઇએફએસ, આઇપીએસ સહિતના અધિકારીઓએ ચૂંટણી પંચ અને મતદારોના વેરિફિકેશન માટેની પ્રક્રિયા એસઆઇઆરને સમર્થન જાહેર કર્યું હતું. એક ખુલ્લા પત્રમાં આ પૂર્વ અધિકારીઓએ કહ્યું હતું કે ચૂંટણીમાં જીત થાય તો જ સિસ્ટમ સારી છે તેવું ના કહી શકાય. સત્તાધારી ભાજપે આ જ ચૂંટણી પંચના નેજા હેઠળ યોજાયેલી કેટલીક ચૂંટણીઓમાં હાર મેળવી હતી જેમાં હિમાચલ, કર્ણાટક, તેલંગાણા, ઝારખંડ, જમ્મુ કાશ્મીરનો સમાવેશ થાય છે. જ્યારે લોકસભામાં બહુમત ગુમાવી હતી. જ્યારે ચૂંટણીમાં જીત થાય છે ત્યારે વિજેતા થયેલા ફરિયાદ નથી કરતા પણ હાર થાય ત્યારે ફરિયાદ કરવામાં આવે છે. માત્ર હારના આધારે સિસ્ટમ પર શંકા ના કરી શકાય. એસઆઇઆરની પ્રક્રિયા અયોગ્ય મતદારોને બહાર કરવા માટે છે. તેનાથી મતદાર યાદીમાં સુધારો થશે.




