India

જમુઈ છેડતી કેસ: નંદન યાદવને પકડવા ગયેલી પોલીસના હાથે ઝડપાયો 21 વર્ષથી ફરાર તેનો ‘હત્યારો’ પિતા

By GS Team
24 Sep 20263 mins read
TukuTouch Logo
બિહારના જમુઈ જિલ્લામાં, સગીરા સાથે બદસલૂકીના મુખ્ય આરોપી નંદન યાદવની ધરપકડ બાદ તેના પિતા ગનોરી યાદવને 2003ના બેવડા હત્યા કેસમાં ઝડપી લેવાયા છે. ગનોરી યાદવ વર્ષોથી ફરાર હતા. પોલીસે સ્પષ્ટ કર્યું કે તેમની ધરપકડ હાલના છેડતી કેસ નહીં, પરંતુ જૂના હત્યા કેસના વોરંટ આધારે થઈ છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જમુઈ છેડતી કેસ: નંદન યાદવને પકડવા ગયેલી પોલીસના હાથે ઝડપાયો 21 વર્ષથી ફરાર તેનો ‘હત્યારો’ પિતા

Jamui Molestation Case: Nandan Yadav’s Arrest Exposes Murderer Father : બિહારના જમુઈમાં સગીર વયના યુવક-યુવતીને રોકીને નિર્દયતાપૂર્વક છેડતી અને મારપીટના વાયરલ વીડિયોથી દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. જો કે, આ કેસની તપાસમાં બિહાર પોલીસને એક એવી સફળતા મળી જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ કેસના મુખ્ય આરોપી નંદન યાદવની ધરપકડ કરવા ગયેલી પોલીસના હાથે એક હત્યારો પણ ઝડપાયો છે, જે વર્ષ 2003થી એટલે કે છેલ્લા 21 વર્ષથી ડબલ મર્ડર કેસમાં ફરાર હતો. આ વ્યક્તિ એટલે બીજું કોઈ નહીં, પરંતુ નંદન યાદવનો પિતા ગનોરી યાદવ.

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોથી ખળભળાટ

જમુઈમાં લખીસરાઈ સરહદ નજીક 19 સપ્ટેમ્બરના રોજ કોચિંગ ક્લાસમાંથી પરત ફરી રહેલી 10મા ધોરણની એક સગીરા અને તેના મિત્રને કેટલાક અસામાજિક તત્ત્વોએ રસ્તામાં રોક્યા. આ લોકોએ સગીરા સાથે રસ્તા વચ્ચે ખુલ્લાઆમ છેડતી કરી, તેની સાથે જબરદસ્તી કરી, તેને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો અને બંને સગીર સાથે મારપીટ પણ કરી. આ યુવક-યુવતી તેઓને કરગરતા રહ્યા, પરંતુ અસામાજિક તત્ત્વોએ તે બંનેની લાચારીનો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. આ વીડિયો વાયરલ થતાં જ દેશભરમાં હોબાળો મચી ગયો અને પોલીસે SIT ની રચના કરી તાત્કાલિક તપાસ શરૂ કરી.

છેવટે એન્કાઉન્ટર અને આરોપી પુત્રની ધરપકડ

આ દરમિયાન પોલીસ ટીમે વાયરલ વીડિયોના આધારે તપાસ કરીને સૌપ્રથમ ત્રણ સગીરની અટકાયત કરી. ત્યારબાદ મુખ્ય આરોપી નંદન યાદવ અને તેના સાથીદાર હરેરામની શોધમાં તેમના ઘર સહિતના સ્થળે દરોડા પાડ્યા. આ દરમિયાન આરોપી નંદન યાદવે પોલીસ પર ગોળીબાર કરીને ભાગવાનો પ્રયાસ કર્યો, જેમાં પોલીસે વળતો જવાબ આપતા નંદનના પગમાં ગોળી વાગી. આ દરમિયાન તેનો સાથીદાર હરેરામે ભાગવાનો પ્રયાસ કર્યો, જેમાં તેના ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ. પોલીસે આ બંનેને હોસ્પિટલમાં દાખલ કરીને અટકાયત કરી છે.

… અને 21 વર્ષ જૂનો ડબલ મર્ડર કેસ ઉકેલાઈ ગયો

નંદન યાદવની ધરપકડ બાદ જમુઈ પોલીસે તેના પરિવારની પૃષ્ઠભૂમિની તપાસ શરૂ કરીને પૂછપરછ હાથ ધરી. ત્યારે પોલીસને ચોંકાવનારી માહિતી મળી કે, નંદનનો પિતા ગનોરી યાદવ કોઈ સામાન્ય નાગરિક નથી પરંતુ બિહાર પોલીસનો વૉન્ટેડ ગુનેગાર છે. પોલીસ રેકોર્ડ મુજબ, 3 એપ્રિલ 2003ના રોજ પ્રતાપપુર ગામમાં વ્યાપારિક વિવાદ અને જૂની અદાવતમાં ડી.પી. યાદવ અને પૂના યાદવ નામના બે સગા ભાઈની ગોળી મારીને હત્યા કરાઈ હતી. આ કેસમાં મૃતકની માતા સંસાર દેવીએ ગનોરી યાદવ સામે નામજોગ FIR પણ નોંધાવી હતી. આ હત્યાકાંડ બાદ ગનોરી યાદવ 21 વર્ષથી ફરાર હતો.

બે દાયકાથી ફરાર હત્યારો અચાનક ઝડપાયો

જમુઈ છેડતી કાંડમાં પોલીસે નંદન યાદવને પકડવા માટે તેના ઘરે દરોડો પાડ્યો, ત્યારે 21 વર્ષથી ફરાર ગનોરી યાદવ ઘરે જ ઝડપાઈ ગયો. પોલીસે નંદન યાદવ અને સાથીઓ સામે છેડતી અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી જેલ ભેગા કર્યા છે, જ્યારે તેના પિતા ગનોરી યાદવની 21 વર્ષ જૂના ડબલ મર્ડર કેસમાં ધરપકડ કરીને જેલહવાલે કરી દીધો છે.