India

ભાડાં વધાર્યા પણ સ્વચ્છ પાણી ક્યાં? રેલવે સ્ટેશનોના નળમાં ઝેરી બેક્ટેરિયા મળતાં CAG રિપોર્ટમાં ખૂલી સરકારની પોલ

By GS Team
16 Aug 20263 mins read
TukuTouch Logo
CAG રિપોર્ટ મુજબ, ભારતીય રેલવેના 512 સ્ટેશનોમાંથી 89% પર મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. 59 સ્ટેશનો પર પીવાના પાણીનું ટેસ્ટિંગ થયું નહોતું. મુંબઈના CSMT સહિત 6 ઝોનના સ્ટેશનો પર પાણીમાં E.coli અને કોલિફોર્મ બેક્ટેરિયા મળ્યા, જે ગંભીર બીમારીઓ નોતરી શકે છે. CAG એ તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા અને પાણીની ગુણવત્તા તથા સ્વચ્છતા સુનિશ્ચિત કરવા ભલામણ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાડાં વધાર્યા પણ સ્વચ્છ પાણી ક્યાં? રેલવે સ્ટેશનોના નળમાં ઝેરી બેક્ટેરિયા મળતાં CAG રિપોર્ટમાં ખૂલી સરકારની પોલ

Indian Railways CAG Report : ભારતીય રેલવેને દેશની 'જીવાદોરી' ગણવામાં આવે છે, જેમાં રોજેરોજ કરોડો મુસાફરો પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે સફર કરે છે. મુસાફરી દરમિયાન સ્ટેશન પર મળતું પીવાનું શુદ્ધ પાણી અને સ્વચ્છ શૌચાલય એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. પરંતુ, શું તમે જાણો છો કે સ્ટેશનના નળ કે વોટર કુલરમાંથી જે પાણી પીઓ છો, તે તમને ગંભીર બીમારીઓ તરફ ધકેલી શકે છે? સંસદમાં રજૂ થયેલા ‘કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ’ (CAG)ના તાજેતરના અહેવાલે રેલવે તંત્રના દાવાઓની પોલ ખોલી નાખી છે અને મુસાફરોના સ્વાસ્થ્ય સામે ઊભા થયેલા મોટા જોખમને ઉજાગર કર્યું છે.

CAG ઓડિટ અને નિયમોની અવગણના

CAG દ્વારા વર્ષ 2019-20 થી 2023-24 દરમિયાન દેશભરના 512 બિન-ઉપનગરીય (Non-suburban) સ્ટેશનોનું વિસ્તૃત ઓડિટ કરવામાં આવ્યું હતું. ‘ભારતીય રેલ્વેમાં બિન-ઉપનગરીય રેલ્વે સ્ટેશનો પર મુસાફરોની સુવિધાઓ અને સ્વચ્છતા’ શીર્ષક ધરાવતો આ રિપોર્ટ નીચે મુજબની વિગતો આપે છે.

  • રેલવે બોર્ડે મુસાફરોની માળખાગત સુવિધાઓ માટે સ્પષ્ટ અને કડક માર્ગદર્શિકા નક્કી કરી હતી, પરંતુ પ્રાદેશિક રેલવે ઝોન તેનું અમલીકરણ કરવામાં નિષ્ફળ રહ્યા છે.
  • ભારે બેદરકારીની હદ તો ત્યાં જોવા મળી છે કે 6 અલગ-અલગ ઝોનના 59 સ્ટેશનો પર પીવાના પાણીનું જરૂરી બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટિંગ પણ ક્યારેય કરવામાં આવ્યું ન હતું.

પીવાના પાણીમાં ઝેરી બેક્ટેરિયા મળ્યા!

ઓડિટ દરમિયાન લેવાયેલા પાણીના નમૂનાઓની ચકાસણીમાં માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી એવા ‘ઇ. કોલી’ અને 'ટોટલ કોલિફોર્મ' નામના બેક્ટેરિયા મળી આવ્યા છે. આ બેક્ટેરિયા સીધા પાચનતંત્ર પર હુમલો કરીને ઝાડા, ઉલટી, પેટમાં ગંભીર ચેપ અને અન્ય જીવલેણ રોગો ફેલાવે છે.

કયા સ્ટેશનો પર બેક્ટેરિયા યુક્ત દૂષિત પાણી મળ્યું?

  • પશ્ચિમ અને મધ્ય ઝોન: મુંબઈનું ઐતિહાસિક અને અતિ વ્યસ્ત છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT), કલ્યાણ, લોનાવાલા અને ભિવંડી રોડ સ્ટેશન.
  • દક્ષિણ ઝોન: તમિલનાડુનું કોઈમ્બતુર અને કેરળનું પલક્કડ જંકશન.
  • દક્ષિણ-મધ્ય ઝોન: હૈદરાબાદ સ્ટેશન.
  • પૂર્વ ઝોન: માધુપુર સ્ટેશન.
    આ ઉપરાંત, વર્ષ 2022-23 માં 8 ઝોનના 49 સ્ટેશનો પર અને વર્ષ 2023-24 માં 9 ઝોનના 56 સ્ટેશનો પર પ્લેટફોર્મના નળના પાણીમાં કોલિફોર્મ બેક્ટેરિયાની હાજરી નોંધાઈ હતી.

89% સ્ટેશનો બેસિક સુવિધાઓથી વંચિત

રેલવે બોર્ડે એપ્રિલ 2018 માં આદેશ આપ્યો હતો કે ઓગસ્ટ 2018 સુધીમાં દરેક સ્ટેશન પર બેઠક વ્યવસ્થા, શેડ, સ્વચ્છ શૌચાલય, પંખા, ફૂટ ઓવરબ્રિજ, વોટર કુલર અને ટ્રેન ડિસ્પ્લે બોર્ડ જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી. જોકે, વાસ્તવિકતા તદ્દન વિપરીત છે.

  • તપાસ કરાયેલા 512 સ્ટેશનોમાંથી 458 સ્ટેશનો (આશરે 89%) પર આ બેસિક સુવિધાઓનો સદંતર અભાવ હતો અથવા તે નિર્ધારિત ધોરણો કરતાં ઘણી નીચી ગુણવત્તાની હતી.
  • દેશના પ્રીમિયમ ગણાતા 'NSG-1' (Non-Suburban Grade-1) શ્રેણીના અગ્રણી સ્ટેશનો (જેમ કે નવી દિલ્હી, હાવડા, સિયાલદાહ, મુંબઈ સેન્ટ્રલ અને CSMT) પર પણ બેઠકો, પંખા, વોટર કુલર, કચરાપેટી અને માહિતી બોર્ડ ખરાબ હાલતમાં અથવા ગેરહાજર જણાયા હતા. (NSG-1 એટલે એવા સ્ટેશનો જ્યાં વાર્ષિક મુસાફરોની સંખ્યા 2 કરોડથી વધુ હોય અને વાર્ષિક પેસેન્જર કમાણી ₹500 કરોડથી વધુ હોય. અહેવાલ મુજબ, આવા સ્ટેશનો પર પણ યોગ્ય સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે.)
  • પેસેન્જર એમેનિટીઝ મેનેજમેન્ટ સિસ્ટમના ડેટા જોઈએ.
  • 2,035 સ્ટેશનો પર નળના પાણીની કમી છે.
  • 403 સ્ટેશનો પર પેશાબઘરની યોગ્ય વ્યવસ્થા નથી.
  • 201 સ્ટેશનો પર નિર્ધારિત ધોરણ કરતાં શૌચાલયોની સંખ્યા ખૂબ ઓછી છે.
  • મોટાભાગના શૌચાલયો ગંદકી અને જાળવણીના અભાવે ઉપયોગ કરવા લાયક રહ્યા નથી.

CAG ની કડક ચેતવણી અને ભલામણો

દેશના કરોડો નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને CAG એ રેલવે વહીવટીતંત્ર અને રેલવે મંત્રાલયને તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા તાકીદ કરી છે.

  1. દેશભરમાં એક સમાન 'યુનિફોર્મ ડ્રિંકિંગ વોટર ક્વોલિટી પ્રોટોકોલ' લાગુ કરવામાં આવે.
  2. સ્ટેશનોની તમામ પાણી પુરવઠા પાઇપલાઇનો, ટાંકીઓ અને વોટર કુલર્સની નિયમિત સફાઈ અને ગુણવત્તાની કડક ચકાસણી થાય.
  3. સ્ટેશનો પર શૌચાલયોની નિયમિત સફાઈ અને માળખાકીય સુવિધાઓની જાળવણી સુનિશ્ચિત કરવામાં આવે, જેથી મુસાફરોને સલામત, સ્વચ્છ અને રોગમુક્ત વાતાવરણ મળી રહે.