Explainer: ખાંડની શોધ ભારતમાં થઈ હતી, જાણો આપણા દેશમાંથી દુનિયાભરમાં કેવી રીતે પહોંચી ‘ખાંડ’ની મીઠાશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

History of Sugar: સવારની ચા હોય, તહેવારોની મીઠાઈ હોય કે પછી કોઈ ખુશીનો પ્રસંગ, ખાંડ વિના આપણું જીવન અધૂરું લાગે છે. મીઠાશ આપતી ખાંડ આપણા રોજિંદા જીવનનું અભિન્ન અંગ બની ગઈ છે. આજે ભારત ખાંડના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા ક્રમે છે, પરંતુ હાલમાં દેશમાં ખાંડના વધતા ભાવ ચર્ચાનો વિષય બન્યા છે. એ મુદ્દો ઘડીક બાજુ પર મૂકીને મોંઘવારીનો માર ખાઈ રહેલી ખાંડનો ઇતિહાસ ઉવેખીએ તો પ્રશ્ન થાય કે, ખાંડની શોધ ક્યાં થઈ હતી? શું ખાંડ બનાવવાની શરૂઆત ભારતમાં થઈ હતી અને ત્યાંથી તે પર્શિયા, આરબ દેશો અને યુરોપ પહોંચી હતી? ચાલો, આજે ખાંડના રસપ્રદ ઇતિહાસ અને તેની વૈશ્વિક સફર પર એક નજર નાંખીએ.
ખાંડના ભાવ કાબૂમાં લાવવા બ્રાઝિલથી આયાત
હાલના સમયમાં દેશમાં ખાંડના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં જ દેશના વિવિધ ભાગોમાં ખાંડના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 20થી 24 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. સામાન્ય માણસને આ મોંઘવારીથી રાહત આપવા માટે સરકારે બ્રાઝિલથી ખાંડ આયાત કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એવી અપેક્ષા છે કે ઑક્ટોબર મહિનાના મધ્ય સુધીમાં બ્રાઝિલની ખાંડ ભારતીય બંદરો પર પહોંચી જશે, જેનાથી બજારમાં ખાંડનો પુરવઠો વધશે અને ભાવો નિયંત્રણમાં આવી શકશે.
ખાંડ બનાવવાની શરૂઆત ક્યાં થઈ હતી?
ભારતમાં શેરડીની ખેતીનો ઇતિહાસ 2000થી 3000 વર્ષ જૂનો છે. શરૂઆતમાં શેરડીની પ્રારંભિક જાતો દક્ષિણ-પૂર્વ એશિયા અને પેસિફિક ટાપુઓમાં જોવા મળતી હતી, જ્યાં લોકો માત્ર શેરડી ચાવીને તેનો મીઠો રસ માણતા હતા.
પરંતુ, શેરડીનો રસ કાઢીને, તેને ઉકાળીને, તેમાંથી ઘન અને દાણાદાર (સ્ફટિક) ખાંડ બનાવવાની પદ્ધતિનો વિકાસ સૌપ્રથમ ભારતમાં જ થયો હતો. ભારતીય ખેડૂતો અને કારીગરોએ રસને લાંબા સમય સુધી સાચવવાની અને તેમાંથી ગોળ તથા ખાંડ બનાવવાની કળા વિકસાવી, જે ખાંડના ઇતિહાસમાં એક મોટી ક્રાંતિ હતી.
પ્રાચીન ભારતમાં ખાંડનું મહત્ત્વ અને નામકરણ
પ્રાચીન ભારતીય ગ્રંથોમાં શેરડીનો ઉલ્લેખ જોવા મળે છે. સંસ્કૃત ભાષામાં શેરડીને 'ઇક્ષુ' કહેવામાં આવે છે. પ્રાચીન સમયમાં ખાંડ માટે 'શાર્ક' અથવા 'શર્કરા' શબ્દ વપરાતો હતો, જેનો મૂળ અર્થ નાના કાંકરા અથવા સ્ફટિક એવો થાય છે. અંગ્રેજી શબ્દ 'Sugar' (સુગર) પણ આ પ્રાચીન ભારતીય શબ્દ 'શર્કરા' પરથી જ ઉતરી આવ્યો છે.
આયુર્વેદમાં શેરડીનો રસ, ગોળ અને તેમાંથી બનતી વસ્તુઓનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે પ્રાચીન ભારતમાં તેનો ઉપયોગ માત્ર મીઠાશ માટે જ નહીં, પરંતુ એક ઔષધિ તરીકે પણ થતો હતો.
હિન્દી શબ્દ 'ચીની' પાછળનું સત્ય
આજે પણ અનેક લોકોને ગેરસમજ છે કે હિન્દીમાં ખાંડને 'ચીની' કહેવાય છે, તેથી તેની શોધ ચીનમાં થઈ હશે. પરંતુ આ વાત તદ્દન ખોટી છે. ભારતમાં દાણાદાર ખાંડનું ઉત્પાદન પ્રાચીન સમયથી થતું આવ્યું છે. 'ચીની' શબ્દ કદાચ ચીન સાથેના જૂના વેપારી સંબંધો અથવા ખાંડને શુદ્ધ કરવાની અમુક ચીની પદ્ધતિઓ પરથી આવ્યો હોઈ શકે, પરંતુ ખાંડની શોધ માત્ર નામના આધારે ચીન સાથે જોડી શકાય નહીં.
ભારતથી પર્શિયા સુધી મીઠાશની સફર
ભારતમાં બનતો ગોળ અને ખાંડ ધીમે ધીમે વેપારીઓ મારફતે અન્ય દેશોમાં પહોંચવા લાગ્યા. ભારત અને પર્શિયા (આજનું ઈરાન) વચ્ચે ખૂબ જૂના વેપારી સંબંધો હતા. છઠ્ઠી અને સાતમી સદીની આસપાસ, મસાલા અને કાપડની સાથે શેરડીની ખેતી અને ખાંડ બનાવવાની ભારતીય પદ્ધતિ પર્શિયા પહોંચી. પર્શિયન શાસકોએ ભારતમાંથી શેરડીની જાતો આયાત કરી. ત્યાંના કારીગરોએ ભારતીય જ્ઞાનને અપનાવ્યું અને પોતાની સ્થાનિક પરિસ્થિતિ મુજબ તેનો વધુ વિકાસ કર્યો.
પર્શિયાથી આરબ દુનિયામાં પ્રવેશ
ખાંડ બનાવવાની કળા પર્શિયાથી આરબ પ્રદેશોમાં પ્રવેશી. આરબ ખેડૂતોએ ઇરાક, સીરિયા, ઇજિપ્ત અને ઉત્તર આફ્રિકાના વિસ્તારોમાં શેરડીની ખેતી મોટા પાયે શરૂ કરી. શેરડીના પાકને વધુ પાણીની જરૂર પડતી હોવાથી આરબોએ નહેરો બનાવી અને સિંચાઈ પદ્ધતિઓમાં સુધારા કર્યા. તેમણે ખાંડના નાના નાના કારખાનાઓ બનાવ્યા જેને પરિણામે શેરડીના રસનું સ્ફટિકીકરણ વધુ વ્યવસ્થિત અને મોટા પાયે થવા લાગ્યું.
આરબ દેશોથી યુરોપ સુધીનો પ્રવાસ
આરબ વેપારીઓ ભૂમધ્ય સમુદ્રના રસ્તે ખાંડને યુરોપ લઈ ગયા. જોકે, શરૂઆતના સમયમાં યુરોપમાં ખાંડ એક અત્યંત મોંઘી અને દુર્લભ વસ્તુ માનવામાં આવતી હતી. તેનો ઉપયોગ માત્ર રાજા-મહારાજાઓ, શ્રીમંતોની મિજબાનીઓ અને દવાઓમાં જ થતો હતો. પાછળથી વસાહતી કાળ (Colonial era) દરમિયાન ખાંડનું મોટા પાયે ઉત્પાદન શરૂ થયું અને ધીમે ધીમે તે સામાન્ય લોકોના રસોડા સુધી પહોંચી ગઈ.
ખાંડ ઉત્પાદનમાં ટોપ 5 દેશો કયા?
દુનિયાના ટોપ 5 ખાંડ ઉત્પાદક દેશ નીચે મુજબ છે.
- બ્રાઝિલ: 4.25 કરોડ ટન
- ભારત: 3.36 કરોડ ટન
- ચીન: 1.27 કરોડ ટન
- થાઇલૅન્ડ: 95 લાખ ટન
- સંયુક્ત રાજ્ય અમેરિકા: 79.93 લાખ ટન
ખાંડનો સૌથી વધુ વપરાશ કરતો દેશ કયો?
- કુલ વપરાશની દૃષ્ટિએ જોઈએ તો ભારત દુનિયામાં સૌથી વધુ ખાંડનો વપરાશ કરતો દેશ છે. વધુ વસ્તી અને ખાનપાનમાં મીઠાશના બહોળા ઉપયોગને કારણે ભારતમાં વાર્ષિક અંદાજે 31 મિલિયન મેટ્રિક ટન (3.1 કરોડ ટન) ખાંડ વપરાય છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.
- ઘરેલુ ખપત વધારે હોવાથી અન્ય દેશોની સરખામણીમાં ભારત ખાંડની નિકાસ ઓછી કરે છે.
- વ્યક્તિદીઠ વપરાશની દૃષ્ટિએ જોઈએ તો અમેરિકા પહેલા નંબરે આવે છે. અમેરિકામાં એક વ્યક્તિ રોજની સરેરાશ 126.4 ગ્રામ ખાંડ ખાય છે. આ યાદીમાં બીજા ક્રમે જર્મની (102.9 ગ્રામ) અને ત્રીજા ક્રમે નેધરલૅન્ડ્સ (102.5 ગ્રામ) આવે છે.
- અમેરિકા શેરડી ઉપરાંત બીટમાંથી પણ ખાંડ બનાવે છે
ભારતમાં ખાંડના ઉત્પાદનમાં કયા રાજ્યો અગ્રસર?
વર્ષ 2025–26ના આંકડા મુજબ ભારતમાં શેરડીના ઉત્પાદનમાં સૌથી અગ્રેસર રાજ્ય મહારાષ્ટ્ર છે. ગુજરાત ચોથા નંબરે આવે છે.
- મહારાષ્ટ્ર - 99.20 લાખ ટન ઉત્પાદન
- ઉત્તર પ્રદેશ - 89.20 લાખ ટન ઉત્પાદન
- કર્ણાટક - 48.00 લાખ ટન ઉત્પાદન
- ગુજરાત - 13.71 લાખ ટન ઉત્પાદન
- તમિલનાડુ - 13.35 લાખ ટન ઉત્પાદન




