India

Explainer: રિઝર્વ બેંકે VRRR થકી રૂ. 3.93 લાખ કરોડની લિક્વિડિટી પાછી ખેંચી, સમજો શું છે આ નિલામી

By GS Team
15 Sep 20262 mins read
TukuTouch Logo
ભારતીય રિઝર્વ બેંકે 15 સપ્ટેમ્બરે VRRR નિલામી દ્વારા બેંકિંગ સિસ્ટમમાંથી રૂ. 3,93,352 કરોડની લિક્વિડિટી સફળતાપૂર્વક એકત્ર કરી. 5.24% ના કટ-ઓફ રેટ પર બોલીઓ સ્વીકારાઈ. RBIનો હેતુ વધારાની રોકડ પાછી ખેંચી ઓવરનાઈટ મની માર્કેટ રેટ્સને રેપો રેટ સમકક્ષ લાવવાનો છે, જેથી મોંઘવારી નિયંત્રણમાં રહે અને બજારમાં પૈસાના સપ્લાય-ડિમાન્ડમાં સંતુલન જળવાય.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: રિઝર્વ બેંકે VRRR થકી રૂ. 3.93 લાખ કરોડની લિક્વિડિટી પાછી ખેંચી, સમજો શું છે આ નિલામી

The Logic Behind RBI's VRRR Auction : ભારતીય રિઝર્વ બેંકે વેરિયેબલ રેટ રિવર્સ રેપો (VRRR) નિલામી દ્વારા 15 સપ્ટેમ્બરે બેંકિંગ સિસ્ટમમાંથી રૂ. 3,93,352 કરોડની લિક્વિડિટી (રોકડ/સરપ્લસ ફંડ) એકત્ર કરી હતી. આરબીઆઈના જણાવ્યાનુસાર, આરબીઆઈએ રૂ. 5 લાખ કરોડની નોટિફાઇડ રકમ માટે આ નિલામી કરી હતી, જેની સામે રૂ. 3,93,352 કરોડની બોલી મળી હતી. આ તમામ બોલીને 5.24 ટકાના 'કટ-ઓફ' રેટ અને વેટિડ એવરેજ રેટ પર સ્વીકારાઈ હતી.

બેંકિંગ સિસ્ટમની સરપ્લસ લિક્વિડિટી પાછી ખેંચવાનો હેતુ

બેંકિંગ સિસ્ટમમાં રહેલી વધારાની રોકડ (સરપ્લસ લિક્વિડિટી) પાછી ખેંચવા અને ઓવરનાઈટ મની માર્કેટના રેટ્સને રેપો રેટની સમકક્ષ લાવવા માટે RBI છેલ્લા એક મહિનાથી સતત આવા VRRR ઓક્શન કરી રહ્યું છે. એક અનુમાન મુજબ, 11 સપ્ટેમ્બર સુધી બેંકિંગ સિસ્ટમમાં આશરે રૂ. 10.73 લાખ કરોડની સરપ્લસ લિક્વિડિટી હતી.
VRRR નિલામી ઉપરાંત, આરબીઆઈએ સરકારી જામીનગીરીઓ (ગવર્મેન્ટ સિક્યોરિટીઝ)ના વેચાણ માટે ગયા અઠવાડિયે રૂ. 1 લાખ કરોડના ઓપન માર્કેટ ઓપરેશનની પણ જાહેરાત કરી છે. આ ઓપરેશન ત્રણ તબક્કામાં યોજાશે, જેમાંથી પહેલું ઓક્શન 17 સપ્ટેમ્બરે થશે.

VRRR નિલામી શું છે તે પણ સમજો

સાદી ભાષામાં સમજીએ તો જેવી રીતે આપણે આપણી વધારાની બચત બેંકમાં મૂકીએ છીએ અને બેંક આપણને વ્યાજ આપે છે. એવી જ રીતે, એસબીઆઈ, એચડીએફસી સહિતની બેંકો પાસે ઘણું બધું વધારાનું ફંડ કે રોકડ જમા થઈ જાય, ત્યારે તેઓ તે પૈસા સુરક્ષિત રીતે આરબીઆઈ પાસે જમા કરાવે છે અને તેના પર વ્યાજ કમાય છે.
VRRR એક એવું સાધન છે જેના દ્વારા આરબીઆઈ વિવિધ બેંકો પાસેથી ટૂંકા ગાળા (જેમ કે 1 થી 14 દિવસ) માટે વ્યાજ દરે વધારાના પૈસા ઉધાર લે છે. અહીં વ્યાજનો દર ફિક્સ હોવાને બદલે બોલી (Bidding) દ્વારા નક્કી થાય છે.

આ રીતે પૈસા લેવા પાછળનો આરબીઆઈનો હેતુ

જો માર્કેટમાં બેંકો પાસે વધુ પડતા પૈસા પડ્યા રહેશે, તો લોન વધુ સસ્તી થશે અને માર્કેટમાં મની સપ્લાય વધી જશે, જેનાથી મોંઘવારી વધી શકે છે. આ રીતે, આરબીઆઈ ફુગાવો નિયંત્રણમાં રાખે છે. આ ઉપરાંત બજારમાં પૈસાના સપ્લાય અને ડિમાન્ડ વચ્ચે સંતુલન જાળવવા માટે આરબીઆઈ ઓવરફ્લો થતી રોકડને પાછી ખેંચી લે છે.