Explainer: શું રાજ્યસભા ધનિકોનું ‘રાજકીય સ્વર્ગ’ છે? 12 વર્ષ પહેલાં ચાર અબજોપતિ સાંસદ હતા, હવે 31 છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajya Sabha: The New Billionaires' Club? : લોકશાહીના મંદિરમાં રાજ્યસભાને 'ઉપલું ગૃહ' (Upper House) કહેવામાં આવે છે, જ્યાં દેશના બુદ્ધિજીવીઓ, નિષ્ણાતો અને અનુભવી નેતાઓ બેસે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ ગૃહનું ચિત્ર ઝડપથી બદલાયું છે. દેશનું પ્રતિનિધિત્વ કરતું આ ગૃહ હવે ધીમે ધીમે શ્રીમંતો અને અબજોપતિઓ માટે 'રાજકીય સ્વર્ગ' બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરના આંકડા દર્શાવે છે કે રાજ્યસભામાં પહોંચવા માટે બૌદ્ધિક ક્ષમતાની સાથે સાથે આર્થિક તાકાત પણ એક મોટું પાસું બની ગઈ છે. છેલ્લા 12 વર્ષમાં રાજ્યસભાના સાંસદોની સંપત્તિમાં તોતિંગ ઉછાળો આવ્યો છે.
વધી રહી છે 100 કરોડ ક્લબના સભ્યોની સંખ્યા
‘ઍસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ’ (ADR) અને ‘નેશનલ ઇલેક્શન વોચ’ (NEW) દ્વારા જૂન 2026 માં રજૂ કરવામાં આવેલો રિપોર્ટ ચોંકાવનારો છે. રિપોર્ટ અનુસાર, રાજ્યસભામાં 100 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ધરાવતા સાંસદોની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. વર્ષ 2014માં આ '100 કરોડ ક્લબ'માં માત્ર 4 સાંસદ હતા. આ આંકડો 2018માં વધીને 6 થયો. જૂન 2026માં 31 સાંસદ એવા છે જેમની જાહેર કરેલી સંપત્તિ 100 કરોડથી વધુ છે. આ રિપોર્ટમાં રાજ્યસભાના કુલ 233 સાંસદોમાંથી 226 સાંસદોના ચૂંટણી સોગંદનામાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળની 4 બેઠકો ખાલી હોવાથી અને અન્ય 3 સાંસદો (દેવેન્દ્ર પ્રતાપ સિંહ, જી. સી. ચંદ્રશેખર અને એસ. સેલ્વાગણપતિ)ના સોગંદનામા ઉપલબ્ધ ન હોવાથી તેમનો આ રિપોર્ટમાં સમાવેશ થઈ શક્યો નથી.
રાજ્યસભાનો દર 7મો સાંસદ અબજોપતિ
આંકડાઓનું વિશ્લેષણ કરતાં સ્પષ્ટ થાય છે કે વર્તમાન રાજ્યસભાના 226માંથી 31 સાંસદો (એટલે કે 14%) 100 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિના માલિક છે. સરળ શબ્દોમાં કહીએ તો, રાજ્યસભાનો દર સાતમો સાંસદ અત્યંત ધનિક શ્રેણીમાં આવે છે. આ તમામ 226 સાંસદોની સંપત્તિની સરેરાશ કાઢવામાં આવે તો તે 115.25 કરોડ રૂપિયા થાય છે, જે ગૃહની ઉચ્ચ નાણાકીય પ્રોફાઇલ દર્શાવે છે. જોકે, અમુક અત્યંત ધનિક સાંસદોના કારણે આ સરેરાશ આંકડો આટલો ઊંચો ગયો છે.
સૌથી વધુ સંપત્તિ ધરાવતા ટોચના 5 સાંસદો
- ડૉ. બંદી પાર્થસારથી રેડ્ડી (BRS, તેલંગાણા): આશરે 5,300 કરોડ રૂપિયા
- રાજિન્દર ગુપ્તા (ભાજપ, પંજાબ): આશરે 5,053 કરોડ રૂપિયા
- ડૉ. અભિષેક મનુ સિંઘવી (કોંગ્રેસ, તેલંગાણા): આશરે 2,558 કરોડ રૂપિયા
- જયા અમિતાભ બચ્ચન (સમાજવાદી પાર્ટી, યુપી): 1,578 કરોડ રૂપિયા
- પરિમલ નથવાણી (અપક્ષ, ઝારખંડ): 755 કરોડ રૂપિયા
આ ઉપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અપક્ષ સાંસદ કપિલ સિબ્બલ 608 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સાતમા સ્થાને છે.
અબજોપતિ સાંસદોના પક્ષવાર આંકડા, કયા પક્ષમાં કેટલા ધનિક નેતાઓ છે?
- ભાજપના 107માંથી 7 સાંસદ (7%) 100 કરોડથી વધુ સંપત્તિ ધરાવે છે.
- કોંગ્રેસના 29માંથી 6 સાંસદ (21%) 100 કરોડથી વધુ સંપત્તિ ધરાવે છે.
- પ્રાદેશિક પક્ષોમાં આંધ્રપ્રદેશની YSRCP(યુવાજન શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી)ના 4માંથી 2 (50%)
- આંધ્રપ્રદેશની TDP(તેલુગુ દેશમ પાર્ટી)ના 4માંથી 2 (50%)
- તેલંગાણાની BRS(ભારત રાષ્ટ્ર સમિતિ)ના 3માંથી 2 (67%)
- મહારાષ્ટ્રની NCP(નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી)ના 4માંથી 2 (50%) સાંસદ 100 કરોડથી વધુ સંપત્તિ ધરાવે છે.
રસપ્રદ વાત એ છે કે ગૃહના ચારેય (100%) અપક્ષ સાંસદો 100 કરોડથી વધુ સંપત્તિ ધરાવે છે.
કયા રાજ્યના સાંસદ સૌથી વધુ ધનિક?
રાજ્યો પ્રમાણે જોઈએ તો તેલંગાણા અને આંધ્રપ્રદેશના સાંસદો પાસે સૌથી વધુ સંપત્તિ છે.
- તેલંગાણાના 7માંથી 4 સાંસદ (57%) અને આંધ્રપ્રદેશના 11માંથી 5 સાંસદ (45%) 100 કરોડના ક્લબમાં છે.
- રાજ્યસભાના તમામ 226 સાંસદોની કુલ સંપત્તિ આશરે 26,047 કરોડ રૂપિયા છે. આશ્ચર્યની વાત એ છે કે તેમાંથી 39% હિસ્સો એટલે કે આશરે 10,259 કરોડ રૂપિયા માત્ર તેલંગાણા (8,310 કરોડ) અને આંધ્રપ્રદેશ(1,949 કરોડ)ના 18 સાંસદો પાસે છે.
- અન્ય રાજ્યોની સ્થિતિ જોઈએ તો ઓડિશાના 30%, પંજાબના 29% અને ગુજરાતના 18%(11માંથી 2) સાંસદો આ યાદીમાં છે.
- યુપીના 31માંથી 4, મહારાષ્ટ્રના 19માંથી 3 અને તમિલનાડુના 18માંથી 2 સાંસદો અબજોપતિ છે.
- હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઝારખંડમાં પણ 1-1 સાંસદ આ શ્રેણીમાં છે.
આ ફેરફાર શું દર્શાવે છે?
વર્ષ 2018માં સાંસદોની સરેરાશ સંપત્તિ 55.62 કરોડ રૂપિયા હતી, જે 2026માં બમણાથી પણ વધુ (115.25 કરોડ) થઈ ગઈ છે. આ ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે રાજ્યસભામાં અત્યંત ધનિકોનું વર્ચસ્વ વધી રહ્યું છે. જોકે, તેનો અર્થ એવો નથી કે રાજ્યસભામાં પહોંચવા માટે માત્ર પૈસા જ એકમાત્ર લાયકાત છે. આ સાંસદો અલગ-અલગ ઉદ્યોગો, વ્યવસાય અને સામાજિક પૃષ્ઠભૂમિમાંથી આવે છે. પરંતુ સંસદમાં ઉદ્યોગપતિઓ અને શ્રીમંતોની વધતી હાજરી એ ભારતીય રાજકારણની એક નવી અને મહત્ત્વપૂર્ણ પેટર્ન ચોક્કસ બની ગઈ છે.




