India

Explainer: વૈવાહિક બળાત્કાર ગુનો કે અપવાદ? જાણો ‘મેરિટલ રેપ’ અંગે સુપ્રીમ કોર્ટ અને સરકારનો મત

By GS Team
10 Sep 20263 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટ ટૂંક સમયમાં 'વૈવાહિક બળાત્કાર'ને ગુનો ગણવો કે નહીં તે અંગે ઐતિહાસિક સુનાવણી કરશે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે લગ્નથી સ્ત્રીની વ્યક્તિગત સ્વતંત્રતાનો અંત આવતો નથી. કેન્દ્ર સરકાર હાલના કાયદામાં ફેરફાર કરવા માંગતી નથી, કારણ કે તેનાથી સામાજિક માળખું ખોરવાઈ શકે છે. સરકારને કાયદાના દુરુપયોગનો પણ ડર છે. સૌની નજર સુપ્રીમ કોર્ટના આગામી ચુકાદા પર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: વૈવાહિક બળાત્કાર ગુનો કે અપવાદ? જાણો ‘મેરિટલ રેપ’ અંગે સુપ્રીમ કોર્ટ અને સરકારનો મત

Marital Rape Laws in India: Supreme Court vs Government Stance : લગ્ન એ બે વ્યક્તિઓ વચ્ચેનો પવિત્ર સંબંધ છે, એક એવો સંબંધ જેમાં શારીરિક આનંદની પૂર્તિ જરૂરી ગણાય છે. પરંતુ શું લગ્ન પછી સ્ત્રીને 'ના' કહેવાનો અધિકાર જ નથી હોતો? શું કમને પણ એણે ધરાર શારીરિક સંબંધમાં જોડાવું જ પડે? આ જ સળગતો પ્રશ્ન અત્યારે દેશની સર્વોચ્ચ અદાલત સમક્ષ છે. સુપ્રીમ કોર્ટ ટૂંક સમયમાં 'વૈવાહિક બળાત્કાર' (પતિ દ્વારા પત્ની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવો) ને ગુનો ગણવો કે નહીં, તે મુદ્દે એક ઐતિહાસિક સુનાવણી કરવા જઈ રહી છે.

શું છે સુપ્રીમ કોર્ટનો અભિગમ?

ઓક્ટોબર મહિનામાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જે. બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની બેન્ચ આ મામલે સુનાવણી કરશે. કોર્ટે સ્પષ્ટપણે નોંધ્યું છે કે લગ્ન થવાથી સ્ત્રીની વ્યક્તિગત સ્વતંત્રતાનો અંત આવતો નથી. કોર્ટ મુખ્યત્વે બે પાસાઓ પર વિચાર કરશે.

  1. શું વર્તમાન કાયદાઓ હેઠળ પણ કોઈ ચોક્કસ કેસમાં પતિ સામે બળાત્કારનો ગુનો નોંધી શકાય?
  2. હાલનો જે કાયદો પતિને બળાત્કારના કેસમાંથી મુક્તિ આપે છે, શું તે ભારતીય બંધારણની વિરુદ્ધ છે?
    કોર્ટ એ પણ તપાસશે કે જો પતિ પત્ની પર ઘરેલુ હિંસા કરે તો તેને સજા થાય છે, તો પછી બળાત્કારના કિસ્સામાં તેને કેમ મુક્તિ અપાય છે?

વર્તમાન કાયદો શું કહે છે?

ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 375 અને ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 63 હેઠળ બળાત્કારની વ્યાખ્યા કરાઈ છે. આ કાયદા મુજબ જો કોઈ પુરુષ સ્ત્રીની ઇચ્છા વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધે અથવા તેના ગુપ્ત ભાગમાં કોઈ વસ્તુ દાખલ કરે, તો તે બળાત્કાર ગણાય છે. પરંતુ આ કાયદામાં 2 અપવાદ (છૂટછાટ) છે.

  • પહેલો અપવાદ: તબીબી (મેડિકલ) પ્રક્રિયા માટે જરૂરી હોય તો તેને બળાત્કાર ગણાશે નહીં. એટલે કે, બિમાર કે ગર્ભવતીની શારીરિક તપાસ માટે ડોક્ટર એના ગુપ્તાંગને સ્પર્શે કે એની અંદર કોઈ મેડિકલ સાધન દાખલ કરે તો એને બળાત્કાર ન ગણી શકાય.
  • બીજો અપવાદ (મુખ્ય વિવાદ): જો પતિ તેની 18 વર્ષથી વધુ ઉંમરની પત્ની સાથે સંબંધ બાંધે, તો તેને કાયદાની નજરમાં બળાત્કાર ના ગણાય. અરજદારો આ 'અપવાદ 2' ને નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે.

આ ચર્ચાની શરૂઆત શા માટે થઈ?

વર્ષ 2022 માં હાઈકોર્ટે વૈવાહિક બળાત્કારના કેસમાં વિભાજિત (અલગ-અલગ) ચુકાદો આપ્યો હતો, જેના પછી આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. નેશનલ હેલ્થ ફેમિલી સર્વેનો એક ચોંકાવનારો આંકડો પણ આ કેસમાં મહત્ત્વનો છે, જેમાં 16 માંથી 1 પરિણીત મહિલાએ સ્વીકાર્યું હતું કે તેમના પતિઓએ તેમના પર જાતીય હુમલો કર્યો હતો.

સરકાર આને ગુનો કેમ નથી ગણવા માંગતી?

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને સ્પષ્ટ કર્યું છે કે વર્તમાન કાયદો સાચો છે અને તેમાં ફેરફાર કરવાની જરૂર નથી. સરકારે પોતાની દલીલના સમર્થનમાં નીચે મુજબના કારણો આપ્યા છે.

  • સામાજિક અને પારિવારિક માળખું: ભારતમાં લગ્ન માત્ર બે લોકોનો સંબંધ નથી, તેનું સામાજિક મૂલ્ય ઘણું મોટું છે. જો આને બળાત્કાર ગણવામાં આવે તો પતિ-પત્ની વચ્ચેના વિવાદો વધશે અને ભવિષ્યમાં સમાધાનની કોઈ શક્યતા રહેશે નહીં.
  • પશ્ચિમી મોડેલની નકલ અશક્ય: સરકારનું કહેવું છે કે પશ્ચિમી દેશોનું કાનૂની મોડેલ સીધું ભારતમાં લાગુ ન કરી શકાય, કારણ કે આપણી સામાજિક પરિસ્થિતિ અને આર્થિક નિર્ભરતા અલગ છે.
  • સાબિતીનો મોટો પડકાર: પતિ-પત્ની વચ્ચે બંધ દરવાજા પાછળ બનેલી ઘટનામાં પત્નીની સંમતિ હતી કે નહીં તે કોર્ટમાં સાબિત કરવું ખૂબ જ મુશ્કેલ બની જશે.
  • કાયદાનો દુરુપયોગ: સરકારને ડર છે કે ઘરેલુ હિંસા અને કલમ 498A (દહેજ ઉત્પીડન) ના કાયદાઓની જેમ આ કાયદાનો પણ ખોટા કેસ કરી બદલો લેવા માટે દુરુપયોગ થઈ શકે છે.
  • સંસદની સર્વોચ્ચતા: સરકાર માને છે કે આટલો મોટો કાયદાકીય ફેરફાર કોર્ટે ન કરવો જોઈએ. આ નિર્ણય સંસદમાં ચર્ચા કર્યા પછી અને તમામ પાસાઓ તપાસ્યા પછી જ લેવાવો જોઈએ. હાલમાં ઘરેલુ હિંસા અને ક્રૂરતાના કાયદા હેઠળ પીડિત મહિલાઓ માટે રક્ષણ ઉપલબ્ધ છે જ.

ટૂંકમાં, એક તરફ મહિલાઓની વ્યક્તિગત સ્વતંત્રતા અને સંમતિનો અધિકાર છે, તો બીજી તરફ સમાજમાં કૌટુંબિક વ્યવસ્થા જાળવી રાખવા અને કાયદાના દુરુપયોગનો ડર છે. હવે સૌની નજર સુપ્રીમ કોર્ટના આગામી ચુકાદા પર ટકેલી છે.